પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1985માં અમદાવાદ અનામત આંદોલનની શરૂઆત થઈ હતી, ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં થોડીક સોસાયટીઓ જ હતી. મોટા ભાગે અમદાવાદની વસ્તી અને શહેરનો વેપાર અમદાવાદના કોટ વિસ્તારમાં જ થતો હતો. શહેરમાં સતત થઈ રહેલા તોફાનોને કારણે શહેરનો માહોલ કરફયુમાં ઘેરાઈ ગયો હતો. અમદાવાદમાં પોલીસના વાહનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા, ત્યારે ખાડીયા વિસ્તારમાં પોળમાંથી પસાર થઈ રહેલી એક જીપ ઉપર કોઈ એક મકાન ઉપરથી અનાજ દળવાની ઘંટીનું પડ ફેંકયુ અને પોલીસ જીપની પાછળની સીટ ઉપર બેઠેલા પોલીસ જવાનના માથા ઉપર તે પડયુ અને પોલીસ જવાન જીપમાં જ મૃત્યુ પામ્યો.

પોલીસ જવાન માર્યો ગયો તેવા સમાચાર જ્યારે અમદાવાદની પોલીસને મળ્યા ત્યારે પોલીસના ધાડેધાડા ખાડીયામાં ઉતરી પડયા હતા અને બસ પછી તો માણસ સામે મળે તો માણસ અને ઘરની બહાર પાર્ક કરેલા વાહન મળે તો વાહન બધાનો પોલીસે ખુદડો બોલાવી નાખ્યો હતો, આવુ હજી થોડા વર્ષ પહેલા કારંજ વિસ્તારમાં થયું હતું. ઈસ્લામ અંગે થયેલી ટીકાને કારણે નારાજ મુસ્લિમ યુવકોની એક રેલી રસ્તા ઉપર નીકળી હતી. રેલીને મંજુરી ન્હોતી, જેના કારણે પોલીસે રેલીને અટકાવી તો રેલીમાં સામેલ યુવકો કારંજ ચોકીને જ આગ લગાડી દીધી હતી. પોલીસ ચોકીને આગ ચાંપી દેવાના સમાચાર મળતા ક્રાઈમ બ્રાન્ચ સહિત આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ કારંજમાં દોડી આવ્યો, આગ ચાંપનાર જતા રહ્યા હતા, પણ પોલીસે પછી જે હાથમાં આવ્યું તેને નિશાન બનાવવાની શરૂઆત કરી હતી.

2015માં પણ આવું જ પાટીદાર આંદોલન વખતે થયું હતું, જીએમડીસીની સભા પછી તોફાન શરૂ થયા. પાટીદાર યુવકો સરકારી મિલ્કતને નિશાન બનાવી રહ્યા હતા, પોલીસ તેમને રોકવા પહોંચી અને તેમણે પોલીસને નિશાન બનાવી સંખ્યાબંધ સ્થળે પોલીસ ઉપર હુમલા થયા. પોલીસ લોહીલુહાણ બની અને ક્યાંક પોલીસ જવાન માર્યા પણ ગયા, પછી દર વખતની જેમ જ થયું. પોલીસે લોકોને ઘરમાં ઘુસી માર્યા, વાહનો તોડી નાખ્યા. આવુ બે દિવસ પહેલા સરદારનગરમાં થયું, સરદારનગરના નામનો ઉચ્ચાર થતાં અમદાવાદની આંખની સામે દારૂનો વેપાર આવે છે. સરદારનગરમાં પહેલા દેશી અને વિદેશી દારૂનો કારોબાર હતો. આજે પણ છે, પણ ભુતકાળની સરખામણીમાં તેનું પ્રમાણ ઘટયું છે. તેનું કારણ છારા જ્ઞાતિમાં ક્રમશઃ શિક્ષણ વધી રહ્યું છે.

જો કે સરદારનગર હવે સંપુર્ણ દારૂ મુકત થયુ છે તેવો દાવો પણ થઈ શકે તેમ નથી. જેમ તમામ જ્ઞાતિ અને વિસ્તારમાં હોય છે. તેવું જ સરદાનગરમાં પણ છે, દારૂ સાથે સંકળાયેલા લોકોનું પ્રભુત્વ વિસ્તાર ઉપર હજી યથાવત છે. જેના કારણે તેઓ દારૂ વેચે, ચોરીઓ કરે અને પોલીસ ઉપર હુમલા કરે પણ સામાન્ય છાપ તેવી ઉપજે કે સમગ્ર સરદારનગર આવું જ છે, જેવું હજી પણ અમદાવાદના જુહાપુરા વિસ્તાર માટે માનવામાં આવે છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ સબઈન્સપેકટપ ડી કે મોરી ઉપર હુમલો થયો અને પોલીસનો કાફલો સમગ્ર વિસ્તારમાં તુટી પડયો હતો. પોલીસે પકડેલા તમામ આરોપીઓ જ છે તેવું માની લેવાનું પણ કારણ નથી અને જેઓને પકડયા તેઓ નિદોર્ષ છે તેવું પણ નથી.

પણ જેને કાયદાનો અમલ કરાવવાનો છે તેવી પોલીસ બેખૌફ બની લોકો ઉપર તુટી પડે છે ત્યારે આવું કેમ બને તે સમજવાની જરૂર છે. સૌથી પહેલા રાજ્ય અને કેન્દ્રના કોઈ પણ કર્મચારીની સરખામણીમાં પોલીસના નોકરીના કલાકો વધુ છે. જેના કારણે ખાખી કપડમાં રૂઆબ છાટતી પોલીસ શારિરીક રીતે પણ થાકવા લાગે છે. કદાચ તેની ખબર તેને પોતાને પણ પડતી નથી, પોલીસના મોંઢે ભલે તેના વખાણ થતાં હોય પણ પોલીસ એટલે ચોર જ, એ પોલીસ એટલે ભ્રષ્ટ, તેવુ સામાન્ય પ્રજા તેમના માટે માને છે તેવું ખુદ પોલીસને પણ ખબર છે. જેના કારણે પ્રજા અથવા તંત્ર તેમની પ્રસંશા કરે તેવી બહુ તકો તેમના જીવનમાં આવતી હોય છે. આ માનસીક પ્રક્રિયા નિરાશાને જન્મ આપે છે, જેનો તેને પોતાને પણ અંદાજ હોતો નથી.

સામાન્ય રીતે અસામાન્ય સ્થિતિમાં જ કામ કરતા કોઈ એક પોલીસ જવાન ઉપર હુમલો થાય ત્યારે આખી પોલીસ કોમ માની લે છે કે પોલીસ કોમ ઉપર હુમલો થયો છે, ત્યારે આઈપીએસ કક્ષાના અધિકારીથી લઈ સામાન્ય કોન્સટેબલ જે શીસ્તબધ્ધ દળનો હિસ્સો હોય છે. તે શીસ્તના ધોરણોને એક જ ક્ષણમાં ફગાવી દઈ બદલાની ભાવનાથી પોલીસના ટોળામાં ફેરવાઈ જાય છે. ટોળુ હિન્દુનું હોય, ટોળુ મુસ્લિમનું હોય અથવા ટોળુ પોલીસનું હોય, ટોળુ કાયમ ટોળાની જેમ જ વિચારે અને વર્તે છે. પોલીસનું કામ લોકોને કાયદામાં ભરોસો ઉત્પન કરવાનું છે, પણ જ્યારે પોલીસ પોતાના સાથી ઉપર હુમલો થયાનું જુવે છે ત્યારે તેનો પોતાને જ કાયદામાંથી ભરોસો ઉઠી જાય છે અને જે ટોળાને કાયદામાં ભરોસો નથી અને તેમાં પણ પોલીસના ટોળાને લાગે કે કાયદો પાંગળો અને માયકાંગલો છે,ત્યારે સરદારનગરમાં થયું તેવું જ કરે છે.

જો કે આ તમામ દલિલો પોલીસના પગલાંને ન્યાયી ઠેરવી શકતી નથી, છતાં ગુંડાના નકલી એન્કાઉન્ટર કરનારી પોલીસને લાગે કે કાયદો ગુંડાને સજા કરી શકતો નથી, ત્યારે એન્કાઉન્ટરના નામે જંગલ રાજની શરૂઆત થાય છે. પોલીસે જે કઈ કર્યું તેના માટે તેની સામે તપાસ થશે, બે ચાર પોલીસને સજા થશે, પણ આવું કેમ બન્યું તેના મુળમાં ગયા વગર જો કાર્યવાહી થશે તો આવી ઘટનાઓ અવિરત બન્યા કરશે.

પોલીસની માનસીકતા સમજવા માટે સમાજશાસ્ત્રીઓ અને મનોચીકીત્સકોએ પણ કામ કરવું પડશે. કારણ માનસીક થાકેલી, હારેલી અને બીમાર પોલીસ એક સ્વસ્થ સમાજનું રક્ષણ કેવી રીતે કરશે?