મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓને બદલી અને બઢતીના આદેશ કર્યા છે. જેમાં છ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં સૌથી સૂચક બાબત એવી છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માની ક્રાઈમ બ્રાન્ચમાંથી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)માં બદલી કરવામાં આવી છે. વિશ્વકર્મા લાંબા સમયથી ગુજરાત સરકારની ગુડબુકમાં હતા પરંતુ વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલની વસ્ત્રાપુર પોલીસે કરેલી ધરપકડ બાદ વિશ્વકર્માએ આ બંને બ્લડર સાથે સહાનુભૂતિ દાખવવા પોલીસ ઈન્સપેક્ટરને સૂચના આપી હોવાના કારણે તેઓ સરકારની ગુડબુકમાંથી નીકળી ગયા હોવાનું ચર્ચાય છે.


 

 

 

 

 

1998 બેચના આઈપીએસ અધિકારી અમિત વિશ્વકર્માની જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ ગાળામાં અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ અને દશરથ પટેલની વસ્ત્રાપુર પોલીસે તેમની પુત્રવધુની ફરિયાદને આધારે ધરપકડ કરી હતી. 2010ના ગાળામાં રમણ અને દશરથ પટેલ સૌહરાબુદ્દીન કેસમાં અમિત શાહ અને તેમના સાથીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિમાં સીબીઆઈને મદદ કરી હતી. આમ ભાજપ સરકાર રમણ અને દશરથથી નારાજ હતી. 

રમણ અને દશરથ સામે તેમની પૂત્રવધુએ નોંધાવેલી ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી, પરંતુ આ બંને બિલ્ડર બંધુઓને વસ્ત્રાપુર પોલીસ સાચવી રહી હોવાની ચર્ચા થતા આ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો. જેના કારણે વસ્ત્રાપુર પોલીસ શંકાના દાયરામાં આવી હતી. સૂત્રોની જાણકારી પ્રમાણે વસ્ત્રાપુર પોલીસ અમિત વિશ્વકર્માની ભલામણને કારણે સમગ્ર મામલે નરમ વલણ રાખ્યું હતું. આ બાબત ગુજરાત સરકારને પસંદ આવી ન્હોતી કારણ કે જે રમણ દશરથે અમિત શાહ અને તેમના સાથીઓને મુશકેલીમાં મુક્યા હતા તેમના પ્રત્યે વિશ્વકર્માની સહાનુભૂતિ હતી. 


 

 

 

 

 

વિશ્વકર્માની આ બદલી પાછળ આ જ કારણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વિશ્વકર્માને ક્રાઈમ બ્રાન્ચમાંથી ખસેડી એટીએસમાં મુકવામાં આવ્યા છે. જ્યારે પ્રામાણિક અને કડક પોલીસ ઓફિસરની છાપ ધરાવતા 2000 બેચના આઈપીએસ અધિકારી વી ચંદ્રશેખરને અમદાવાદ રેન્જના આઈજીપી તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે 2005ની બેચના અધિકારી એડી. પોલીસ કમિશનર પ્રેમવીર સિંગને ક્રાઈમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. પ્રેમવીર સિંગને સાથે સ્પેશ્યલ બ્રાન્ચનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. 

2008 બેચના નિરજકુમાર બડગુજરને ટેક્નીકલ સર્વિસ ગાંધીનગરથી સાબરકાંઠા એસપી તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિકને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત એસઆરપીના કમાંડન્ટ જગ્દીશ ચાવડાને એસપી અમદાવાદ ઈન્ટેલીજન્ટ્સ બ્યૂરોમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત જેમને બઢતી આપવામાં આવી છે તેવા 1996 બેચના નરસિમ્હા તોમરને એડીજીપી તરીકે બઢતી આપી તેમના મૂળ સ્થાને લો એન્ડ ઓર્ડરમાં મૂકવામાં આવ્યા છે. આ જ રીતે પ્રફુલ કુમાર રોશનને પણ એડીજીપી તરીકે બઢતી આપી આર્મસ યૂનિટ રાજકોટમાં મુકવામાં આવ્યા છે. સુરત રેન્જના આઈજીપી રાજકુમાર પાંડ્યનને પણ એડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે.  આ ઉપરાંત ડીવાયએસપીની પણ બદલીઓ થઈ છે જે અહીં તસવીરોમાં દર્શાવી છે.