પ્રશાંત દયાળ (મેરાન્યુઝ અમદાવાદ): ગુજરાત પોલીસમાં બહુ ઓછા IPS અધિકારીઓ પોતાના સ્ટાફનો પ્રેમ જીતી શકે છે. IPS અધિકારી થયા પછી એક પ્રકારની તુમાખી તેમના વ્યવહારમાં જોવા મળે છે. તેમાં તેઓ પોતાના તાબાના સ્ટાફને ચોર અને બદમાશ સમજે છે. જેના કારણે તેઓ સ્ટાફ સાથે તોછડાઈ ભર્યો અને અમાનવીય વ્યવહાર કરે છે. બહુ ઓછા અધિકારીઓ તેમના વ્યવહારને કારણે માણસ તરીકેનો પ્રેમ જીતી શકે છે. આવું જ કંઈક ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ક્રાઇમ) દીપેન ભદ્રન સાથે થયું. દીપેન ભદ્રનની ક્રાઇમબ્રાન્ચમાંથી જામનગર ખાતે બદલી થતા ક્રાઇમબ્રાન્ચના સ્ટાફે તેમને ભવ્ય વિદાય આપી હતી.

મૂળ કેરળના વતની ચાર વર્ષ પહેલા ક્રાઇમબ્રાન્ચના DCP તરીકે નિયુક્ત થયા ત્યારે તેઓ બહુ ઓછી ગુજરાતી ભાષા બોલી શકતા હતા. ક્રાઇમબ્રાન્ચ DCP તરીકે તેમને ગુજરાતના રાજકારણના આટા-પાટા સમજવા સહિત અમદાવાદને ઓર્ગેનાઈઝ ક્રાઇમથી બચાવવાનું હતું. ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે તેમણે પોતાનું કામ તમામ વિવાદોથી પોતાને દૂર રાખી પ્રામાણિક પણે અત્યંત સંવેદનશીલ અધિકારી તરીકે બજાવ્યું.


 

 

 

 

અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર ક્રાઇમનું પદ અત્યંત શક્તિશાળી હોવાના કારણે બહુ ઓછા અધિકારીઓ આ સત્તાને પચાવી શકે છે. દીપેન ભદ્રન એ પૈકીના એક છે. તેમની સામે રજુઆત કરવા આવનાર આમ આદમીથી લઈ પોતાના સ્ટાફ સાથે તેમણે તોછડાઈ કરી હોય એવી ફરિયાદ મળી નથી.

દીપેન ભદ્રનની જામનગર ખાતે બદલી થતા ક્રાઇમબ્રાન્ચના સ્ટાફ દ્વારા એક નાનકડો સમારંભ રાખી તેમને વિદાય આપવામાં આવી હતી. આવી વિદાય કોઈપણ DCPને આજ સુધી મળી નથી. જુઓ આ વિડીયો.