જય અમિન (મેરાન્યૂઝ.મોડાસા): અરવલ્લી જીલ્લામાં મધ્યાહન ભોજનની લાલીયાવાડી અને ભ્ર્ષ્ટાચારથી ખદબદતો હોવાની અનેક બૂમો સમયાંતરે ઉઠી રહી છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મધ્યાહન ભોજન પાછળ ખર્ચી રહી હોવા છતાં ભ્રષ્ટ તંત્રના લીધે રાજ્યમાં કુપોષિત બાળકોનો રેશિયો આકાશે આંબી રહ્યો છે. બાયડ તાલુકાની કેટલીક પ્રાથમિક શાળોમાં મધ્યાહન ભોજન અંતર્ગત ફાળવવામાં આવેલા ચણાનો જથ્થો હલકી કક્ષાનો અને જીવાતથી ખદબદતો હોવાની બુમો ઉઠી છે.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ધામ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો ચણાનો જથ્થો હલકી કક્ષાનો અને જીવાતથી ખદબદતો હોવાથી મધ્યાહન ભોજનના સંચાલકે ગામના યુવા અગ્રણીને જણાવતા મેરન્યૂઝના પ્રતિનિધિનો સંપર્ક કરતા તંત્ર દોડતું થયું હતું. મધ્યાહન ભોજન નાયબ મામલતદાર રાકેશ જોશી તાબડતોડ ધોમ ગામે પહોંચી સ્થળ તાપસ કરી ચણાનો જથ્થો પરત મોકલી આપવાનો ઓર્ડર કરી નવો જથ્થો પૂરો પાડવાની તજવીજ હાથધરી હતી.

બાયડની ધોમ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો જથ્થો સાઠંબા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ફાળવવામાં આવ્યો હતો. સસ્તા અનાજની દુકાનના સંચાલક જીગ્નેશ જોશીના જણાવ્યા અનુસાર ચણાનો જથ્થો બાયડ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી જે જથ્થો આવ્યો હતો તે જ જથ્થો ધોમ ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલકને ફાળવવામાં આવ્યો હતો.

બાયડ ગોડાઉન મેનેજર એન.એન.નિનામાને ચણાનો જથ્થો જીવાતથી ખદબદતો અને હલકી કક્ષાનો ફાળવવા અંગે પુછાતા જણાવ્યું હતું કે, ગોડાઉન પર આવતા અનાજ, કઠોળના જથ્થાની લેબોરેટરી તપાસ કરાવવામાં આવ્યા પછી અનાજ, કઠોળનો નમૂનો પાસ થાય ત્યારે જ જીલ્લા કક્ષાએથી ઓર્ડર મળે પછી ગોડાઉન પરથી અનાજ-કઠોળનો જથ્થો સપ્લાય થાય છે. તો સવાલ એ ઉદ્ભવે કે જો આટલી જ તકેદારીઓ હોય તો આ જીવડા ભોજનમાં આવ્યા કેવી રીતે?

બાયડ મધ્યાહન ભોજનમાં તંત્ર એકબીજાને ખો આપી છટકવાનો પ્રયત્ન કરતુ હોવાનું જણાઈ આવતા સમગ્ર મામલા અંગે બાયડ પ્રાંત અધિકારી દ્વારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાળવાયેલા ચણાના જથ્થાની તપાસ કરવામાં આવે અને કસુવાર સામે પગલાં ભરવામાં આવેની માંગ જાગૃત નાગરિકોમાં પ્રબળ બની છે. કારણ કે આ માત્ર એક જ શાળા નહીં પરંતુ સમગ્ર તાલુકાની શાળાઓમાં આ જ જથ્થો પહોંચ્યો છે. તો હવે તંત્ર શું કામગીરી કરે છે તે જોવું રહ્યું. અહીં જીવાતોથી ખદબદતા ચણાના જથ્થાનો વીડિયો પણ દર્શાવ્યો છે.