મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એક અધિકારી એટલા પાવરફુલ નીકળ્યા કે આખે આખી સિસ્ટમ જ ઓહિયા કરી ગયા. વહીવટી પ્રક્રિયામાં સૌથી પાવરફુલ ગણાતી એન્ટિ કરપ્શન બ્રાન્ચનું આ અધિકારી પાસે કાંઇ ઉપજ્યું નહીં.

સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર સહિત કેટલાક ક્લાસ વન અધિકારીઓ સામે આવકથી વધુ સંપત્તિની તપાસ કરવા માટે એસીબીના ડાયરેક્ટર કેશવકુમારે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી મંજૂરી માગી હતી. આ વાતને ચાર-પાંચ મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી એટલે તપાસ શરૂ કરી શકવામાં આવી નથી. 

સમગ્ર ઘટનામાં નવાઇની વાત એ છે કે જ્યારે કેશવકુમારે પત્ર લખ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનર હતા તેમની બદલી થઈ ગઈ. તેમની જગ્યાએ બંછાનિધિ પાની આવ્યા. તે વખતે એવું લાગી રહ્યું હતું કે હવે મંજૂરી મળી જશે. પણ, ન મળી તે ન જ મળી. કેશવકુમાર તપાસ કરાવવાના મૂડમાં હોવાથી તેમણે એક રિમાઇન્ડર પત્ર પણ લખ્યો. આમ છતાં મંજૂરી નથી મળી એ વરવી વાસ્તવિકતા છે. જે ક્લાસ વન અધિકારી સામે તપાસ કરવાની વાત છે તેમાં એક ડેપ્યુટી કમિશનર ખૂબ જ પાવરફુલ છે. જેના કારણે એમ કહી શકાય કે એક ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી એસીબી નામની આખી સિસ્ટમને ઓહિયા કરી જવામાં સફળ રહ્યા.