રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ) : પોલીસતંત્રમાં સુધારા થવા જોઈએ; એવું પ્રત્યેક નાગરિક ઈચ્છે છે. લોકો ઈચ્છે છે કે પોલીસ લોકલક્ષી બને; પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી ન બને પરંતુ બંધારણીય મૂલ્યોનું જતન કરે; પોલીસ તટસ્થ ન રહે પરંતુ વિક્ટિમ તરફી રહે. પોલીસની મુશ્કેલીઓ/ ખામીઓ/ ભ્રષ્ટતા અંગે જ્યારે લખું છું ત્યારે કેટલાંક વાંચકોની ફરિયાદ છે : “અત્યાર સુધી કેમ સૂતા હતા? તમને નિવૃતિ પછી જ ડહાપણ આવ્યું? તમે સર્વિસમાં હતા ત્યારે કેમ પગલાં ન લીધાં?”

શું પોલીસતંત્રને કોઈ એક અધિકારી સુધારી શકે? ના, જ્યાં ફરજ હોય ત્યાં થોડો ફેરફાર કરી શકે; પરંતુ સમૂળું પરિવર્તન કરી શકે નહીં. ગુજરાતમાં IPS અધિકારી આર. બી. શ્રીકુમાર જ્યારે SRP-હથિયારી એકમોના વડા હતા ત્યારે પોલીસના નાના કર્મચારીઓ પાસેથી ઉપરી અધિકારીઓ ડીપ્લોયમેન્ટ/ પરિક્ષા/ પ્રમોશન જેવા પ્રસંગોએ કરપ્શન કરતા હતા; તે અટકાવ્યું હતું. નાના કર્મચારીઓ ગમે ત્યારે તેમને મળી શકતા હતા; પોતાની મુશ્કેલીઓ કહી શકતા હતા. તરત જ ફરિયાદનો નિકાલ થતો. તેઓ ‘ડેમોક્રેડિટ મેનર્સ’/‘ફ્રી એક્સેસ’માં માનતા હતા. કોન્સ્ટેબલને પણ પોતાની સામે બેસાડતા અને શાંતિથી સાંભળતા ! હા, ગુજરાતના પોલીસ વડા તરીકે આર. બી. શ્રીકુમાર હોત તો જરુર વધુ ફરક પડ્યો હોત. ગુજરાતના પોલીસ વડા તરીકે રીબેરોએ ફરક પાડ્યો હતો; ચૂંટણીપંચના વડા તરીકે શેષાને જબરજસ્ત ફરક પાડ્યો હતો ! પરંતુ જેવી તેમની બદલી થઈ એટલે બીજા અધિકારીઓએ આ પ્રથા બંધ કરી દીધી. પાછી જૂની સીસ્ટમ ચાલુ થઈ ગઈ ! ‘બેસ્ટ પ્રેક્ટિસ’નો અમલ થતો નથી. આજે સત્તાપક્ષના કારણે પોલીસ/ CBI/ SC/ EC ને લકવો થઈ ગયો છે; ખુદને કોઈ મદદ કરે તેવી આજીજી કરે છે ! મારો અનુભવ જણાવું તો મેં, પોલીસ વેલ્ફેર માટે ચીલ્ડ્રનપાર્ક/બાળમંદિર/ પોલીસ સહકારી મંડળી/ ઓછા દરે ધિરાણ/ પોલીસમાર્કેટ/ ઓપન થીએટર/ પોલીસગાર્ડન વગેરે ક્ષેત્રમાં કામ કર્યું; પરંતુ મારી બદલી બાદ એ બધી કામગીરીમાં ભાગ્યે જ કોઈ અધિકારીએ રસ લીધો ! પોલીસતંત્રને સુધારવા માટે નેશનલ પોલીસ કમિશને પોતાના 8 દળદાર રીપોર્ટ આપ્યા છે; તેમાં અમૂલ્ય ભલામણો કરી છે; પરંતુ એનો અમલ ન થયો. એટલા માટે UPના પૂર્વ DGP પ્રકાશસિંધે સુપ્રિમકોર્ટ સમક્ષ દાદ માંગી. સુપ્રિમકોર્ટે ખૂબ ડંડા પછાડ્યા પરંતુ સત્તામાં બેઠેલાં નેતાઓને પોલીસ મુક્તપણે કામ કરે તે ખૂંચતું હતું; તેઓ પોલીસને પાળેલા પોપટની જેમ જ રાખવા માંગતા હતા. નેશનલ પોલીસ કમિશન/ સુપ્રિમકોર્ટની બધી મહેનત પાણીમાં ગઈ છે; નાગરિકો પોલીસ સ્ટેશને જતા ડરે છે. વિક્ટિમ ડરે છે; ગુનેગારો ડરતા નથી, એ હાલત છે. ટૂંકમાં કોઈ અધિકારી ન્યાય અપાવવાની કોશિશ કરે તો તેમને જ હેરાનગતિનો ભોગ બનવું પડે છે. CBI ના વડા આલોક વર્માની દુર્દશાનો દાખલો આપણી સામે છે.

નાના પોલીસ કર્મચારીઓ ઉપર PI હોય, તેની ઉપર DySP હોય, તેની ઉપર SP/ DIG-IG/ ADGP/ DG હોય; તેની ઉપર હોમ સેક્રેટરી/હોમ મિનિસ્ટર અને CM હોય. ઉપરની સૂચનાનું પાલન થાય છે; પછી ભલે એવી સૂચનાઓ બંધારણીય મૂલ્યો વિરુધ્ધની હોય. કોઈ અધિકારી આવી સૂચના પાલનમાં ઢીલ કરે તો તેમની બદલી નોન-એક્ઝિક્યુટિવ જગ્યાએ તરત જ કરવામાં આવે છે; પછી બદલી પામેલ ફરજનિષ્ઠ અધિકારી સાથે બાકીના અધિકારીઓ અસ્પૃશ્યતા પાળે છે ! આ કારણસર સીનિયર પોલીસ અધિકારીઓ મૌખિક સરકારી સૂચનાઓનું પાલન કરે છે ! જિલ્લામાં SP કંઈક કરી શકે છે; એમની બદલી સિટીમાં DCP તરીકે થાય તો તે કંઈ કરી શકતા નથી; તે પોતાના ડ્રાઈવર/ ગનમેનની બદલી પણ કરી શકતા નથી ! પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં PI અને CP બધા અધિકારો ભોગવે છે; જ્યારે ACP /DCP /સેક્ટર અધિકારની ભૂમિકા એક્ટ્રા કલાકાર જેવી હોય છે. અધિકારહીન અધિકારી કોઈ મહત્વના નિર્ણય ન લઈ શકે, લે તો તેનો અમલ કરાવી શકે નહીં. રાજકીય ઈચ્છાશક્તિ વિના પોલીસતંત્ર લોકલક્ષી બની શકે નહીં; અને રાજકીય ઇચ્છાશક્તિ ત્યારે જ જાગે જ્યારે લોકજાગૃતિ ટોચ ઉપર હોય ! લોકજગૃતિ હશે તો શ્રીકુમાર/આલોક વર્મા/રીબેરો/શેષાન ઊગી નીકળશે ! 2002ના કોમી તોફાનોની તપાસ માટે સત્તાપક્ષે નિમેલ તપાસપંચે કહ્યું કે આર. બી. શ્રીકુમારની ભૂમિકા શંકાસ્પદ/ નકારાત્મક હતી ! આ અવલોકન સામે ગુજરાતના કેટલા લોકોએ અવાજ ઊઠાવ્યો? કેટલી રેલીઓ નીકળી? લોકો ચૂપ રહ્યા ! લોકોનું મૌન જાલિમોને તાકાત આપે છે. લોકોને ચૂપ રહેવું છે અને કોઈ એક પોલીસ અધિકારી પોલીસતંત્રને સુધારી નાખે, તેવી અપેક્ષા રાખીને બેસી રહેવું છે ! ટૂંકમાં, લોકજાગૃતિ હશે તો સીસ્ટમમાં આવેલું પરિવર્તન ટકશે ! rs

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે)