પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના ગૃહવિભાગે શનિવારની સાંજે ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો હતો. હજુ થોડા દિવસ પહેલા જ 70 પોલીસ અધિકારીઓની બદલી બાદ અચાનક ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કરતાં ગુજરાત પોલીસમાં આ બદલીઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યૂટી પોલીસ કમિશનર દીપેન ભદ્રન જે સરકારની ગુડબુકમાં છે તેમને જામનગરના એસપી તરીકે મુકવાનો નિર્ણયને સરકારની મુજબુરી ગણવામાં આવે છે. કારણ કે જામનગરના એસપી તરીકે કોણ મુકાશે તેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો મત બહુ મહત્વનો હોય છે.

રાજ્ય સરકારે કરેલી ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ પ્રમાણે હજુ થોડા દિવસ પહેલા જ ડાંગથી જામનગર મુકવામાં આવેલા એસપી શ્વેતા શ્રીમાળીની બદલી જામનગર એસઆરપી ગ્રુપમાં કરવામાં આવી છે. જ્યારે શ્વેતા શ્રીમાળીની જગ્યાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રનને મુકવામાં આવ્યા છે. જ્યારે એસઆરપી ગ્રુપ જામનગરના કમાન્ડન્ટ કે એ નિનામાને કેવડિયા કોલોનીની એસઆરપીમાં મુકવામાં આવ્યા છે.


 

 

 

 

શ્વેતા શ્રીમાળીને હજુ થોડા દિવસ પહેલા જ જામનગર એસપી તરીકે મુકાયા પછી અચાનક તેમની બદલી કરવામાં આવતા તેમની તબીયતનું કારણ આપવામાં આવ્યું છે જોકે તેમની જે શારિરીક સ્થિતિ છે તે અગાઉથી જ નિશ્ચિત હતી. શ્વેતા શ્રીમાળીના પતિ પણ આઈપીએસ અધિકારી છે. તેઓ હાલ દેવભૂમિ દ્વારકામાં છે. સરકારે દેવભૂમિ દ્વારકાના એસપી સુનિલ જોષી અને તેમના પત્ની શ્વેતા શ્રીમાળી નજીકના જિલ્લામાં કામ કરી શકે તે માટે આ બદલી કરી હતી, પરંતુ અચાનક શ્વેતા શ્રીમાળીની બદલી કરવામાં આવતા એવી અટકળો ફેલાઈ છે કે શ્વેતા શ્રીમાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને અનુકૂળ આવી રહ્યા ન્હોતા. અત્યાર સુધીનો ક્રમ એવો રહ્યો છે કે જામનગર એસપી તરીકે જે મુકાયા અને જે બદલાયા તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો મત અગત્યનો રહ્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રન જેમનું નજીકના સમયમાં જ ડીઆઈજી તરીકે પ્રમોશન આવવાનું હતું, તેમને ડીઆઈજીની બઢતી સાથે ગુજરાત એટીએસમાં મુકવાના હતા, પરંતુ અચાનક તેમની બદલી કરવામાં આવતા તેમને ટ્રબલ શૂટર તરીકે જામનગર મુકવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની જગ્યા હાલમાં ખાલી રાખવામાં આવી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે ગાંધીનગરના એસપી મયૂરસિંહ ચાવડાને મુકવામાં આવશે. જોકે અગાઉની જ બ્લ્યૂપ્રિન્ટ પ્રમાણે ગાંધીનગરને પોલીસ કમિશનરનો દરજ્જો આપ્યા પછી ગાંધીનગર પોલીસ કમિશનર પદે અભય ચૂડાસમાને મુકવાના હતા અને ગાંધીનગરના એસપી મયુર ચાવડાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મુકવાના હતા. થોડા દિવસ અગાઉ થયેલી બદલીઓમાં મયુર ચાવડાને ક્રાઈમ બ્રાન્ચમાં એટલા માટે મુકાયા નહીં કારણ કે સરકારને ગાંધીનગર એસપી તરીકે યોગ્ય ચહેરો મળ્યો નહીં.


 

 

 

 

જોકે હવે દીપેન ભદ્રનને જામનગર મુક્યા પછી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની જગ્યા ખાલી રાખવામાં આવી છે એટલે મયુર ચાવડાને ત્યાં મુકાવાની સંભાવના પ્રબળ છે. ગુજરાત પોલીસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મહત્વની એજન્સી છે. જેમાં પોલીસ ઈન્સપેક્ટરથી લઈ જોઈન્ટ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ અનુકૂળતા પ્રમાણે ના હોય તો તેમની નિયુક્તિ થતી નથી. આ સંજોગોમાં ખાલી પડેલી જગ્યા માટે ફરી એક બદલીનો તબક્કો નજીકના સમયમાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારીઓની બદલી ભલે ગૃહવિભાગ અને ડીજીપી ઓફીસ કરતું હોય પરંતુ સૂત્રોની જાણકારી પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની નજીકમાં રહેલા એક નિવૃત્ત પોલીસ અધિકારી પરમારની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. સ્વભાવે સરળ અને લો પ્રોફાઈલ રહેતા પરમાર પ્રદીપસિંહ જાડેજાના ગમા અણગમા સારી રીતે જાણે છે. સરકારનું હીત કઈ બાબતમાં સમાયેલું છે. તેની પાક્કી સમજ તેમની પાસે છે. જેના કારણે બદલીવાંચ્છુ અધિકારી પરમારની ગુડબૂકમાં રહેવાનું પસંદ કરે છે. જોકે દરેક સરકારમાં આવા અધિકારીઓનો મત મહત્વનો હોય છે. જેમની ક્ષમતા કોન્સ્ટેબલથી લઈ કમિશનરને બદલાવવાની હોય છે. જોકે પરમાર પોતે સરકારમાં શક્તિશાળી છે તેવું પ્રદર્શન કરવાથી પોતાને દૂર રાખવામાં સફળ રહ્યા છે.