પારસ ઝા (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે કોઈ કોરા સફેદ કેનવાસને ચિત્ર કહેશો? જ્યારે એ કોરા કેનવાસમાં કલાકારના વિચારો રંગોના માધ્યમથી રેલાઈ જાય પછી એ બને છે ચિત્ર. એવી જ રીતે સંપૂર્ણ શાંતિમાં ધ્વનિ, અવાજ અને સંગીતના માધ્યમથી વિચારોને વ્યક્ત કરવામાં આવે તો એ બની જાય છે, રેડિયો કાર્યક્રમ. રેડિયો જેવા સર્જનાત્મક માધ્યમની આ સરળ સમજ આપનારા રેડિયોગુરુ એટલે સાદિકનૂર પઠાણ.

રેડિયોગુરુ, મીડિયાગુરુ આ શબ્દો એ સાદિકભાઈના વ્યક્તિત્વને વર્ણવવા માટે પૂરતા નથી. સદાય હસતો ચહેરો, હંમેશાં હુંફાળો આવકાર અને જેમની દરેક વાતમાંથી માત્ર કૌશલ્ય જ નહીં, પણ જીવનના પાઠ પણ સાહજિક રીતે શીખવા મળે તેવા વિચારશીલ અને દુન્યવી અનુભવોથી સમૃદ્ધ વ્યક્તિત્વને માત્ર કોઈ એક જ ઓળખથી જાણવાએ પૂરતું નથી.

જેમની પાસે બેસીને હળવા થઈ શકાય, જેમની પાસેથી પોઝિટિવિટીનો નવો ડોઝ અને ક્રિએટીવિટીનો ખજાનો મળે તેવો ઊર્જાનો સ્રોત હતા સાદિકભાઈ. જીવનમાં આવી સાદગી, સરળતા અને મિલનસારપણું એટલી સહજતાથી નથી મળતું. કારણકે કોઈ પણ વ્યક્તિ માટે જીવન એટલું સરળ નથી હોતું, જેટલું લાગે છે. દરેકે પોતાના જીવનમાં આવતી સારી કરતાં ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડતો હોય છે અને એ સામનો જે-તે વ્યક્તિ કેવી રીતે કરે છે, તેના આધારે તે પોતાના જીવનને બનાવી કે બગાડી શકે છે. આવ સમયે જે સમજણ વિકસે છે ત્યારે એ વ્યક્તિત્વને મિલનસાર કે અંતર્મુખી બનાવે છે.


 

 

 

 

 

સાદિકભાઈની એ સાદગી, સરળતા અને મિલનસારપણું એમણે જીવનમાં પરિસ્થિતિઓ સામે કરેલા સંઘર્ષ બાદ મેળવેલી સફળતા અને દરેકમાં કંઈક સકારાત્મક, કંઈક સારુ શોધી કાઢીને તેને માણવાની પ્રકૃતિની નીપજ હતી. રાજસ્થાનના ટોંક જિલ્લામાં પોતાના મૂળ ધરાવતા સાદીકભાઈએ જિંદગીના પાઠ ભણવાની શરૂઆત રમવાની ઉંમરમાં મિત્રો સાથે રમવાને બદલે સાઇકલ રિપેરિંગની દુકાનમાં કામ કરવાથી કરી હતી. શાળા શિક્ષણ બાદ અંગ્રેજી શીખવાની ઉત્કંઠા તેમને ઉર્દૂ સાહિત્યના મહાન વિવેચક અને અંગ્રેજીના પ્રાધ્યાપક વારિસ અલ્વી સુધી દોરી ગઈ અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અલ્વી સાહેબના વિદ્યાર્થી બનીને તેમણે અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ, હિંદી, ગુજરાતી અને અરેબિક ભાષા અને ઉચ્ચારણની બારીકીઓ અને લાક્ષણિકતાઓને એમણે આત્મસાત કરી.

ઓલ ઇન્ડિયા રેડિયો જેવા કેન્દ્ર સરકારના વિભાગમાં નોકરી મળે ત્યારે માત્ર એક સરકારી અધિકારી બનીને જી.આર. (ગવર્નમેન્ટ રિઝોલ્યુશન) અને નિયમો વચ્ચે ઘેરાઈને સંવેદનશીલતા અને સર્જનાત્મકતા બીબાઢાળ અને નીરસ બની જવાનું જોખમ હંમેશાં હોય છે. પરંતુ આ સાદિકભાઈએ ઓલ ઇન્ડિયા રેડિયોમાં તેમની દીર્ઘ કારકિર્દીમાં સતત શ્રેષ્ઠ અને સમાજ ઉપયોગી કાર્યક્રમોના નિર્માણ અને તેના માટેની નિસ્બત સાથે પોતાની સર્જનાત્મકતા અને સંવેદનશીલતાથી સરકારી વ્યવસ્થાનો મહત્તમ લાભ સમાજને મળે તેવી કામગીરી કરી.

ગુજરાતીમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ રેડિયોના માધ્યમથી આપવા માટે સાદિકભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન આણંદની એચ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સહયોગ કરીને અંગ્રેજી શિક્ષણના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાઠ તૈયાર કર્યા.

ડાંગ જિલ્લામાં રેડિયો સ્ટેશનના કાર્યકાળ દરમિયાન તેમણે આરોગ્ય, શિક્ષણ માટેની સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશેની જાહેરાતો આદિવાસી સમુદાયની બોલીઓમાં તૈયાર કરીને સમૂહ સંચારના માધ્યમ તરીકે ખૂબ જ અસરકારક રીતે રેડિયોનો ઉપયોગ કર્યો.


 

 

 

 

 

ચિનુ મોદી, રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, તુષાર શુક્લ જેવા ગુજરાતી કવિઓ અને મોહંમદ અલ્વી, જયંત પરમાર જેવા ઉર્દૂના કવિઓ-સાહિત્યકારોના મૈત્રીપૂર્ણ સાનિધ્ય, સંવાદ અને સાહિત્ય પ્રત્યેના પોતાના શોખને કારણે સાદિકભાઈના મનમાં કવિતા ન સ્ફૂરે તો જ નવાઈ. તેમણે ડાંગ જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમિયાન અનુભવેલી સંવેદનાઓ અને અવલોકનો નઝમ અને ગઝલ સ્વરૂપે ઉર્દૂમાં લખાયેલાં તેમના પુસ્તક ‘નદી કા ઘર’માં આપણને મળ્યાં.

રેડિયો પ્રોફેશનલ તરીકે પોતાની કામગીરીથી એક અનન્ય ઓળખ બનાવી ચૂકેલા સાદિકભાઈના બહોળા અનુભવ અને વિશિષ્ટ સંવાદ શૈલીને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોના અમદાવાદ ખાતે આવેલા રિજનલ ટ્રેનિંગ સેન્ટરની જવાબદારી સોંપાઈ. એટલું જ નહીં, અવાજના અસરકારક ઉપયોગ માટે એર ઇન્ડિયાના કેબિન ક્રુને વૉઇસ કલ્ચરની તાલીમ આપી.

રેડિયો બ્રોડકાસ્ટિંગ ટ્રેનિંગ ક્ષેત્રે તેમણે આપેલા વિશિષ્ટ યોગદાનની કદરરૂપે તેમને એક નહીં પણ બે વખત તેમનું ભારત સરકાર દ્વારા ઉપરાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું.

ઓલ ઇન્ડિયા રેડિયોમાં એક ઝળહળતી લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા સાદિકભાઈ માટે નિવૃત્તિનો સમય ખૂબ બધી પ્રવૃત્તિઓ અને વ્યસ્તતા લઈને આવ્યો. એફ.ડી. એજ્યુકેશન ટ્રસ્ટની સ્કૂલોના શિક્ષકોને વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા અને તેના ઉચ્ચારણો કેવી રીતે શીખવવા ત્યાંથી લઈને માઇકા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નૉલૉજી – ગાંધીનગર, સેપ્ટ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એલ.જે. કૉલેજ, જે.જી. કૉલેજ, ભવન્સ, સિટી પલ્સ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, સપ્તક જેવી મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલાં રહીને તેમણે વિદ્યાર્થીઓને રેડિયો અને વૉઇસ કલ્ચરની તાલીમ આપી.

આજે ઘણા બધા એફ એમ રેડિયો સ્ટેશન પર કામ કરતા આર. જે., વિવિધ કાર્યક્રમોમાં માસ્ટર ઓફ સેરેમની અથવા એન્કરિંગ અને કોમ્પેરિંગ કરતાં પ્રોફેશનલ્સના ઘડતરમાં સાદિકભાઈની તાલીમનો ફાળો છે.

બાળપણમાં સાઇકલ રિપેરિંગની દુકાનથી શરૂ થયેલો સાદિકભાઈનો આ દુનિયા સાથેનો સંબંધ અનેક ચડાવઊતારો બાદ આખરે 3 ડિસેમ્બર, 2020ના રોજ અણધાર્યો અને અચાનક તૂટી ગયો. કોરોના મહામારીએ આપણી વચ્ચેથી અનેક વ્યક્તિત્વોને છીનવી લીધા છે, જેમણે સમાજમાં એવા ક્ષેત્રોમાં પોતાનું મૂક અને ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે, કોરોનાએ સાદિકભાઈને આપણી પાસેથી છીનવી લઈને ગુજરાતી સમાજ અને દેશના રેડિયો પ્રોફેશનલ્સના સમુદાયને કરેલું આ નુકસાન ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે.

એક નવા-સવા પત્રકારને ઓલ ઇન્ડિયા રેડિયોના સાઉન્ડપ્રુફ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઊભા રાખીને નીરવતાનો અવાજ સંભળાવીને રેડિયો સમજાવનારા સાદિકનૂર પઠાણ એ નીરવતામાં લીન થઈ ગયા છે, પરંતુ રેડિયો કાર્યક્રમોમાં બે શબ્દો વચ્ચેની નીરવતામાં એ હંમેશાં સંભળાતા રહેશે.