પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક અભિયાન શરૂ કર્યુ છે જેનું નામ છે હુ પણ કોરોના વોરીયર,સારી બાબત છે આ અભિયાનના ઈરાદામાં કોઈ ખોટ નથી, ખરેખર આ લડાઈમાં તમામ નાગરિકે યોધ્ધા બનવુ પડશે કારણ એકલી સરકાર જ બધી ચીંતા કરશે તેવુ શકય નથી, પણ છેલ્લાં 60 દિવસથી રોજની પંદર કલાક રસ્તા ઉપર નોકરી કરનાર પોલીસ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.,છેલ્લાં 24 કલાકમાં બે પોલીસ જવાનોના મોત પણ નિપજયા છે.સામાન્ય માણસ જયારે કોરોનોના ભોગ બને ત્યારે તંત્ર તેની સાથે કેવો વ્યવહાર કરે છે તેની હવેે બધાનેે ખબર છે પણ જે ખરેખર કોરોના યોધ્ધા છે તેવા પોલીસ જવાનને જયારે કોરાના થાય ત્યારે તેની સિવિલમાં જે સ્થિતિ થઈ તે દુખદ છે.

રાજયમાં ઘટતી તમામ અનઅપેક્ષીત ઘટના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જવાબદાર ઠેરવી શકાય નહીં, પણ રોજ સાંજે આંકડાની માયાજાળ રચતા અને પ્રજાને પોઝીટીવ સ્ટોરી કહેતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ આવી નેગેટીવ ઘટના ઘટે નહીં તેની પણ તકેદારી રાખવી જોઈએ અમદાવાદ પોલીસમાં 20 વર્ષથી ફરજ બજાવતા અને હાલમાં ટ્રાફિક બ્રાન્ચમાં હેડ કોન્સટેબલ તરીકે નોકરી કરતા વિષ્ણુ ચૌહાણ એક સપ્તાહથી અમદાવાદ સિવિલમાં કોરોનોની સારવાર હેઠળ છે, હેડ કોન્સટેબલ વિષ્ણુ સાથે જે કઈ બન્યુ તે અહિયા તેમના શબ્દોમાં પ્રસ્તુત છે,અહિયા સરકાર અને તંત્રની ટીકા કરવાનો ઈરાદો નથી, પણ આવી ઘટના કઈ ફરી ઘટે નહીં તે દિશામાં પ્રયાસ છે

ગુરવારની સવારે એક પોલીસ મિત્રનો ફોન આવ્યો,તેણે વિષ્ણુ ચૌહાણની ફેસબુક ઉપર રહેલી પોસ્ટ તરફ ધ્યાન દોર્યુ તેમાં વિષ્ણુએ લખ્યુ હતું આઈ એમ નોટ કોરોના વોરીયર.. બહુ આશ્ચર્ય થયુ એક વોરીયર કહી રહ્યો હતો તે યોધ્ધા નથી,વિષ્ણુ કેમ હારી અને થાકી ગયો તે જાણવા અમે તેનો સંપર્ક કર્યો ત્યારે તેની જ વાત હવે તેના જ શબ્દોમાં મુકીએ છીએ

તા 10-11 મેથી મને ગળામાં દુખાવો અને તાવ જેવી લાગતુ હતું, પુર્વ અમદાવાદમાં નોકરી હોવાને કારણે કયાંક કોરોનાનો તો થયો નથી તેવો ડર પણ લાગતો હતો કારણ લક્ષણો બધા કોરોનાના હતા, હું સીધો સિવિલ હોસ્પિટલ ગયો,કેસ કઢાવ્યો અને ડૉકટરને બતાડયુ,તેમણે મારો એકસરે કઢાવ્યો અને કહ્યુ ચીંતા જેવુ નથી કોરાના નથી,મેં કહ્યુ પણ હું સંક્રમણવાળા વિસ્તારમાં નોકરી કરૂ છુ, મને લાગે છે મારો કોરોના ટેસ્ટ થાય તો સારૂ,ડૉકટરે કહ્યુ નવી ગાઈડ લાઈન પ્રમાણે તમામ ટેસ્ટ કરવાની જરૂર નથી, મેં કહ્યુ પણ મારી તકલીફ કોરાના જેવી છે,તેમણે મને કહ્યુ એકાદ બે દિવસમાં સારૂ થઈ જશે, હું ત્યાંથી નિકળી ગયો.

પણ મને લાગી રહ્યુ હતુ ગળા દુખવુ શ્વાસ લેવા માટે પ્રયત્ન કરવો પડે છે.તાવ જેવુ લાગે છે એટલે કોરોના હોઈ શકે છે,પણ સિવિલનાં ડૉકટર તો ટેસ્ટ કરવા જ તૈયાર ન્હોતા, તે દિવસે હું સીધો પ્રાઈવેટ લેબમાં પહોંચ્યો, મે 4500 આપી મારો ટેસ્ટ કરાવ્યો,અને સાંજે મારો રીપોર્ટ આ્વ્યો હું પોઝીટીવ હતો,ધ્રુજી ગયો,ઘરે જઈશ તો મારી પત્ની અને દસ વર્ષની દિકરીને સંક્રમણ લાગશે તેવા ડરે ઘરે ગયો જ નહીં,રાતે બહાર રોકાયો સવારે મેં મારા એક પોલીસ સાથીને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને 108માં હું એસવીપી હોસ્પિટલ પહોંચ્યો અમે વિનંતી કરી કે મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે મને દાખલ કરો

પણ અમને જવાબ મળ્યો એસવીપી ફુલ થઈ ગઈ છે,તમે સિવિલ જાવ હુ 108માં સિવિલ પહોંચ્યો, મારો રીપોર્ટ બતાડયો અને કહ્યુ મને દાખલ કરો,ડૉકટરે જવાબ આપ્યો, હોમ કોરોન્ટાઈન થઈ જાવ, મેં કહ્યુ મને તકલીફ પડી રહી છે દવાની પણ જરૂર છે,અને હું બાપુનગર પોલીસ લાઈનમાં એક રૂમના ઘરમાં રહું, મને સારવારની જરૂર છે. પણ ડૉકટર માન્યા નહીં, બહુ વિનંતી કરી, તેમણે મને દાખલ કરવાની ના પાડી,મને સમરસમાં જવાની સલાહ આપી,મને કોઈ સારવાર આપવા તૈયાર ન્હોતા,તે દિવસે 13મી મે હતી,મારા જેવા કોરાના વોરીયરની જો આવી સ્થિતિ હોય તો સામાન્ય માણસ સાથે શુ થતુ હશે.

મે ટ્રાફિક ડીસીપી ચૌહાણ સાહેબને ફોન કરી મારી સ્થિતિ અંગે કહ્યુ, તેમણે તરત કોઈ સચિવને ફોન કર્યો,અને સચિવનો ફોન આવતા મને દાખલ તો કર્યો પણ બેડ ઉપર સુવાડી દીધો,મને હતું કે કોઈ ડૉકટર આવી મને તપાસશે અને દવા આપશે,કારણ હવે મારી તકલીફ વધી રહી હતી,પણ લાંબો સમય મને કોઈ જોવા આવ્યા નહીં,મે ત્યાં જ ડૉકટર અને નર્સને કહ્યુ પણ તેમણે મારી તરફ ધ્યાન આપ્યુ જ નહીં, હું ડરી ગયો મેં મારા એક પોલીસ સાથી જે ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરે છે તેમને ફોન કરી મારી સ્થિતિ કહી તે પોલીસે સ્પેશીયલ પોલીસ કમિશનર અજય તોમરને કહ્યુ

તોમર સાહેબે સિવિલના કોઈ ડૉકટરને ફોન કરતા મારી ઉપર કોઈ ડૉકટર કાપડીયાનો ફોન આવ્યો તેમણે મને કહ્યુ વોર્ડમાં હાજર ડૉકટર સાથે વાત કરાવો પણ વોર્ડમાં રહેલા ડૉકટરે કાપડીયા સાથે વાત કરવાની જ ના પાડી દીધી હું મારી તકલીફની ફરિયાદ કરતો રહ્યો પણ કોઈ સારવાર મળી નહીં,બીજા દિવસે મેં સવારે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મને સારવાર મળે તેવી વિનંતી કરી થોડા સમયમાં શાહીબાગ પોલીસના અધિકારીઓ આવ્યા તેઓ ડૉકટરે મળ્યા ત્યાર બાદ મને જોવા માટે ડૉકટરો આવ્યા અને મારી સારવાર શરૂ થઈ, પણ મારી જેમ મારા બીજા સાથીઓ પણ કોરોના પોઝીટીવ છે તેમની સ્થિતિ પણ ખરાબ છે

24 કલાકમાં બે પોલીસવાળા કોરાનાને કારણે મૃત્યુ પામ્યા પણ કોઈ નેતાએ નોંધ સુધ્ધા લીધી નહીં, સરકાર અમને તો પોલીસને તો કોરાના વોરીયર માનતી જ નથી, એટલે મેં લખ્યુ કે હુ કોરાના યોધ્ધા નથી અત્રે ઉલ્લેખનિય છે કે આ સ્ટોરી પબ્લીશ થયા પછી વિષ્ણુ ચૌહાણની ફેસબુક પોસ્ટ ડીલીટ કરવાની તેમના અધિકારીઓ ફરજ પાડશે,પણ અમારી પાસે તેના સ્ક્રીન શોટ છે.