રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ): ગીર સોમનાથ જીલ્‍લામાં અત્‍યાર સુઘીમાં ચાલુ વરસાદની સીઝનનો સરેરાશ 151 ટકા ભારે વરસાદ વરસ્‍યો છે. જેમાં સૌથી વઘુ તાલાલા ગીરમાં 70 ઇંચ જયારે સૌથી ઓછો ઉનામાં 45 ઇંચ વરસાદ વરસ્‍યો છે. જે જીલ્‍લાના સરેરાશ વરસાદ કરતા 51 ટકા વઘુ છે. જીલ્‍લાના છએય તાલુકામાં સરેરાશ કરતા 27 થી 80 ટકા સુઘી વઘુ વરસાદ વરસ્‍યો છે. જેના લીઘે ખેતરોથી લઇ રોડ-રસ્‍તાઓને ભારે નુકસાન થયું છે તો ઢોર-ઢાખર તણાઈ જવા, લોકોના ડૂબી જવા જેવી જાનહાનિ સાથે મકાનો ઘરાશાયી થવાના અનેક બનાવો બન્‍યા છે.

છેલ્‍લા એકાદ માસથી સમગ્ર ગીર સોમનાથ જીલ્‍લામાં સતત વરસાદ વરસી રહેલ હતો. જેમાં છેલ્‍લા અઠવાડીયામાં જીલ્‍લાના છએય તાલુકામાં મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્‍યા બાદ ત્રણ-ચાર દિવસથી વિરામ લેતા લોકો અને ખેડુતોએ રાહતનો શ્વાસ લીઘો છે. ચાલુ વર્ષની ચોમાસાની સીઝનમાં જુનથી ઓગષ્‍ટ સુઘી એટલે કે ત્રણ મહિનામાં જીલ્‍લાનો સરેરાશ વરસાદ 150.55 ટકા થયો છે. જેમાં ઓગષ્‍ટ માસમાં ભારે વરસાદ વરસ્‍યો છે. ગીર સોમનાથ જીલ્‍લામાં અત્‍યાર સુઘીમાં સૌથી વઘુ વરસાદ તાલાલા ગીરમાં 70 ઇંચ (164 ટકા) જ્યારે સૌથી ઓછો ઉનામાં 45 ઇંચ (127 ટકા) વરસાદ વરસ્‍યો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં વેરાવળમાં 52 ઇંચ (147 ટકા), સુત્રાપાડામાં 61 ઇંચ (182 ટકા), કોડીનારમાં 59 ઇંચ (147 ટકા), ગીરગઢડામાં 52 ઇંચ (147 ટકા) જેટલો સરેરાશ વરસાદ વરસ્‍યો છે.

જીલ્‍લાના છએય તાલુકામાં તંત્ર દ્વારા નકકી થયેલા સરેરાશ કરતા 27 થી 81 ટકા સુઘી વરસાદ વરસ્યો છે. સમગ્ર જીલ્‍લામાં ચાલુ સીઝનમાં સતત વરસેલ વરસાદ અને તેના લીઘે ડેમો ઓવરફલો થવાની અને નદીઓમાં આવેલા પુરના લીઘે જીલ્‍લામાં વાવેતર કરાયેલા પાકોને વ્‍યાપક નુકસાન થયું છે. ચાલુ વર્ષે જીલ્‍લામાં કુલ 1 લાખ 46 હજાર 246 હેકટર જમીનમાં વિવિઘ પાકોનું વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ 1 લાખ 2 હજાર 759 હેકટરમાં મગફળીનું, 12409 હેકટરમાં કપાસ, 5159 હેકટરમાં સોયાબીન, 4477 હેકટરમાં શાકભાજી, 1927 હેકટરમાં શેરડીના તેમજ અન્યમાં ઘાસચારો, બાજરી, તલ કઠોળનું વાવેતર થયું હતું. જીલ્‍લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા જવાના પગલે વાવેતર કરાયેલા મોટાભાગના પાકોને વ્‍યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી સરકાર સમક્ષ સહાયની માંગણી કરી રહ્યા છે. જો કે, સરકારે પણ પડેલા ભારે વરસાદની નોંઘ લઇ સત્‍વરે ખેડૂતોના પાકોને થયેલી નુકસાનીનો સર્વે કરાવવા 22 ટીમ બનાવી કામગીરી શરૂ કરી છે. એકાદ માસની અંદર તમામ ટીમોનો સર્વે પુરો થયા બાદ નુકસાનીની સાચી હકકીત જાણવા મળશે તેમ ખેતીવાડી અઘિકારી એસ.બી.વાઘમશીએ જણાવ્યું છે.

જીલ્‍લામાં પડેલ ભારે વરસાદથી 20 પશુઓ તણાવા સહિતના કારણોથી મૃત્‍યુ પામ્‍યા છે. જ્યારે વીજળી પડવાથી 3, ડુબી જવાથી 5 અને અન્‍ય કારણોથી 2 મળી કુલ 10 લોકોના મૃત્‍યુ થયા છે. પાકા મકાનો -10, કાચા મકાનો -174 તથા સરકારી મકાન - 1 ઘરાશાયી થયા છે.

તો બીજી તરફ જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓને પણ ભારે વરસાદથી વ્‍યાપક નુકસાન થયું હોય તેમ ક્ષતિગ્રસ્‍ત બન્‍યા છે. જેના પગલે જીલ્‍લા પંચાયતા માર્ગ અને મકાન વિભાગે તાબડતોડ પેચવર્કની કામગીરી યુઘ્‍ઘના ઘોરણે શરૂ કરી દીઘી છે. જેની વિગત આપતા પંચાયતના કા. ઇજનેર એસ. જે. મછારએ જણાવ્યું કે, જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોના 1058 કિમીની લંબાઇના માર્ગો જી. પં. હસ્‍તકના છે. જેમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્‍ત બનેલાની આવેલી માહિતીના આઘારે વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાના કુલ 69 કીમીના રસ્‍તાઓની રિપેરીંગ કામગીરી ગઇકાલ સુઘીમાં પુર્ણ કરી દેવાઈ છે. આગામી દિવસોમાં જેમ જેમ સરપંચો અને મંત્રીઓની રસ્‍તા બિસ્‍માર બની ગયાની માહિતી આવશે તે મુજબ પેચવર્કની કામગીરી કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જીલ્‍લામાં જુદા-જુદા પાંચ પુલોના એપ્રોચ ભારે વરસાદના કારણે ઘોવાઈ ગયેલા જે તમામને યુઘ્‍ઘના ઘોરણે રિપેરીંગ કરી દેવાયા છે. જીલ્‍લામાં 80 કિમીના સ્‍ટેટ હાઇવે બિસ્‍માર બની ગયા હોય જેનું રિપેરીંગ કામ પણ ટુંક સમયમાં શરૂ થશે.