મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જે અંતર્ગત રવિવારે રાજકોટ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને તાલુકા પંચાયતની 202 બેઠકો માટે 586 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં અમરેલીમાં બાઇક રેલી યોજાઈ હતી. 

એક અઠવાડીયા સુધી પ્રચારનું વાવાઝોડુ ફુક્યા બાદ આજે સાંજથી પ્રચારના ભુંગળા બંધ થઈ જશે. ત્યારે મતદારોને આકર્ષવા માટે મુરતીયાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અને પ્રચાર સંગ્રામ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. છેલ્લી ઘડી સુધી લડી લેવાના મુડામાં રહેલા ઉમેદવારો સતત સભા, રેલી અને સરઘસ કાઢી મતદારોને રિઝવી રહ્યા છે. જોકે સૌરાષ્ટ્ર ભરની 11 જિલ્લા પંચાયતોની 310 અને 70 તાલુકા પંચાયતોની 1500 બેઠકો અને 18 નગર પાલિકાઓની ચૂંટણીઓ માટે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ જયાં 'આપ' મેદાનમાં છે, ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં 'આપ' નાં 21 ઉમેદવારો મેદાનમાં છે. સાથે જેતપુર તાલુકા સહિતની બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં આપ કોંગ્રેસને નડી જતા હવે પંચાયતોમાં મતોનું વિભાજન અટકાવવા કોંગ્રેસે કમર કસી છે. બીજીતરફ મહાપાલિકાનાં પરિણામો બાદ ભાજપની છાવણી ગેલમાં છે. દરમિયાન રાજય ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસરો સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી ચૂંટણી અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.