મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મોટા ભાગના કિસ્સામાં ફરિયાદી પોલીસ સ્ટેશન પહોંચે ત્યારે ફરજ ઉપરના પોલીસ અધિકારી કઈ રીતે ફરિયાદીને રવાના કરવો તેની વેંતરણમાં હોય છે, આવું જ કઈક વર્ષોથી અમદાવાદના જાણિતા કાપડ માર્કેટ મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે બનતુ હતું. જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાંથી આવતી ઠગ ટોળકી વેપારીઓને ચુનો લગાવી રવાના થઈ જતી હતી. એક અંદાજ પ્રમાણે આ ઠગ ટોળકીઓએ રૂપિયા 200 કરોડ કરતા વધુનો ચુનો લગાડયો છે, પણ માલની સામે ચેક આપે અને ચેક રિર્ટન થતા વેપારી પોલીસ સ્ટેશન પહોંચે ત્યારે પોલીસ આ દિવાની મેટર છે. તેમ જણાવી વેપારીની રવાના કરતા હતા. આમ પોલીસને કામ કરવુ ન્હોતુ જેની મઝા ઠગોને પડી ગઈ હતી. 

પણ આ મામલે મસ્કતી માર્કેટના મહાજનો એક પ્રતિનિધિ મંડળ ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા ગયા હતા અને તેમણે સાથે થઈ રહેલી છેતરપીંડીઓની જાણકારી આપી મદદ રૂપ થવા વિનંતી કરી હતી. પ્રદીપસિંહ જાડેજા પણ બનાવની ગંભીરતા સમજી ગયા, તેમણે તુરંત અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને આ મામલે જરૂરી પગલા ભરવા આદેશ આપ્યો હતો. આ કાપડ માર્કેટ પુર્વ અમદાવાદમાં આવ્યું હોવાને કારણે કમિશનર શ્રીવાસ્તવે આ મામલે જરૂરી સૂચના જોઈન્ટ પોલીસ કમિશનર સેકટર-2 ગૌતમ પરમારને આપી મહાજનોને પોતાની વિગત સાથે જેસીપી પરમારનો સંપર્ક કરવાનું કહ્યું હતું. મહાજનો પોતાની સાથે થયેલી ઘટનાઓના પુરાવાઓ સાથે જેસીપી પરમારને મળ્યા હતા.

Advertisement


 

 

 

 

 

આ ઠગ ટોળકી વિવિધ રાજ્યોમાંથી અમદાવાદ આવતા પહેલા વેપારીઓને વિશ્વાસ સંપાદન કરવા રોકડામાં વ્યવહાર કરી માલ ખરીદી હતી. વેપારીને વિશ્વાસ બેસી જાય ત્યાર બાદ ચેક આપી માલ લઈ જતી અને ચેક બેન્કમાં ભર્યા પછી રિર્ટન થતો હતો. આમ ચેક રિર્ટન થવાના કિસ્સામાં આ દિવાની કેસ બની જતો. જેના કારણે ઠગ ટોળકી ગાયબ થઈ જતી હતી. આખો મામલો સ્પષ્ટ થયા પછી જેસીપી ગૌતમ પરમાર દ્વારા એક ખાસ તપાસ દળની રચના કરી અને તેમનો ભોગ બનેલા વેપારીઓની અરજી લઈ તપાસ અને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ખાસ તપાસ દળની રચના થતાં મસ્કતી માર્કેટના વેપારીઓ પોતાની ફરિયાદ કરવા લાગ્યા, પહેલા તબ્બકામાં વેપારીની ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ સંબંધી ઠગોને માત્ર નોટિસ મોકલી પોલીસ સ્ટેશન આવવાની સૂચના આપતા અનેક કિસ્સામાં ઠગોએ ડરીને વેપારીઓને બાકી નિકળતા પૈસા આપવાની શરૂઆત કરી હતી.

જેસીપી ગૌતમ પરમારનો આ અંગે સંપર્ક કરતા તેમણે જાણકારી આપી કે, હમણાં સુધી વેપારીઓની કુલ 342 અરજીઓ અમને મળી હતી. જેની ઉપર કાર્યવાહી શરૂ કરતા 52 કેસમાં વેપારીઓને પોતાના પૈસા પાછા મળી ગયા છે. પોલીસના પ્રયાસથી પાછી મળેલી રકમ 5.80 કરોડ રૂપિયા થાય છે. જ્યારે માર્કેટની એક દુકાનનો વિવાદ ચલતો હતો. જેની કિંમત 1,20 કરોડ હતી પરંતુ મામલો દિવાની હોવાને કારણે તેનો અંત આવતો ન્હોતો આ મામલે પોલીસ અને મહાજનોએ મધ્યસ્થી કરતા વર્ષો જુના વિવાદનો અંત આવ્યો હતો. આ મામલે પહેલા તબ્બકામાં માલ લઈ પૈસા નહીં આપનાર લોકો દિલ્હીના હતા. એટલે દિલ્હી ખાસ ટીમ મોકલી નોટિસ આપી કાર્યવાહી કરી હતી, પરંતુ બે કિસ્સામાં સમાધાન શકય નહીં બનતા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હજી કલકત્તા અને ચેન્નાઈ જેવા વિસ્તારની ટોળકીએ પણ વેપારીઓને ઠગયા છે એટલે ત્યાં પણ ટીમ મોકલવામાં આવશે.

Advertisement


 

 

 

 

 

મસ્કતી માર્કેટના મહાજન ગૌરવ ભગતને આ મામલે પુછતાં તેમણે વેપારીઓને સહકાર આપવા માટે પ્રદીપસિંહ જાડેજા, કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જેસીપી ગૌતમ પરમારનો આભાર માનતા જણાવ્યું હતું કે, પોલીસની કાર્યવાહીને કારણે વર્ષો જુની લેણી રકમ પરત ફરવા લાગી અને પોલીસ સક્રિય બનતા હવે ઠગોએ અમદાવાદ આવવાનું બંધ કરી દીધુ છે. એક કિસ્સામાં તો છ વર્ષથી 14 લાખ બાકી નિકળતા હતા પણ પોલીસ હરકતમાં આવતા છ વર્ષ જુના પૈસા વેપારીને તરત મળી ગયા છે. આ મામલે અમે પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી તેમનો અને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

ખાસ તપાસ દળની કામગીરી ધ્યાનમાં લેતા જેસીપી ગૌતમ પરમાર દ્વારા પીએસઆઈ કે ડી હડીયા અને તેમના સ્ટાફ નવઘણ ગગાભાઈ, ભરત બળવંતભાઈ, અને  જીતેન્દ્રસિંહ કેસરીસિંહ બે અલગ અલગ કેસની કામગીરી માટે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવાનો નિર્ણય કર્યો છે.