રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): અમરેલી જિલ્લામાં ગુંડાગીરી નાબૂદ કરવાનું અભિયાન જિલ્લાના SP નિર્લિપ્ત રાયે શરુ કર્યું છે. 17 સપ્ટેમ્બર 2020ના રોજ ગોપાલગ્રામ અને પાદરગઢમાં સભા યોજીને કહ્યું હતું : ‘ક્યાં સુધી દાદાગીરી સહન કરશો? હવે એ ગુલામીમાંથી બહાર નીકળો ! તમારી ફરિયાદ વોટ્સએપથી મોકલો, રૂબરૂ આવીને કરો.’

સૌરાષ્ટ્ર/ઉત્તર ગુજરાત/મધ્ય ગુજરાતમાં ગુંડાઓ વધુ પ્રમાણમાં છે. આ ગુંડાઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે. SP ધરપત આપે છતાં લોકો કેમ ડરે છે? કેમ ફરિયાદ કરતા નથી? દલિતો ઘોડા ઉપર વરઘોડો કેમ કાઢી શકતા નથી? સામંતવાદી સંસ્કૃતિનું જોર હોય ત્યાં વર્ણ  વ્યવસ્થાના સમર્થકો હોવાના. અમુક વર્ણ ઘોડા ઉપર બેસવાનો પોતાનો વિશેષાધિકાર માને છે; દલિત ઘોડા ઉપર બેસી વરઘોડો કાઢે તો તેમાં પોતાનું અપમાન ગણે છે; આ સામંતવાદી વિચાર છે. કોરોના મહામારીમાં 10 દિવસ વૈજ્ઞાનિક અછૂતપણામાં-હોમ આઈસોલેશનમાં રહેલાને અંદાજ આવ્યો હશે કે પેઢીઓથી આખી જિંદગી અછૂતપણું  ભોગવતા દલિતો કઈ રીતે જીવતા હશે? ખેડૂતો ગુંડાઓનો વિરોધ કરે તો તેમના ઊભા મોલમાં ઢોર મૂકી દે; તેમના ઊભા ઘઉં સળગાવી દે; શીંગના ખળા સળગાવી દે; મારઝૂડ કરી ફેક્ચર કરી મૂકે ! સંરપંચ, સહકારી મંડળીનો પ્રમુખ, ધારાસભ્ય વિરોધ કરે તો તેમની હત્યા કરી નાખે ! એને કઈ રીતે પહોંચવું? ગુંડાઓ દાદાગીરી કરીને કમાઈ લે છે, જ્યારે ખેડૂતોએ/, લિતોએ પરિશ્રમ કરીને પેટ ભરવાનું હોય છે.


 

 

 

 

એટલે ગુંડાઓનો સામનો કરવાને બદલે સહન કરે છે. તંત્ર ખેડૂતો, દલિતો પ્રત્યે સંવેદનશીલ નથી; ફરિયાદ કરે તો કડક કાર્યવાહી ન થાય; યોગ્ય કલમ હેઠળ FIR નોંધાય નહીં; અટલે ગુંડો જામીન ઉપર છૂટીને તરત જ ફરિયાદીના હાથ, પગ ભાંગી નાખે છે; મર્ડર કરે છે. આ કારણસર લોકો ગુંડાઓ સામે હાથ જોડે છે. સૌરાષ્ટ્રમાં અનેક વિધાનસભા સીટમાં ધમકી આપવામાં આવે છે કે ‘પાંચ વર્ષ શાંતિથી રહેવું હોય તો અમે કહીએ ત્યાં મત આપજો !’ લોકો ડરીને, ગુંડાને મત આપે છે અને ગુંડો ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જાય છે ! આ બધાં ગુંડાઓ, દલિત વર્ગના કે દેવીપૂજક, બજાણીયા, રાવળ જેવી અતિપછાત OBC જાતિઓના હોતા નથી. શહેરી લોકો ગામડાના દલિતોની સમસ્યા સમજી શકતા નથી. એક મિત્ર કહે છે : ‘લગ્ન કરવાથી મતલબ રાખવો જોઈએ; વરઘોડો કાઢવાથી નહીં ! જેટલો ઓછો ખર્ચ થાય તે સારું. કોઈના ડરને કારણે વરઘોડો ન કાઢવો; તેમાં ગુંડાઓની દાદાગીરી કરતા આપણી કાયરતા વધુ કામ કરતી હોય છે ! દલિતોએ વરઘોડો કાઢવાનું પાખંડ મૂકી દેવું જોઈએ અને કોર્ટમાં, આર્યસમાજમાં લગ્ન કરવા જોઈએ !’ દલિતો માટે મંદિરપ્રવેશનું આંદોલન થયું ત્યારે પણ આવી દલીલ થઈ હતી કે દલિતોએ મંદિરમાં શા માટે જવું જોઈએ? અહીં મંદિરમાં જવા માટે, વરઘોડો કાઢવા માટેની વાત નથી; પરંતુ દલિતનું માનવગૌરવ જળવાતું નથી; તે મુદ્દો છે. માત્ર દલિતો સાથે અન્યાય પૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે એવું નથી; OBCની અતિ પછાત જાતિઓ સાથે પણ આવું બને છે. તેઓ પણ ગુંડાઓ સામે બોલી શકતા નથી.

એક મિત્રએ પૂછ્યું હતું : 'આ ગુંડાગીરી, દાદાગીરી દૂર કરવાનો સરળ રસ્તો ક્યો?' મેં કહ્યું : 'ગુંડાઓ અગાઉ પણ હતા. એક સાથે 4-11 નિર્દોષ લોકોની સામૂહિક હત્યાઓ ગુજરાતમાં થયેલી છે. પરંતુ તેમની સામે કાર્યવાહી થતી હતી; જેલ થતી હતી. પરંતુ જ્યારથી વર્ણવ્યવસ્થાના સમર્થનવાળી, હિન્દુત્વવાદી સરકાર આવી ત્યારથી કેટકલાક કહેવાતા વર્ણનું જોર વધ્યું છે; એમની દાદાગીરી સત્તાની હૂંફને કારણે ફૂલીફાલી છે. મનુસ્મૃતિમાં માનનારી સરકાર ક્યારેય ખેડૂતોને, દલિતોને ન્યાય અપાવી શકે નહીં.અહીં તો વિક્ટિમ હિન્દુ છે; ગુંડાઓ પણ હિન્દુ છે ! મનુસ્મૃતિના વિચારને વરેલી સરકારને ગુંડામાં ગુંડો દેખાતો નથી, પણ હિન્દુ દેખાય છે ! માત્ર મુસ્લિમ ગુંડામાં જ ગુંડો દેખાય છે ! ગુંડાગીરીની સમસ્યાનું મૂળ અહીં છે ! મનુસ્મૃતિ ઊંચનીચના ભેદભાવ કરે છે; જ્યારે સેક્યુલર બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ સાથે ભાષા, રંગ, વર્ણ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, વિસ્તાર, જન્મ, આર્થિક-સામાજિક આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો તે ગુનો છે. બંધારણ દરેક નાગરિકને સમાન ગણે છે. મનુસ્મૃતિ ન્યાય ન અપાવે; બંધારણ ન્યાય અપાવે. ક્યાં સુધી દાદાગીરી સહન કરશો? હવે એ ગુલામીમાંથી બહાર નીકળો ! અમરેલી SPના આ શબ્દોમાં ઉકેલ પડ્યો છે; શાંતિથી વિચારજો !’

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવાનો છે)