મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતભરમાં હાલમાં વરસાદ ઠેરઠેર અવિરત રહ્યો હતો. ઘણાઓએ આ નોંધપાત્ર વરસાદનું કારણ લોકડાઉન અને તેના કારણે ઘટેલા પ્રદુષણને પણ ગણાવ્યું હતું. ખેર કારણ ગમે તે હોય પણ વરસાદ 100 ટકાથી ઘણો આગળ વધી ગયો. 132 ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે. જોકે હાલમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ઘણા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

ભાવનગરમાં જ આજે લગભગ સવારના સમયે 1.20 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંતના ગુજરાતના 37 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે, હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિભારે વરસાદ થવાની શક્યતા નહીવત છે. પરંતુ છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. તે ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોઈ 24મી સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25મી સપ્ટેમ્બર બાદ વરસાદ નહીવત રહેશે.

ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં નેતાઓ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હોવાનું ગણાવી રહ્યા છે ત્યાં ખેડૂતો દ્વારા આ વરસાદને અતિવૃષ્ટી કહેવાય તેવી સમાન્ય સમજ પણ નેતાઓમાં નથી તેવું વર્ણવી વધુ વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે વડતર મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ખેતીવાડી વિભાગ પણ સર્વેની કામગીરીમાં જોતરાયો છે. પણ ગોકળગાયની ગતિએ ચાલતા આ કામમાં હજુ અમરેલી જિલ્લાના જ દસ ટકા વિસ્તારોમાં સર્વેની કામગીરી પુરી થઈ ચુકી નથી.