મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ગતિશીલ ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાતના નામે દેશ-દુનિયામાં ફુલાવેલ ફુગ્ગાની હવા નીકળી જાય તેવા ઠેર ઠેર દ્રશ્યો આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોવા મળી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તા અને ગામ નજીકથી પસાર થતી નદીઓ પર કોઝવે કે પુલ ન હોવાથી અનેક ગામડાઓ ચોમાસાની ઋતુમાં સંપર્ક વિહોણા બને છે. કેટલાય દિવસો સુધી પ્રજાજનો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ઘરે પરત ફરતા સમયે નજીકમાં પસાર થતી નદીના વહેણમાં પાણી આવી જતા શાળાના આચાર્યે શકરાભાઈ પરમારે ગ્રામજનોની મદદ લઈ બાળકોને ઘરે મોકલવા માનવસાંકળ રચી હેમખેમ ઘરે મોકલી આપ્યા હતા. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થતા વહીવટી તંત્ર અને શિક્ષણતંત્રમાં હડકંપ મચાવાની સાથે ભારે દોડધામ મચી હતી.

આ અંગે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપતા જીલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપતા પ્રાથમિક તપાસમાં ગામમાં અન્ય માર્ગ હોવા છતાં આચાર્યએ બાળકોની જિંદગી જોખમમાં મૂકી હોવાનું કારણ ધરી સસ્પેન્ડ કરી દેતા શિક્ષણ આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી ગ્રામજનોની સમસ્યાને વાચા આપનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવતા ભારે આક્રોશ ઠાલવ્યો છે.

ડીપીઓ મીતાબેન ગઢવી સાથે આ અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ વિડીયો શાળાના આચાર્યએ ખુદ ઉતાર્યો હોવાનો અને સોશ્યલ મીડિયામાં તેમને જ વાયરલ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. શાળાના જવાબદાર વ્યક્તિ તરીકે બાળકોના જીવને જોખમમાં મુકવા ન જોઈએ અને બાળકોની સુરક્ષા તેમની જવાબદારી બનતી હોવાનું જણાવ્યું હતું. પાણીનું વહેણ વધુ હોય તો એકાદ બે કલાક રાહ જોવાની અને મામલતદાર કે પ્રાંત અધિકારીને જાણ કરવાની જરૂર હતી તેને બદલે બાળકોના જીવ જોખમમાં મુકતા હાલ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

સોમવારે ગ્રામજનોએ શાળા આગળ એકઠા થઈ વર્ષોથી બહેડીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો જીવન જોખમે પસાર થવા મજબુર બનવું પડે છે. વારંવાર વહીવટી તંત્રમાં નદી પર પુલ બનાવની માંગ કરવા છતાં પુલ બનાવામાં આવતો ન હોવાનું જણાવ્યું હતું અને જ્યાં સુધી આચાર્યનું સસ્પેન્સન રદ્દ કરી શાળામાં પરત ન લેવાય ત્યાં સુધી તાળાબંધી કરતા હડકંપ મચી ગયો છે.

શાળાને તાળાબંધી કરતા સોમવારે શિક્ષણકાર્યને અસર થતા જિલ્લા પંચાયતથી માંડી વહિવટી આલમમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આચાર્યને સસ્પેન્ડ કરતા ગામમાં કાયદો અને વ્યવસ્થા જોખમાઈ શકે તેવી ખાતરી અગાઉથી હોઈ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શનિવારે જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને પત્ર લખી ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાણ કરી દીધી હતી. આથી સોમવારની તાળાબંધીને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે.