પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ગુજરાત): એક સપ્તાહ પહેલા કેવડીયા કોલોની ખાતે પ્રદેશ કારોબારી મળી ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની જાહેરાત કરી હતી, આમ કેવડીયા કોલોની ભાજપની પ્રદેશ બેઠક મહત્વની સાબીત થઈ છે. આમ બીજી વખત કેવડીયાની ધરતી ઉપર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. 1997માં શંકરસિંહ વાઘેલાએ પણ દિલીપ પરીખ સરકારનું વિસર્જન કરાવતા પહેલા કેવડીયા ખાતે કેબીનેટ બેઠક બોલાવી હતી અને ત્યાંથી સીધા હેલીકોપ્ટર મારફતે ગાંધીનગર આવી દિલીપ પરીખનું રાજીનામુ રાજયપાલને સુપ્રત કરાવ્યું હતું. જો કે આ બંન્ને ઘટનાઓ અત્યંત ભીન્ન છે, આમ છતાં ગુજરાતના સત્તા પરિવર્તન માટે કેવડીયાની ધરતી મહત્વની સાબીત થઈ છે.

1995માં કેશુભાઈ પટેલની સરકારની રચના પછી શંકરસિંહ વાઘેલાએ બળવો પોકારી કેશુભાઈ પટેલની સરકાર પાડી નાખી હતી, જો કે ત્યાર બાદ પાર્ટી હાઈકમાન્ડની મધ્યસ્થીને કારણે સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા હતા જો કે મુખ્યમંત્રી થવાની લાલસામાં શંકરસિંંહ વાઘેલા ,સુરેશ મહેતાની સરકાર પણ પાડી નાખી અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી થઈ ગયા હતા, કોંગ્રેસના ટેકાથી ચાલતી સરકાર હોવા છતાં શંકરસિંહ જાહેરમાં કોંગ્રેસને ભાંડતા હતા આ બાબતથી નારાજ થઈ તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી ડી પટેલે શંકરસિંહની સરકારને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપતા શંકરસિંહને મુખ્યમંત્રી પદ છોડી દિલીપ પરીખને મુખ્યમંત્રી પદ સોંપવાની ફરજ પડી હતી.

Advertisement


 

 

 

 

 

ભાજપનો હાથ જોડી બાપુનો હાથ પકડનાર સાથી ધારાસભ્યોને બહુ જલદી ખ્યાલ આવી ગયો હતો કે તેમણે બાપુ સાથે આવી ભુલ કરી છે, બીજી તરફ ભાજપે બાપુથી નારાજ રાજપાના ધારાસભ્યોના સંપર્ક કરવાની શરૂઆત કરી હતી, જેની ભનક બાપુને આવી ગઈ હતી કે ભાજપ તેમનો જ દાવ તેમની સાથે રમી ગમે ત્યારે પોતાના ધારાસભ્ય તોડી પોતાની સરકાર પાડી નાખશે, બાપુની જાણકારી પ્રમાણે મંત્રીમંડળના સભ્ય આત્મરામ પટેલ ભાજપની ખાસ્સા નજીક હોવાની જાણકારી હતી. દિલીપ પરીખ પોતાનું રાજીનામુ રાજયપાલ સામે ધરે તે માટે કેબીનેટમાં ઠરાવ કરવો જરૂરી હતો પણ બાપુને ડર હતો કે રાજીનામા  વાત જાહેર થાય તો આત્મારામ પટેલ સહિત જે મંત્રીઓ ભાજપના સંપર્કમાં છે તેઓ તૈયાર થશે નહીં.

આથી શંકરસિંહ વાઘેલાએ કેબીનેટની બેઠક કેવડીયા કોલોની બોલાવવાનો નિર્ણય કર્યો હતો, આત્મારામ પટેલને બાદ કરતા તમામ મંત્રીઓ પોતાના વાહનમાં કેવડીયા પહોંચી ગયા હતા જયારે આત્મારામ પટેલને તેઓ પોતાની સાથે હેલીકોપ્ટરમાં લઈ ગયા હતા, કેબીનેટની બેઠકમાં મંત્રીઓ પાસે એક કોરા કાગળ ઉપર સહી લેવામાં આવી હતી, જો કે મંત્રીઓ કઈ સમજે તે પહેલા શંકરસિંહએ  દિલીપ પરીખને કેવડીયા છોડી હેલીકોપ્ટરમાં ગાંધીનગર આવી ગયા હતા અને ત્યાંથી સીધા રાજયપાલ  સામે જઈ રાજીનામુ ધરી દીધુ હતું આમં દિલીપ પરીખ સરકારનું પતન થઈ ગયુ તેની મંત્રીમંડળના સભ્યોને પણ જાણ ન્હોતી આમ 23 વર્ષ પહેલાં કેવડીયાની બેઠક ફરી સત્તા પરિવર્તનનું કારણ બની છે.

જો કે વિજય રૂપાણીના મામલે રૂપાણીને વિશ્વાસમાં લઈ તેમનું રાજીનામુ લેવામાં આવ્યુ છે, 1997 કરતા હાલની સ્થિતિ ખુબ ભીન્ન છે, બંનેને રાજીનામા વચ્ચે કોઈ સામ્યતા નથી