મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ અંબાજી ખાતે એક એવી ઘટના ઘટી જેમાં પોલીસની ખાખી વર્દી પાછળનો માણસ જાણે મરી ચુક્યો હોય તેવો લોકોએ અનુભવ કર્યો છે. આ ઘટનાને કારણે જે લોકો પોલીસની લોકડાઉન વખતના સેવાયજ્ઞ પર તાળીઓ વરસાવી રહ્યા હતા તેવા જ લોકો હવે ફીટકાર વરસાવી રહ્યા છે. માસ્ક ન પહેરવા બાબતે ગત રાત્રે અંબાજી પોલીસે એક ગર્ભવતી મહિલાને લઈ જતાં પરિવારને અટકાવ્યો હતો. જે પછી કલાકોની કાર્યવાહી બાદ મહિલાને જ્યારે દવાખાને લઈ જવાઈ ત્યાં સુધી મહિલાએ પોતાનું સંતાન ગુમાવી દીધું હતું. આ મામલામાં બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી આકરા પગલા લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

આ મામલે રબારી સમાજના ઘણા લોકો આકરા થયા હતા તો ઘણા લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી. આ મામલાને લઈને સુભાષ ત્રિવેદીએ આકરા પગલા લેવાશે ત્યાં સુધીનું નિવેદન આપ્યું છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરવાની છે તે અંગે જ્યારે મેરાન્યૂઝ દ્વારા તેમનો સંપર્ક કરાયો ત્યારે તેમણે તુરંત તેનો જવાબ આપ્યો હતો. બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ ઘટના અંગે કહ્યું કે, મેં ડિટેઈલ્સ મંગાવી છે ફોટોઝ પણ મંગાવ્યા છે. જો આ ઘટનામાં પોલીસ ક્યાંય પણ ખોટી લાગી કે પોલીસનો નેગેટિવ રોલ જણાશે તો તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અમદાવાદમાં પણ માસ્ક વગર બહાર ફરતા એક યુવકને પોલીસે અટકાવ્યો પરંતુ તે અટક્યો ન હોઈ પોલીસે છૂટ્ટો દંડો ફેંકતા યુવકને આંખના નજીક એ દંડો વાગ્યો હતો. જેને કારણે તેણે ચાલુ બાઈક પર બેલેન્સ ગુમાવી દેતા તે ધડામ દઈને ડિવાઈડર સાથે ભટકાતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તે યુવકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો.