હેમિલ પરમાર (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં બેફામ રીતે વધારો થઈ રહ્યો છે,  ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૧૦ કેસ, કુલ ૭૩ લોકો મૃત્યુના કેસ નોંધયા છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવા કોરોના કાળમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જીપીએસસી દ્વારા વર્તમાન કોરોના વાયરસના સંક્રમણને કારણે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ ની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. 

જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ -૨ (જા.ક્ર. ૧૧૦/૨૦૧૯-૨૦) માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ -૧૭૭૨  ઉમેદવારો માટે તા. ૨૨-૦૪-૨૦૨૧ થી ૨૬-૦૪-૨૦૨૧ સુધી શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપદંડ કસોટી (PST) લેવામાં આવવાની હતી, પરંતુ કોરોનાના કારણે હવે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે કોરોનાના કાળા કહેર વચ્ચે ઉમેદવારોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે નહીં. તો પછી પીએસઆઇ / એએસઆઇ માટેની શારીરિક ક્ષમતા કસોટી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. 

મુખ્ય લેખિત પરીક્ષા પહેલા અનુકૂળ સમયે આ શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટીનું આયોજન કરવામાં આવશે અને આયોગ દ્વારા ટૂંકી મુદત (અંદાજે સાત દિવસ) ની નોટીસ પ્રસિધ્ધ કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવશે.

પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ ૨ ની પરીક્ષા ચાર તબ્બકામાં લેવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કામાં પ્રિલિમ પરીક્ષા, બીજા તબક્કામાં શારીરિક ક્ષમતા કસોટી, ત્રીજા તબક્કામાં મુખ્ય લેખિત પરીક્ષા અને ચોથા તબક્કામાં રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યૂ) એમ પરીક્ષા ચાર તબક્કામાં લેવામાં આવે છે.

અગાઉ જીપીએસસી દ્વારા કોરોનાના વધતા સંક્રમણને કારણે ૧૦ જેટલી વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ માહિતી ખાતાની વર્ગ-૧, ૨, ૩ અને જીપીએસસીની એકાઉન્ટ ઓફિસર વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.