રમેશ સવાણી (મેરાન્યૂઝ અમદાવાદ): સરકારનું કામ શોષકને જેલમાં પૂરવાનું છે; તેને બદલે શોષકોને છાવરે તો કરવું શું? 5 સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકોનું તરીકે ઊજવાય છે. તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે માત્ર રુપિયા 2,500નું વેતન લેતા હતા. ખાનગી શાળાઓના શિક્ષકોએ પણ ઓછું વેતન લઈને રાધાકૃષ્ણનના માર્ગે ચાલવું જોઈએ; તેમ એજ્યુકેશન માફિયાઓ માને છે !

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ/વાલીઓ સાથે છેતરપિંડી કરે એવું નથી; પોતાના શિક્ષકોનું પણ શોષણ કરે છે. પગાર દર્શાવે છે ઊંચો; અને ચૂકવે છે ઓછો ! આવી શિક્ષણ સંસ્થાઓ બાળકોને નૈતિકતાના પાઠ ભણાવે છે ! શિક્ષકદિને, ખાનગી શાળાના શિક્ષકો કાળું માસ્ક પહેરીને તમામ જિલ્લામાં કલેક્ટરને શોષણખોર શાળા સંચાલકો વિરુધ્ધ આવેદનપત્ર આપવાના છે કે અમારું શોષણ બંધ કરાવો !


 

 

 

 

શિક્ષકોનો પગાર બેન્ક મારફતે ચૂકવવાની નીતિ અમલમાં મૂકી તો સંચાલકો, શિક્ષકોની ચેકબૂક/ATM કાર્ડ પોતાની પાસે રાખવા લાગ્યા; બેન્કમાં શિક્ષકોના ખાતામાં પગાર નાખવામાં આવે તે સંચાલકોના માણસો ઉપાડી લે અને કાપ મૂકીને શિક્ષકોને પાગાર ચૂકવાય ! ઊંટે કર્યા ઢેકા તો સંચાલકોએ કર્યા કાંઠા ! સરકાર શોષકોની સાથે છે; નહીં તો એમના કાંઠા એમને જ નડે ! ખાનગી શાળાના શિક્ષકો માંગણી છે કે ‘સંચાલકો કાંઠા બનાવ્યા કરે છે એટલે સંચાલકો શિક્ષકોને જે પગાર ચૂકવે છે તે પહેલાં સરકારને ચૂકવે; અને સરકાર પછી શિક્ષકોને પગાર ચૂકવે ! ખાનગી શિક્ષકોની યાદી સરકાર પોતાના હસ્તક રાખે ! આમ કરવાથી સંચાલકો દ્વારા કાગળ ઉપર જે ઊંચા પગાર દર્શાવવામાં આવે છે; તેનો ભાંડો પણ ફૂટશે, શિક્ષકોનું શોષણ પણ અટકશે અને ટેક્સચોરી પણ અટકશે !’ખાનગી શાળાના શિક્ષકો ભોળા છે; એમને ખબર નથી કે તંત્ર/સરકાર તો શોષકોની મદદ માટે ચિંતિત છે ! સરકારને જો શિક્ષકોની ચિંતા હોય તો કોઈની મજાલ છે કે શિક્ષકોને ઓછો પગાર ચૂકવે? શિક્ષકોનું શોષણ થાય?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)