મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લીઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ થઇ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થવાની સાથે સવાર-સાંજ દારૂના અડ્ડાઓ પર નશેડીઓની જમાવટ જોવા મળતી હોય છે અને દારૂના નશામાં બેફામ બનતા હોય છે. વર્ષોથી પોલીસને જો કોઈ દારૂ પીધેલા ને પકડવા હોય તો પ્રાથમિક રીતે તેનું મો સુંઘવાની પદ્ધતિ ચાલી આવે છે. જેથી તે નશો કરેલ હાલતમાં છે કે તેનું પ્રાથમિક અંદાજ આવી શકે છે. હા કેટલાક જિલ્લાઓમાં પોલીસ પાસે બ્રીથ એનેલાઈસર મશીનો પણ છે. જેનાથી પોલીસ સામેવાળાને ફૂંક મારાવાનું કહે છે અને નશો કરેલ છે કે કેમ તે જાણે છે. પણ કોરોના કાળમાં મો સુંઘવું કે પછી બ્રીથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ જોખમી પુરવાર થઇ શકે છે માટે આ બાબતને ધ્યાને લઇને રાજ્ય પોલીસ વડા દ્વારા પોલીસને આ કામગીરી હાલ નહીં કરવા જણાવ્યું છે.

જે કચેરી આદેશ જારી કરાયો છે તેમાં કહેવાયુ છે કે, નશાબંધી અધિનિયમ હેઠળ દારૂ અને કેફી પીણાનો નશો કરેલા વ્યક્તિઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી વેળાએ તેના શરીરની સ્થિતિનું પંચનામું કરવાનું હોય છે. એ વખતે વ્યક્તિના મોંઢામાંથી દારૂ કે કેફી પીણાની વાસ આવે છે કે કેમ? તે તપાસવા મોંઢુ સૂંઘવામાં આવે છે, આંખ લાલ છે કે કેમ? શરીરનું સંતુલન જળવાય છે કે કેમ? જીભ લથડિયા ખાય છે કે કેમ? તેવી બાબતોની ચકાસણી કરવાની હોય છે. પરંતુ, આવી વ્યક્તિઓ કોવિડ-19ના વાઈરસથી ચેપગ્રસ્ત હોઈ શકે છે અને એથી મોંઢુ સૂંધવાથી તપાસ કરનારને પણ ચેપ લાગી શકે છે. આથી, જ્યાં સુધી બીજો કોઈ આદેશ ન થાય ત્યાં સુધી શરીરની સ્થિતિના પંચનામા માટે મોંઢું સૂંધવાનું બંધ કરવાનું રહેશે.