પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર રવિ પુજારી છેલ્લા અઢી દાયકાથી ભારતની બહાર રહી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશના વિવિધ ભાગોમાં ધનિકો અને નેતાઓને ધમકી આપી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવતો હતો. રવિ પુજારીના ખૌફનો ભોગ ગુજરાતના અનેક ધનિકો બન્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રવિ પુજારી સામે કુલ 14 ગુના નોંધાયેલા છે જે પૈકી એક ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગલોર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી તેને અમદાવાદ લઈ આવી છે.

મૂળ કર્ણાટકના રવિ પુજારીએ અંડરવર્લ્ડની દુનિયામાં પોતાની ધાક ઊભી કરી હતી અને વિવિધ રાજ્યોમાં ભટકી ગયેલા યુવાનોને ગેંગમાં શામેલ કર્યા હતા. છેલ્લા અઢી દાયકાથી દેશની બહાર રહી તે પોતાની ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. દેશના ધનિકો અને નેતાઓની યાદી બનાવી તેમને વિદેશથી ધમકી આપતો અને ધમકીને તાબે નહીં થનાર ધનિકો ઉપર તે પોતાની ગેંગ દ્વારા જીવલેણ હુમલો પણ કરાવતો હતો. રવિ પુજારી સામે વિવિધ રાજ્યોમાંથી કુલ 200 કરતાં વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ ગુના કર્ણાટકમાં અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 51 ગુના નોંધાયેલા છે.

Advertisement


 

 

 

 

 

રવિ પુજારીનો આતંક ગુજરાતમાં પણ વધ્યો હતો. તેણે અનેક ધનિકોને નિશાન બનાવી ખંડણી ઉઘરાવી હતી. જે મામલે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી પરંતુ તે દેશની બહાર હોવાને કારણે પોલીસ લાચાર બની જતી હતી. રવિ પુજારીએ બોરસદના એક રાજનેતાને ખંડણી માટે ધમકી આપી હતી. આ રાજનેતા તેના તાબે નહીં થતાં તેમના પર ગોળીબાર પણ કરાવ્યો હતો. રાજ્ય સરકારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા આ મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો. આ જ પ્રકારની અન્ય 14 ફરિયાદનો પણ ક્રાઈમ બ્રાન્ચને નોંધાયેલી છે. આ ઉપરાંત ગુજરાત એટીએસ પાસે પણ તેની કેટલીક ફરિયાદો પડતર છે.

2020માં દક્ષિણ આફ્રિકામાં રવિ પુજારી ઝડપાઈ ગયો હતો અને પ્રત્યાર્પણ પછી તેને ભારત લાવી કર્ણાટક પોલીસને સોંપવામાં આવ્યો હતો. મુંબઈમાં પણ રવિ પુજારી સામે ઘણા કેસ હોવાને કારણે મુંબઈ પોલીસે પણ તેની કસ્ટડી લીધી હતી અને મુંબઈ પોલીસની તપાસ પુરી થતાં તેને બેંગલોર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યૂટી પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે અમારા સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચમાં રવિ પુજારી સામે 14 ગુના નોંધાયેલા છે. તે પૈકીના એક ગુનામાં પ્રત્યાર્પણના નિયમો અનુસાર તેની કસ્ટડી લેવા માટે અમે ભારત સરકારને અરજી કરી હતી જેની મંજુરી મળતાં અમે તેને અમદાવાદ લાવ્યા છીએ. બાકીના ગુનાની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ બંને દ્વારા મંજુરી માગવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રવિ પુજારીને અમદાવાદ લાવવા માટે બેંગ્લોર પહોંચી હતી જ્યાંથી તેને અમદાવાદ લાવવા હવાઈ માર્ગનો ઉપયોગ કરાયો હતો. રવિ પુજારીની સલામતીને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સધન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેને પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટથી સીધો ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવશે.