મેરાન્યૂઝ નેટવર્ક, તલોદ: નારી સશક્તિકરણ ની ગુલબાંગો ફૂંકતી  ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ કર્યા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બહાર આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલના ખેતરમાં ભાગીયા (ભાગીદાર) ની પત્ની પર દુષ્કર્મ આચરવાનો આક્ષેપ લાગ્યો છે. તલોદ પોલીસે સંજય પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેને પગલે  જીલ્લા ભાજપના રાજકારણમાં હડકંપ મચ્યો છે.

સાબરકાંઠા યુવા ભાજપ મોરચાના મહામંત્રી અને તલોદ તાલુકાના ગંભીરપુરા ગામના સંજય રણછોડભાઈ પટેલે તેની ૧૫ વીઘા જમીન ભાગે રાખી ખેતમજૂરી કરનાર ભાગીયાની પત્ની સાથે ગત ૫ જૂન ૨૦૧૯ ના રોજ ભાગિયો તેના છોકરાને સાયકલ લઈ આપવા બજારમાં જતા ખેતમજૂરની પત્ની ખેતરમાં પાણી વાળતી હતી ત્યારે સાંજના સુમારે ખેતર માલિક સંજય પટેલે ખેતરમાં પહોંચી મહિલાને બાજુના ખેતરમાં ડ્રિપની પાઈપો અલગ પાડવાનું કહી બાજુના ખેતરમાં લઈ જઈ ખેતરના કુવા પર આવેલી ઓરડી ખોલવાનું કહેતા મહિલાએ ઓરડી ખોલતા કામુક બનેલા સંજય પટેલે મહિલાને ધક્કોમારી ઓરડીમાં મહિલા સાથે હેવાનિયત ભર્યું કરતૂત કરી કામાંધ બનેલા સંજય પટેલે દુષ્કર્મ આચરી પલાયન થઈ જતા ચકચાર મચી હતી.

મહિલાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતા પતિ પણ ખેતર માલિકની હરકત થી ડઘાઈ ગયો હતો.  બહુ મથામણ પછી દુષ્કર્મની ઘટનાના ૧૩ દિવસ પછી તલોદ પોલીસ સ્ટેશને મહિલાએ તેના પતિ સાથે પહોંચી ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સંજય રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૭૬,૩૨૩ અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે ખેતમજૂરની પત્ની પર સંજય પટેલે દુષ્કર્મ આચર્યા ના ૧૩ દિવસ પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.