મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ અમદાવાદ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ફરજ દરમિયાન બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર નામનો કોન્સ્ટેબલ દારૂના કેસમાં ડિસમિસ થતા દારૂના ધંધામાં આંધળો નફો હોવાથી બુટલેગર બની ગયો હતો. દારૂબંધીની હેરાફેરી જેના માથે હતી તે પોલીસ કોન્સ્ટેબલે વિદેશીદારૂના વેપલાનો ગોરખધંધો શરુ કરી દીધો હતો. પોલીસ ચોપડે પણ અગાઉ આ કોન્સ્ટેબલ દારૂના વેપલામાં ચઢી ચુક્યો હોવા છતાં બિન્દાસ્ત દારૂનો કાળો કારોબાર ચલાવી રહ્યો હોવાની સાથે રીઢો બુટલેગર બની ગયો છે.

પ્રભુ ડોડીયારે શામળાજી રતનપુર બોર્ડર નજીક આવેલા વતનમાં ઘરે અને ગોડાઉન બનાવી રાજસ્થાન સહિતના રાજ્યમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી સંગ્રહ કરી કટિંગનો કારોબાર ચલાવી કરોડો રૂપિયાનો વિદેશી ઠાલવી રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા દેવદિવાળીના દિવસે મોનીટરીંગ સેલ ત્રાટકી પ્રભુ ડોડીયારના પહાડીયા ગામે ઘરમાંથી અને નજીક આવેલા ગોડાઉનમાંથી ૨.૪૬ લાખનો વિદેશી ઝડપી પાડી ૪ બુટલેગરોને દબોચી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પ્રભુ ડોડીયાર સહીત અન્ય શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પ્રભુ ડોડીયારના ઘરે અને ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવતા શામળાજી પીએસઆઈ સંજય શર્માનો ભોગ લેવાયો હતો અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી હતી.

ભિલોડા સીપીઆઈ વસાવાએ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલને હાથતાળી આપી નાસી છૂટેલા પ્રભુદાસ સોમાભાઈ ડામોર ખાનગી વાહનોમાં મુસાફરી કરતો હોવાની બાતમી મળતા શામળાજી આજુબાજુના વિસ્તારમાં અને શામળાજી હાઈવે પર વોચ ગોઠવી હતી. રવિવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં મુસાફરી કરી રહેલા પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર નામના બુટલેગર ને ઝડપી પાડવામાં સફળતા મળતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી  હતી