મેરાન્યૂઝ નેટવર્ક.ડીસાઃ પાટણના પૂર્વ સાંસદ અને ઓબીસીનેતા તરીકે જાણિતા તથા ગુજરાત સરકારમાં મંત્રી રહી ચુકેલા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે. 87 વર્ષિય લીલાધર વાઘેલા ડીસામાં તેમના પુત્રના ઘરે રહેતા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું છે. તેમના અંતિમ સંસ્કાર પાટણના પીંપળ ગામે થશે. ઉલ્લેખનીય છે કે, લીલાધર વાઘેલાનો પૌત્ર અજય વાઘેલા ભાજપ છોડીને ગયા મહિને જ જૂનમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. અજય અમદાવાદ સ્થિત નિરમા યુનિવિર્સિટીમાં એન્જિનિયર થયો છે.

લીલાધર વાઘેલાનું ગાંધીનગરમાં પણ મકાન છે જોકે ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું જેને કારણે તેઓ સર્કિટ હાઉસમાં રહેતા હતા. તેઓ આમ તો 5 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહી ચુક્યા છે પરંતુ તેઓ પણ કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયા હતા ત્યારે ઘણા તેમનાથી નારાજ થયા હતા. તેઓ ભાજપમાં આવ્યા તે પછી બે વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી અને ધારાસભ્ય બન્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે અહીં સરકારમાં હતા ત્યારે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચુક્યા છે. અગાઉ 2012માં મહુધામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના સહપ્રભારી અને શ્રમરોજગાર મંત્રી લીલાધર વાઘેલા ધ્વજવંદન કરવા માટે એક દિવસ અગાઉ નડિયાદ સર્કિટ હાઉસ ગયા હતા. રાત્રે એકાએક હૃદયમાં દુ:ખાવો થતાં તેમને નડિયાદની ડીડીએમએમ હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમની સારવાર અમદાવાદ ખાતે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડીસા વિધાનસભાની 2007ની ચૂંટણીમાં ભીલડી નજીક આવેલા શેરગઢ ગામે આદર્શ આચારસંહિતાનો ભંગ કરી ચૂંટણી પ્રચાર કરી રહેલા લીલાધર વાઘેલા સામે ભીલડી પોલીસ મથકમાં 7 ડિસેમ્બર’07 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ ડીસાની કોર્ટ માં બોર્ડ પર આવતા લીલાધર વાઘેલાએ વકીલ મારફતે કેસને ડિસ્ચાર્જ કરવા માટેની અરજી કરી હતી. જે કેસ બીજા એડિશનલ ચીફ જ્યુડીશીઅલી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને તપાસ કરતા તેમજ આરોપીના વકીલની દલીલને ધ્યાને લઇ કોઈ પુરાવાના મળતા જજ પી. કે.ખાનચંદાનીએ તેમની અરજીને ગ્રાહ્ય રાખી કેસ ફરિયાદ કાઢી નાખી હતી.