મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ૭ વર્ષ અગાઉ રશિયાના સારાન્સ્ક ખાતે યોજાયેલ “વર્લ્ડ રેસ વોકિંગ” સ્પર્ધામાં અરવલ્લી જીલ્લાના બાબુ ભાઈ પણુચા સહીત ત્રણ ખેલાડીઓએ ભાગ લીધો હતો ચતુર્થ ક્રમાંક મેળવ્યો હતો પરંતુ સિલ્વર મેડલ મેળવનાર યુક્રેનની ટીમના રેસરનો ડોપિંગ ટેસ્ટ પોઝેટીવ આવતા જેનો ફાયદો ભારતની ટીમને થયો છે અને ભારતીય ટીમને વર્લ્ડ રેસ વોકિંગમાં સાત વર્ષ પછી ભારતને બ્રોન્જ મેડલ મળતા અરવલ્લી જીલ્લાના રમતવીરો અને રમત પ્રેમીઓમાં આનંદ છવાયો હતો.

વર્લ્ડ રેસ વોકિંગમાં આખરે સાત વર્ષ પછી ભારતને બ્રોન્જ મેડલ મળ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના આંબાવાવના વતની એવા બાબુભાઈ પણુચા પણ છે. ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ભારતીય ટીમના ત્રણ ખિલાડીઓ પૈકી એક ગુજરાતના અને તેમાંય અરવલ્લી જિલ્લાના છે, જેથી જિલ્લાની જનતામાં ખુશી પ્રસરી છે. વર્ષ 2012માં રશિયાના સારાન્સ્ક ખાતે આયોજિત આઈ.એ.એફ વર્લ્ડ રેસ વોકિંગની વીસ કિલો મિટરની પુરૂષ પ્રતિયોગીતામાં ગુજરાતના બાબુભાઇ સહિત અન્ય બે ખેલાડીઓએ કે.ટી.ઇરફાન અને સુરિન્દ્ર સિંઘની ટીમ મેડલથી એક ડગલુ દૂર હતી. પણ બીજા ક્રમાંકે આવનાર અને સિલ્વર મેડલ જીતનાર યુક્રેનની ટીમના એક ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા મેડલ પરત ખેંચી લેવાયો છે, અને ચોથા ક્રમાંકે આવનાર ભારતીય ટીમને હવે બ્રોન્જ મેડલ આપવામાં આવશે.

વર્ષ 2012માં આયોજિત વર્લ્ડ રેસ વોકિંગમાં ચીનએ ગોલ્ડ, યુક્રેનએ સિલ્વર તેમજ ઓસ્ટ્રેલિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, ત્યારે ભારતીય ટીમ ચોથા નંબરે રહી હતી, પણ યુક્રેનની ટીમ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવતા સાત વર્ષ પછી ભારતની વર્લ્ડ વોક રેસિંગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ અંગે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી શેર કરી છે. તો અરવલ્લીના વોક રેસિંગના ખેલાડી બાબુભાઈ પણુચાએ પણ ખુશી વ્યક્ત કરી છે.