મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ એક તરફ કોરોના અને બીજી તરફ વાર્ષિક ઉત્સવો જે દરેક તહેવારને લઈને લોકોમાં સરકારનું સ્ટેન્ડ શું છે તે જાણવાની ઉત્સુક્તા હોય છે. ગુજરાતમાં નવરાત્રી એક અનેરી રીતે ઉજવવામાં આવે છે. જોકે હાલ કોરોના મહામારી વચ્ચે તેની ઉજવણી પર સહુની નજર છે. ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. રુપાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મોટું નિવેદન કર્યું છે. તેમણે આ દરમિયાન પત્રકારો સાથે વાતચિત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, નવરાત્રીની ખેલૈયાઓ કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રી રમવા માટે ઉત્સુક છે.

તેમણે આ દરમિયાન એવું પણ કહ્યું કે સરકાર આ તહેવારની ઉજવણી અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં ઓળખ ધરાવે છે પણ આ વખતે કોરોનાને કારણે મોટો ભય ઊભો છે.  એક તરફ કોરોનાનું સંક્રમણ અટકે તે પણ અટકે તે જરૂરી છે. સરકાર નવરાત્રીની ઉજવણી અને કોરોના સહિતના તમામ પાસા અંગે વિચારીને નિર્ણય કરશે, ગાઈડલાઈન્સ પ્રમાણે નવરાત્રીમાં છૂટ આપવા અંગે વિચારી રહી છે.


 

 

 

 

નીતિન પટેલે કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે. 

 

 ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. જોકે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ નિવેદન કે નિર્ણય સરકાર તરફથી આવ્યો નથી.