મેરાન્યૂઝ નેટવર્ક, રાજપીપળા: ખાખી વર્દીમાં રહેલ પોલીસકર્મી આપણને હંમેશા કડક મિજાજી લાગે છે પણ તેઓ પણ આખરે આપણા જેવા માણસ જ છે. તેમને પણ આપણા જેવી જ લાગણીઓ અનુભવાય છે. આવી જ ઘટના નર્મદા જિલ્લામાં જોવા મળી. જ્યાં પીએસઆઇની બદલી થતાં એક મહિલા પોલીસકર્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. 

ઘટના એમ છે કે,  નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 5 PSIની આંતરિક બદલીઓ કરી હતી. જેમા ગરુડેશ્વર PSI એ.એસ.વસાવાને આમલેથા, આમલેથા PSI એસ.ડી.પટેલને કેવડિયા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, કેવડિયા ટ્રાફિક શાખાના PSI એમ.આઇ.શેખને ગરુડેશ્વર તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI એ.આર.ડામોરને કેવડિયા ટ્રાફિક પોલીસ મથકે મુકાયા છે. રાજપીપળા SOG સેકન્ડ PSI એચ.વી.તડવીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. દરમિયાન ડેડીયાપાડા PSI એ.આર.ડામોરનો પોલીસ સ્ટાફના લોકોએ વિદાય સમારંભ રાખ્યો હતો. દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુલોચનાબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. 

આમ એક પોલીસકર્મીને પણ તેમનાથી વિખૂટા પડતા સાથી કર્મચારીઓ સાથે પણ લાગણીના સંબંધ હોય છે. તેઓને પણ ભાવુક થઇ જાય છે અને તેઓ જાણે પોતાના પરિવારના સભ્યથી વિખૂટા પડતા હોય તેવી લાગણી અનુભવે છે.