મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે  આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના વધતા વ્યાપને પગલે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું કે સરકાર ગુજરાતમાં નવરાત્રી થવા અંગે વિચારણા કરી રહી છે. ત્યારે ઠેરઠેર તેનો શાંતિમય વિરોધ થયો હતો.

ઘણા સ્થાનો પર નવરાત્રી કરવાને પગલે લોકોની ભીડ ભેગી થઈ કોરોના સંક્રમણ વધુ ફેલાવે તેવી વકી હતી. જેને પગલે તબીબોથી માંડી ઘણા લોકોએ ગુજરાતમાં નવરાત્રી ન થાય તે અંગે પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા હતા. જોકે આ બાબતથી સ્થિતિનો તાગ મેળવી લેતા સરકારે હવે આ નવરાત્રીમાં રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ ન યોજવાનું નક્કી કર્યું છે. જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી પ્લોટ સહિત જ્યાં જ્યાં ટોળા મોટી સંખ્યામાં ભેગા થઈ શકે છે તે તમામ સ્થાનો પર નવરાત્રી મહોત્સવ ન યોજવાનો નિર્ણય લેવાય તેવું લાગી રહ્યું છે.