મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ જાયન્ટ એસ્સાર કંપનીનાં કર્મચારીઓએ ન્યારા એનર્જી કંપનીનો રૂપિયા ૩૦.૫૭ કરોડના કોલસાના જથ્થાને સગેવગે કરી નાખ્યો હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. એસ્સાર કંપનીના ટર્મિનલમાં રાખવામાં આવેલ કોલસાના જથ્થામાંથી ૬૮ હજાર ટન જથ્થો વાર્ષિક ઓડિટમાં ગાયબ હોવાનું સામે આવતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ક્યારેક પ્રદુષણ ફેલાવવામાં પ્રશ્ને તો ક્યારેક ખેડૂતો અને સ્થાનિક લોકો અને બેરોજગારીના પ્રશ્ને એસ્સાર કંપની હંમેશા ચર્ચામાં રહી છે. ત્યારે આ જાયન્ટ કંપનીનાં કર્મચારીઓ સામે વધુ એક ફોજદારી નોંધાઈ છે. થોડા વર્ષો પૂર્વે જ એસ્સાર કંપનીને ન્યારા કંપનીએ ઓવરટેક કરી લઇ વહિવટ હસ્તગત કરી લીધો છે. હાલ એસ્સાર  કંપની પાસે પાવર પ્રોજેક્ટ છે. ગત પુરા થયેલ નાણાકીય વર્ષ દરમિયાન ન્યારા કંપનીએ કોલસા સંગ્રહ માટે એસ્સાર કંપનીના બલ્ક ટર્મિનલનો ઉપયોગ કર્યો હતો.  ખંભાલીયા નજીકના નાના માંઢા ગામે આવેલ એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. પરંતુ વાર્ષિક ઓડિટમાં ટર્મિનલમાં સંગ્રહ કરવામાં આવેલ જથ્થા પૈકી રૂપિયા ૩૦,૫૭,૧૦,૮૨૩ની કિંમતનો ૬૮૩૮૧ મેટ્રિક ટન જથ્થો ઓછો નીકળ્યો હતો.

આ જથ્થો એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લીમીટેડના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ અને સિક્યુરીટી સ્ટાફે આ કારસ્તાન કરી કરોડો રૂપિયાનો જથ્થો બરોબર સગેવગે કરી નાખ્યો હોવાની ન્યારા કંપનીના અધિકારી અનીલ વિશ્વંભરએ વાડીનાર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોલસાને બહાર સગેવગે કરવા કાવતરું રચી કોલસા ચોરી કરવા બદલ આઈપીસી કલમ ૧૨૦-બી, ૪૦૬, ૪૦૯, ૪૪૭, ૩૭૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.