મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલ તો સીઝન ટાઢકની છે પરંતુ આવા સંજોગોમાં પણ ખેડૂતો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આગામી 27-28 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય કે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વર્ણવી છે. આજે લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે.જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે.

ખેડૂતો માટે ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ ગમે તે બાજુથી ખરાબ સમાચારો આવતા રહે છે. કુદરત પણ જાણે ખેડૂતોની દશા બેસાડવામાં લાગી હોય તેવો ઘાટ ઘડાયો છે. આગામી 27મી જાન્યુઆરીએ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. તો 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જાન્યુઆરીના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે હાલ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 27 અને 28 જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.