પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ચાર વર્ષથી ભારત સરકાર ઉત્તમ ઈન્વેસ્ટીગેશન કરનાર પોલીસ અધિકારીઓને એક ખાસ એવોર્ડ દ્વારા સન્માનીત કરે છે, આ વર્ષે ભારત સરકારે પસંદ કરેલા પોલીસ અધિકારીઓમાં ગુજરાત પોલીસના છ પોલીસ અધિકારીઓને પણ સમાવેશ થયો છે જે પૈકી એક સુરતના પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાળુંકે પણ છે, ગત વર્ષે 2020માં ઈન્સપેકટર સાંળુકેના વિસ્તારમાં એક વિદેશી મહિલાની હત્યા થઈ હતી, મહિલા થાઈલેન્ડની હોવાને કારણે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય સતત આ કેસનું મોનીટરીંગ કરી રહ્યા હતા, પરંતુ ઈન્સપેકટર સાળુંકે અને તેમની ટીમ કઈ રીતે થાઈ મહિલાના હત્યારા સુધી પહોંચી તે બાબબત રસપ્રદ છે.

ગુજરાતની માયાનગરી સુરતના મગદલ્લા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક વિદેશી યુવતીની સળગી ગયેલી લાશ મળી આવી હતી. આ હત્યા છે કે અકસ્માત તે મામલે ઉમરા પોલીસ અસમંજસમાં હતી, પણ દસ જ દિવસમાં આ ઘટનાનો ભેદ ઉકેલી હત્યા કરનાર થાઈલેન્ડની જ એક અન્ય યુવતીને ઝડપી પાડી છે. તા. 6 સપ્ટેમ્બરના રોજ ઉમરા પોલીસને સંદેશો મળે છે કે, મગદલ્લા વિસ્તારમાં આવેલી ગુરખાશેરીમાં આવેલા એક મકાનનું તાળુ તોડતાં અંદરથી એક વિદેશી યુવતીની સળગી ગયેલી લાશ મળી આવી છે. આ સંદેશાના આધારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મકાનમાં થાઈલેન્ડની યુવતી વિનિડા રહેતી હતી. જે સુરતના કોઈક સ્પામાં કામ કરતી હતી.

Advertisement


 

 

 

 

 

પોલીસે સ્થાનીકોની પુછપરછ કરતાં જાણકારી મળી કે સવારના સુમારે ઘરની બહાર આગને કારણે કાળા ધબ્બા નજરે પડતાં તેમણે મકાન માલીકને જાણ કરી હતી. મકાન માલીકે આવીને જોતા રૂમને બહારથી તાળુ હતું, આથી તેમણે તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરતાં વિનિડાનો મૃતદેહ બ્લેન્કેટમાં લપેટાયેલી હાલતમાં સળગી ગયેલો મળી આવ્યો હતો.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉમરાના પોલીસ ઈન્સપેક્ટર એમ એલ સાળુંકે પોતે ઘટના સ્થળ પર આવ્યા અને તેમણે પોતે કેસની કમાન સંભાળી લીધી હતી. ઘટના બહુ વિચિત્ર પ્રકારની હતી. ઘરની બહાર તાળુ હતું અને મરનાર યુવતી વિદેશી હતી. ઈન્સપેક્ટર સાળુંકેએ તરત ફોરેન્સીક અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવ્યા, ફોરેન્સીક અધિકારીઓએ ઘટના સ્થળની તપાસ કરી અને મૃતદેહનું નિરિક્ષણ કરી રિપોર્ટ આપ્યો કે, મૃતક વિનિડા જ્યારે મૃત્યુ પામી તે પહેલા તેણે પોતાને બચાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી અને તેણે કોઈ પ્રતિકાર પણ કર્યો નથી.

પોલીસે ત્યાર બાદ ઈલેક્ટ્રીક એક્સપર્ટને બોલાવી ઘરની તપાસ કરાવતા ઘરમાં લાગેલી આગ પાછળ શોર્ટસર્કિટ પણ થયો નથી તેવું તારણ આપ્યું હતું. વિનિડાના પોસ્ટ મોર્ટમમાં તેનું મૃત્યુ આગને કારણે ઉદ્ભવેલા કાર્બનને કારણે થયું હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. ઈન્સપેક્ટર સાળુંકેએ તપાસ શરૂ કરતાં વિનિડા સાથે રૂમિયા નામની અન્ય એક યુવતી પણ રહેતી હોવાની જાણકારી મળી હતી. તેમણે રૂમિયાનો સંપર્ક કરતાં રૂમિયા કોઈ કામ અર્થે ભરૂચ આવી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વિનિડાના મૃત્યુનો સમય વહેલી સવારના 4થી 6 વચ્ચે થયું હોવાનું પોસ્ટ મોર્ટમમાં ફલીત થયું હતું.

પોલીસે વિનિડાની સહેલી રૂમિયા કે જે પોતે પણ થાઈલેન્ડની છે તેની પુછપરછ કરતાં તેણે જાણકારી આપી કે વિનિડા પાસે ત્રણ મોબાઈલ ફોન હતા અને તેના ગળામાં અને હાથમાં સોનાના દાગીના હતા. પોલીસને વિનિડાના મૃતદેહ પરથી કોઈ સોનાનો દાગીનો મળ્યો ન્હોતો અને ત્રણ પૈકી એક ફોન સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે બે ફોન ગુમ હતા.

Advertisement


 

 

 

 

 

પ્રારંભીક તબક્કે ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી, કારણ કે વિનિડાની હત્યા થઈ છે તેવો કોઈ આધાર તેમની પાસે ન્હોતો. વિનિડાના ફોન નંબરના આધારે તેના સીડીઆર અને આઈપી એડ્રેસ ચેક કરતાં વ્હેલી સવારના 3.52 મીનિટ સુધી તેનું ઈન્ટરનેટ ચાલુ હોવાની જાણકારી બહાર આવી હતી. તેનો અર્થ કે ત્યાં સુધી વિનિડા જીવીત હતી.

પોલિસે ગુરખાશેરીની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં વિવિધ તબક્કે એક મહિલા માથા પર કપડું ઢાંકીને પસાર થતી જોવા મળતી હતી. આ યુવતી કોણ છે તેની તપાસ શરૂ કરતાં તે નજીકની શેરીમાં રહેતી થાઈલેન્ડની એનેડા નામની યુવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલિસે એનેડાની પુછપરછ શરૂ કરી પણ પોલીસની સમસ્યા એવી હતી કે એનેડા અંગ્રેજી ઓછું અને થાઈ ભાષા વધુ જાણતી હતી. આમ છતાં પોલીસે દુભાષિયાની મદદથી તેની પુછપરછ શરૂ કરી, એનેડા પોલીસને અલગ અલગ વાર્તાઓ કહી રહી હતી. એનેડાનો પહેલો દાવો એવો હતો કે બનાવની આગલી રાત્રે વિનિડાએ તેને ફોન કરતાં તે રાત્રે તેના ઘરે ગઈ હતી. બંનેએ સાથે વોડકા પીધો અને જમીને છૂટા પડ્યા હતા.

બીજી વાર્તા તેણે એવી કહી હતી કે, વિનિડાએ વહેલી સવારે તેની પાસે બિયર મંગાવી હતી પણ તે બિયર આપવા ગઈ તો વિનિડાએ દરવાજો ખોલ્યો ન્હોતો. ઈન્સપેક્ટર સાળુંકેને અંદાજ આવી રહ્યો હતો કે એનેડા કાંઈક છૂપાવી રહી છે, પણ વિદેશી યુવતી હતી અને એનેડા દોષિત છે તેવો કોઈ નક્કર પુરાવો તેમની પાસે ન્હોતો. એનેડાની પુછપરછ બાદ પોલીસની તપાસ લગભગ અટકી જ ગઈ હતી.

Advertisement


 

 

 

 

 

ત્યાં અચાનક એક રિક્ષા ડ્રાઈવરે ઈન્સપેક્ટર સાળુંકેને ફોન કરીને જે જાણકારી આપી તે ચોંકાવનારી હતી. સ્પામાં કામ કરતી આ થાઈલેન્ડની યુવતીઓ કેટલાક ચોક્કસ રિક્ષા ડ્રાઈવર્સ સાથે જ પ્રવાસ કરતી હોય છે તે પૈકીનો આ એક રિક્ષા ડ્રાઈવર હતો. તેણે માહિતી આપી કે, એનેડાએ તેને એક પ્લાસ્ટિક બેગ આપી હતી અને કહ્યું હતું કે આ નકામો કચરો છે જેને કોઈ ડસ્ટબીનમાં ફેંકી દેજે જોકે રિક્ષા ડ્રાઈવર તે પ્લાસ્ટિક બેગ ફેંકવાને બદલે ભૂલથી પોતાના ઘરે લઈ ગયો, તે તેના ઘરમાં જ પડી રહી હતી. દરમિયાન રિક્ષા ડ્રાઈવરની પત્નીએ કુતુહલવશ પ્લાસ્ટિક બેગ ખોલીને જોતા તેમાં બે ત્રણ બ્લેન્કેટ અને એક ઓશિકું હતું.

ઓશિકું વજનમાં ભારે લાગતાં તેમાં કોઈ વસ્તુ હોવાનો ભાસ થયો હતો. આથી તેણે ચેક કરતાં ઓશિકાના શિવેલા કવરમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઉમરા પોલીસ તરત રિક્ષા ડ્રાઈવર સુધી પહોંચી અને તેમણે જોયું કે રિક્ષા ડ્રાઈવર પાસે જે ફોન હતા તે વિનિડા જ હતા. આ ફોન મળી જતાં પોલીસે તુરંત એનેડાની અટકાયત કરી તેની આકરી પુછપરછ શરૂ કરતાં તેણે જ વિનિડાની હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. એનેડાએ કબૂલ કર્યું કે, તે ખુબ આર્થિક તંગીમાં હતી, તેણે અનેક લોકો પાસેથી પૈસા લીધા હતા અને પોતાના ઘરે મોકલાવ્યા હતા. છતાં તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન્હોતો. તેને જાણકારી મળી કે વિનિડા એકત્ર કરેલા પોતાના પૈસા તે પોતાના ઘરે મોકલવાની છે. આથી તે વિનિડાના ઘરે ગઈ એને હુક્કામાં અત્યંત તિવ્ર નશો થાય તેવો માદક પદાર્થ પિવડાવ્યો હતો. જેને કારણે થોડી જ વારમાં વિનિડા બેભાન થઈ ગઈ, તે બેભાન થઈ ગયા બાદ તેના સોનાના દાગીના અને મોબાઈલ લઈ લીધા. ઘરમાં રહેલા બ્લેન્કેટમાં તેને લપેટી દિવાસળી ચાંપી તે ઘરને તાળુ મારી ત્યાંથી નીકળી ગઈ હતી. ઉમરા પોલીસે થાઈલેન્ડની એનેડાની હત્યાના આરોપસર ધરપકડ કરી છે.