પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય. ભાગ-4):  મેઘાણીનગરમાં કંઈ બનશે તેની કોઈને કલ્પના પણ ન હતી.જેના કારણે ગુલબર્ગ સોસાયટી બહાર બંદોબસ્ત વધારવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. એરડા તો ઠીક પણ ત્યાં આવેલો જોઈન્ટ કમિશનર એમ. કે. ટંડન પણ થાપ ખાઈ ગયા હતા. બાર વાગ્યા સુધી ગુલબર્ગ સોસાયટી ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે સ્વરક્ષણમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીએ પોતાની બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાકને ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે એવી વાત વણસી હતી અને ટોળાની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. બંગલા નંબર-૧૯માં અહેસાનના ઘરે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બધાને આશ્વાસન આપી મદદ આવશે તેવી ખાતરી આપી હતી. નીચેના માળે અનેક લોકો હતા એટલે અહેસાને તેમની પત્ની ઝકીયાને નોકરાણી સાથે ઉપરના મળે જતા રહેવાની સૂચના આપી હતી. ટોળું સોસાયટીમાં દાખલ થવાની તૈયારીમાં હતું ત્યાં સોસાયટીના પાછળના ભાગે કોટ તોડી અંદર દાખલ થયું. ટોળાના હાથમાં ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીનાં કેરબા હતાં. ટોળાએ લોકોના ઘર તોડી ઘરમાં સ્ત્રી-પુરુષો અને નાનાં બાળકો સાથે વૃધ્ધોને મારી સળગાવી દેવાની શરૂઆત કરી હતી. કાયમ માટે સહિષ્ણુગણાતો હિંદુ આટલો ઝનૂની કેમ બન્યો તે વાત મને હજી પણ સમજાતી નથી. આખી ગુલબર્ગ ભડકે બળી રહી હતી. આગનો કોલ ફાયરબ્રિગેડને મળ્યો પણ રસ્તામાં ઠેરઠેર આડશો મૂકી દેવામાં આવી હતી. ગુલબર્ગથી માંડ ત્રણ કિલોમીટર દુર બંબાઓ આવી ગયા હતા પણ આગળ જી શકતા ન હતા. મેઘાણીનગરની પોલીસ પણ ગુલબર્ગ જવા માગતી હતી પણ તેમની પાસે પૂરતો સ્ટાફ નહોતો.

      અહેસાન જાફરીની પત્ની ઝકીયાએ તપાસપંચમાં આપેલી જુબાની પ્રમાણે બપોરના સમયે એક ટોળું તેમના ઘરમાં દાખલ થઇ ગયું હતું અને તે બધા અહેસાનને ખેંચી ઘરની બહાર લઇ ગયા હતા. તેમના હાથમાં તલવારો હતી અને તેમણે જાફરીને રસ્તા પર સુવડાવી કાપી નાખ્યા બાદ સળગાવી મુક્યા હતા. આ કહેતાં શ્રીમતી જાફરી નાણાવટી પંચ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતાં, કારણ કે તેમની નજર સામે જ તેમના પતિની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અમદાવાદની પોલીસ એક રાજનેતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ હતી ત્યારે સામાન્ય લોકોની તો વાત જ કરવા જેવી નહોતી. સાંજ થઈ ત્યારે પોલીસનાં વાહનો ગુલબર્ગ સુધી પહોંચવામાં સફળ થયાં, પરંતુ ત્યારે સંખ્યાબંધ લાશો, સળગતાં ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો સિવાય કંઈ બાકી નહોતું. પોલીસે આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા ત્યારે ઉપરના માળે લપાઈ રહેલાં શ્રીમતી જાફરી પણ બહાર આવ્યા હતાં. તેમને પોતાના પતિની હત્યાનું દુખ તો હતું પણ બહાર પડેલી લાશો જોઈ તે  હચમચી ગયાં હતાં. નાના બાળકો અને સ્ત્રીઓની લાશો પડી હતી, જેમાં સ્ત્રીઓની લાશ ઉપર કપડાં પણ નહોતાં. પોલીસે બચી ગયેલા તમામને પોલીસનાં મોટાં વાહનોમાં બેસાડયા પણ તેમને ત્યાંથી લઇ જાય તે પહેલાં ફરી જેમાં મુસ્લિમો હતા તે પોલીસ વાન ઉપર પથ્થરમારો થયો. સદનસીબે થોડીવારમાં પોલીસ તે બધાને લઈને ત્યાંથી નીકળી ગઈ. રસ્તામાં પોલીસે વાનમાં રહેલા મુસ્લિમોને પૂછ્યું હતું કે, ‘બોલો ક્યાં જવું છે ?’ આ એવા લોકો હતા જેમનું કંઈ બચ્યું ન હતું. જવું તો પણ ક્યાં જવું તેની ખબર નહોતી. જેમનું શહેરમાં કોઈ નહોતું તેમને પોલીસ રાહતકેમ્પમાં લઇ જવાની હતી. શ્રીમતી જાફરી સ્તબ્ધ હતાં. તેમને ક્યાં જવું તેની પણ ખબર નહોતી, કારણ કે અમદાવાદમાં તેમનું કોઈ નહોતું. પોલીસે જયારે તેમને પૂછ્યું કે ક્યાં જવું છે ત્યારે તેમણે શાહીબાગ જવાનું કહેતાં પોલીસવાળા તેમને કમિશનર કચેરી બહાર ઉતારી જતા રહ્યા હતા.

      રાતનું અંધારું થઈ ગયું હતું. શ્રીમતી જાફરીનું બધું જ લુંટાઈ ગયું હતું. તેમના જેવી અનેક સ્ત્રીઓ હતી પણ શ્રીમતી જાફરીને યાદ નથી કે તે કેટલા કલાક સુધી શૂન્યમનસ્કે પોલીસ કમિશનર કચેરી બહાર બેઠાં હશે. ત્યાં બે યુવાનો આવ્યા અને તેમણે પૂછ્યું ક્યાં જવું છે ? જાફરીના એક સંબધી ગાંધીનગર રહેતા હતા. તેના કારણે તેમણે ગાંધીનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ બંને યુવાનો તેમને પોતાની ટાટા સુમોમાં ગાંધીનગર મૂકી ગયા. તે યુવાનો હિંદુ હતા કે મુસ્લિમ તેની પણ ખબર નહોતી, છતાં હજી સારા માણસો હતા. નરોડા પાટિયા અને ગુલબર્ગની વાતની પોલીસ કમિશનર પી. સી. પાંડેને ખબર પડી ત્યારે તે પોતે ત્યાં દોડી ગયા હતા પણ ત્યાંના દૃશ્યો જોઈ તે ડીસ્ટર્બ થઈ ગયા હતા. ત્યાંથી અમદાવાદમાં જે કંઈ બની ગયું તેના માટે પોતાને જવાબદાર ગણવા લાગ્યા હતા. તે પોતે માનતા હતા કે ગુનેગાર પણ પોલીસની ગોળીથી મરવો જોઈએ નહી ત્યારે આટલા બધા લોકોની હત્યા થઈ ગઈ હતી. તેમના તાબાના ઓલીસ અધિકારીઓએ પોતાના સારાપણાનો લાભ ઉઠાવ્યો હતો. તેમણે પી. સી. પાંડેનો આદેશ માનવાને બદલે સ્થાનિક નેતાને શું ગમે છે તે વાત ઉપર ધ્યાન આપ્યું હતું.

      હવે પોલીસના હાથની વાત રહી નથી તેની પોલીસ કમિશનર પી. સી. પાંડે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખબર પડી ગઈ હતી. સાંજ સુધી હાહાકાર મચી ગયો હતો. અમદાવાદ સહીત નાના ગામડાઓમાં પણ કોમી આગ લાગી ચૂકી હતી. દુનીયાભરમાં ગુજરાતના સમાચારો પ્રસરી ચૂક્યા હતા. સ્થિતિને પહોંચી વળવા માટે લશ્કરની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય ગૃહસચિવ અશોક નારાયણે પોતે લશ્કરની છાવણીમાં ફોન કરી તરત લશ્કરને અમદાવાદ શહેરમાં મોકલી આપવા જણાવ્યું હતું પણ સામેથી જવાબ મળ્યો કે સરહદ ઉપરની સ્થિતિ સારી નહીં હોવાને કારણે તમામ કંપનીઓ સરહદ ઉપર છે. અમદાવાદમાં એક પણ કંપની ન હોવાથી તરત દિલ્હી ખાતે સંદેશો આપી લશ્કરી મદદ માગવામાં આવી હતી. જો કે હવાઈમાર્ગે લશ્કર મોકલવાની હા પાડી હતી પણ તેને આવતા ચોવીસ કલાકનો સમય નીકળી જાય એમ હતો. ત્યાં સુધી શહેર પોલીસના હવાલે હતું. તે આખી રાત પણ શહેરમાં તોફાનો ચાલુ રહ્યાં અને અનેક લોકોની કત્લેઆમ થઈ, તેમજ કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દેવામાં આવી હતી.

      સામાન્ય મુસ્લિમો જ નહીં મોટા નેતાઓ અને અમલદારો પણ આ પરિસ્થિતિને કારણે ફફડી ગયા હતા. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આઈ. પી. એસ. અધિકારી એ. આઈ. સૈયદ જન્મે મુસ્લિમ હોવા છતાં કર્મે માત્ર પોલીસ અધિકારી હતાં. તેમણે જ્યાં પણ નોકરી કરી ત્યાં માત્ર એક પોલીસ અધિકારી તરીકે નોકરી કરી હતી. ક્યારેય તેમનો મઝહબ તેમને આડે આવ્યો નહોતો. ૧૯૯૨માં બાબરી ધ્વંસની ઘટના બની ત્યારે એ. આઈ. સૈયદ અમદાવાદમાં એડમન ડી. સી. પી. હતા પણ ત્યારે અમદાવાદ કરતાં સુરતની સ્થિતિ વધારે બગડી હતી. તેને કાબૂમાં લેવા માટે સરકારે એક પ્લાન બનાવ્યો હતો, જેમાં કેટલાક મુસ્લિમ અધિકારીની જરૂર હતી. એટલે જયારે સૈયદને એવું કહેવામાં આવ્યું કે, ‘સુરતમાં મુસ્લિમ અધિકારીને મુકવા માંગે છે અને તમારે સુરત જવાનું છે.’ ત્યારે તેમણે મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલને મળી સુરત જવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, ‘મને એક પોલીસ અધિકારી તરીકે સુરત મુકવા માગતા હોવ તો હું સુરત જવા માંગતો નથી.’ આમ સૈયદ પોતાની ઓળખ માત્ર પોલીસ અધિકારી તરીકેની રહે તેના માટે જાગૃત હતા. તા. ૨૮મીએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે દિવસે ફરજ ઉપર જવા માટે સૈયદે પોતાનો યુનિફોર્મ પહેર્યો ત્યારે તેમની નોકરી પોલીસ એકેડમીમાં કરાઈ ખાતે હતી. કરાઈ ખાતે પોલીસમાં ભરતી થતા નવા પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે.

      બહારનો માહોલ સારો નહોતો પણ ડી. આઈ. જી. એ. આઈ. સૈયદના મનમાં તે અંગે જરા પણ ડર નહોતો. અને એક પોલીસ અધિકારી તરીકે તે ઘરમાં બેસી રહે તે યોગ્ય પણ નહોતું. તેમને રોજની જેમ જ એકેડમીમાં જવાનું હતું. સવારે તેમની સરકારી કાર અને એક કમાન્ડો તેમને લેવા આવી ગયા હતા. તે કારમાં ગોઠવાઈ ગયા. રીંગ રોડ ઉપર એ.પી.એમ.સી. તરફથી વળતાં જ ડ્રાઈવરે કારને અટકાવી કહ્યું,’ સાહેબ આગળ ટોળું છે.’ પહેલાં ડ્રાઈવર તે જ રસ્તે આવ્યો હોવાથી તેને ગંભીરતાની ખબર હતી, તેમ જ તેને એવો પણ ડર હતો કે ટોળું હિંદુઓનું છે અને તેના અધિકારી મુસ્લિમ છે. તે ઈચ્છતો હતો કે મુસ્લિમ હોવાને કારણે નાહક તેમને કોઈ મુશ્કેલી પડે નહીં, પરંતુ તે જે માનતો હતો તેવું કહી શક્યો નહીં. તેના કારણે તેમના મનમાં પણ એવું નહોતું કે આજે તેમને કોઈ મુસ્લિમ તરીકે જોશે. તેમણે ડ્રાઈવરને કહ્યું,’ ટોળું છે તો શું થયું આપણે પોલીસવાળા છીએ.’ ડ્રાઈવરે કારને ફરી ગિયરમાં નાખી અને ટોળું હતું ત્યાં જતા કાર ઉભી રાખવી પડી, કારણ કે ટોળું રસ્તા પર હતું. પહેલાં તો ટોળાએ ડ્રાઈવર અને આગળની સીટમાં રહેલા કમાન્ડો સાથે ગુસ્સામાં વાત કરી. તે પોલીસને ભાંડી રહ્યા હતા. તેમનો ગુસ્સો હતો કે પોલીસ હિંદુઓની સાથે નથી. ટોળાના કેટલાક ડ્રાઈવર સાથે વાત કરી રહ્યા હતા એટલે એ. આઈ. સૈયદે તે જ્યાં બેઠાં હતા એટલે કે પાછળની તરફનો જમણી બાજુનો કાચ નીચે ઉતારી પૂછ્યું,’ ભાઈ શું તકલીફ છે ?’ એટલે કેટલાક તેમની સાથે વાત કરવા માટે પાછળની બારી ઉપર આવ્યા હતા. સૈયદે તેમની સાથે વાત શરુ કરી હતી. બરાબર ત્યારે જ એક યુવાનની નજર સૈયદના યુનિફોર્મ પર રહેલી નેઈમ પ્લેટ પર પડી અને તેણે મોટેથી બૂમ પાડી,’અરે આ તો સૈયદ છે.’ બસ આટલી વાત સાંભળતા જ ટોળું વિફર્યુ અને કારને ઘેરી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સૈયદના કમાન્ડોના હાથમાં એ. કે. ૪૭ હતી પણ આ સમય બંદૂક ચલાવવાનો નહોતો. જે ટોળું સૈયદને મુસ્લિમ તરીકે જોઈ રહ્યું હતું તેમને સૈયદ વિશે કંઈ ખબર નહોતી પણ સૈયદે સંયમ ગુમાવ્યા વગર વર્તવા ડ્રાઈવર અને કમાન્ડોને સૂચના આપી એટલે ડ્રાઈવરે હિંમતપૂર્વક કારથી કોઈને ઈજા થાય નહી તેની તકેદારી રાખી કાર ભગાવી મૂકી હતી. જેના કારણે સૈયદનો બચાવ થયો હતો પણ તેમને પહેલી વખત કોઈએ એક મુસ્લિમ તરીકે જોયા હતા તેનો મોટો આઘાત લાગ્યો હતો, જે તે આજે પણ ભૂલી શક્યા નથી. પોલીસ એકેડમી પહોંચ્યા પછી તે રાતે પણ તેમને એકેડમીમાં જ રોકાવું પડ્યું હતું.

      હું તે દિવસે સુરત જ હતો. સવારે વિક્રમના પત્ની કાશ્મીરાભાભીએ અમને નાસ્તો બનાવી આપ્યો. નાસ્તો કરી હું તરત ઓફીસે આવી ગયો હતો, મારે તે જ દિવસે સ્ટોરી ફાઈલ કરવાની હતી. હું સતત અમદાવાદનાં સંપર્કમાં હતો અને તે સમાચારો સાંભળી હું પણ બેચેન થઈ જતો હતો. સુરતની સ્થિતિ તનાવભરી હતી પણ અમદાવાદની સરખામણીમાં સુરત પોલીસની કામગીરી સારી હતી. કદાચ ત્યારના પોલીસ કમિશનર વી. કે. ગુપ્તાની તેમના સ્ટાફ ઉપરની પકડ જ તેના માટે કારણભૂત હતી. તેમણે તમામ ઇન્સ્પેકટરોને તાકીદ કરી હતી કે કોઈ પણ પ્રકારનો બનાવ બને નહીં, જેના કારણે છૂટક બનાવોને બાદ કરતા શાંતિ રહી હતી. તે દિવસે મને સુરતની સ્થાનિક ટીવી ચેનલો ઉપર તોફાનના સમાચાર જોઈ આઘાત લાગ્યો હતો, કારણ કે તે ચેનલો છૂરાબાજીમાં મારી ગયેલી વ્યક્તિઓના ગુપ્તાંગ બતાવી મૃતક હિંદુ છે કે મુસ્લિમ તેવું દર્શાવતી હતી. જો કે સમાચાર પ્રસિધ્ધ થયાં બાદ ખુદ સુરત પોલીસે તેવી ચેનલોની ઓફીસને તાળા મારી દીધાં હતા. હું મોડી સાંજ સુધી કામ કરી રહ્યો હતો, કારણ કે હું સ્ટોરી ફાઈલ કરી રાત્રે જ અમદાવાદ જવા માંગતો હતો પણ અમદાવાદની સ્થિતિને કારણે મને વિક્રમે સલાહ આપી કે રાત્રે નીકળવાનું જોખમ લેવું જોઈએ નહીં. મને તે વાત સાચી લાગી અને મેં વહેલી સવારે નીકળવાનું નક્કી કર્યું. રાત્રે હું, ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી અને ડ્રાઈવર હોટલાઈનની ઓફીસમાં જ સુઈ ગયા હતા. મને બે દિવસનો થાક હતો એટલે ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક મને કોઈએ જગાડી રહ્યું હોય તેવું લાગ્યું. મેં આંખ ખોલી તો મારી કારનો ડ્રાઈવર હતો. તેણે મને કહ્યું, ‘સાહેબ જવું નથી?’ મેં તેને પૂછ્યું,’ કેટલા વાગ્યા?’ તેણે કહ્યું, ‘સાડા ચાર.’ આટલી જલ્દી સવાર પડી ગઈ તેની મને ખબર જ ના રહી. મેં મોઢું ધોયું અને અમે કારમાં ગોઠવાઈ ગયા. કાર સુરતથી નીકળી અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર આવી, જ્યાં ડ્રાઈવરે કાર ઉભી રાખી પેટ્રોલ ભરાવ્યું અને કાર અમદાવાદ તરફ જઈ રહી હતી. તા. ૧લી માર્ચ સવારનો સમય હતો અને ઠંડો પવન હોવાને કારણે મારી આંખ ક્યારે લાગી ગઈ તેની ખબર જ ના રહી, પરંતુ બમ્પ ઉપર કાર કુદી ત્યારે મારી આંખ ખુલી. મેં બારીના કાચની બહાર જોયું તો કાર નર્મદા પસાર કર્યા બાદ આવતા ટોલટેકસના નાકા ઉપરથી પસાર થતી હતી, પરંતુ ત્યાં કાર રોકાઈ નહીં કારણ કે નાકા ઉપર કોઈ ન હતું. મને પહેલા તો કંઈ સમજાયું નહીં. હું કારના આગળના કાચમાંથી રસ્તા ઉપર જોઈ રહ્યો હતો. સવારનું અજવાળું થઇ ગયું હતું. સતત ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઇવે ઉપર મને એક પણ વાહન નજરે પડતું ન હતું. મને બહુ જલ્દી ખ્યાલ આવી ગયો કે કંઈક ગરબડ છે. મેં ડ્રાઈવરને પૂછ્યું,’ રસ્તા ઉપર ટ્રાફિક કેમ નથી?’ તેને કહ્યું,’ તમે તો હમણાં જોયું સાહેબ, પરંતુ આપણે સુરતથી નીકળ્યા ત્યારથી મને એક પણ વાહન મળ્યું નથી.’ હું કારની પાછળની આડો પડ્યો હતો પણ તેની વાત સાંભળી સીધો બેસી ગયો. મારી ઊંઘ ઉડી ગઈ. ભરૂચ પસાર કરી અમે આગળ જઈ રહ્યા હતા. અમે માંડ દસ-પંદર કિલોમીટર આગળ ગયા ત્યાં કારમાં ઝટકા આવ્યા. ડ્રાઈવરે કારની રેસ ધીમી કરી. મેં તેને પૂછ્યું,’ શું થયું?’ તેને કહ્યું,’પેટ્રોલમાં કચરો આવ્યો લાગે છે.’ મેં તેને સૂચના આપી કાર ઊભી રાખતો મહીં. હું તે વિસ્તારના ભૂગોળથી પરિચિત હતો. મને ખબર હતી કે હવે મિંયાગામ કરજણ અને પાલેજ આવશે અને તે બંને ગામોમાં મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર હોવાથી આ વિસ્તારમાં હવે કાર રોકવી યોગ્ય નહોતી. પણ મને રસ્તામાં બીજું આશ્ચર્ય થયું. હાઇવે ઉપર આવતી તમામ હોટેલોને તાળા વાગેલા હતા. હાઇવે ની હોટેલ બંધ હોય તેવું મેં પહેલી વાર જોયું હતું. પેટ્રોલમાં કચરો આવતો હોવાને કારણે કારની ઝડપ ઘટી ગઈ હતી. મિંયાગામની પહેલાં એક પેટ્રોલપંપ આવે છે તે પંપ બંધ હતો પણ તેની બહાર બે ટ્રાફિક પોલીસવાળા ઉભા હતા. તેમની પાસે હથિયારમાં માત્ર લાકડી હોવા છતાં પણ પોલીસને જોઈ થોડું આશ્વાસન મળ્યું હતું. મેં ડ્રાઈવરને કહ્યું,’ કાર અહીં ઊભી રાખી રીપેર કરવી હોય તો કરી લે.’ એટલે એણે કાર ઊભી રાખી અડધો કલાક મહેનત કરી પણ તેને ખાસ સફળતા મળી નહીં. અમે ફરી અમદાવાદ તરફ વધ્યા હતા. કારને ગેરેજમાં બતાવવી પડે તેમ હતી. વડોદરામાં જવાનો અર્થ નહોતો એટલે છાણી તરફ વાળી, કારણ કે ત્યાં ગેરેજ છે. થોડી તપાસ કરતાં ગલીમાં ગેરેજ હોવાની ખબર પડી. અંદર ગયા તો ઔદ્યોગિક વસાહતમાં એક ગેરેજ ખુલ્લું હતું. બાકી બધી ફેકટરીઓ બંધ હતી. ગેરેજ પાસે અમે રોકાયા. ડ્રાઈવર મિકેનિક સાથે વાત કરતો હતો ત્યારે મારી નજર ગેરેજમાં ફરી રહી હતી. મને ખ્યાલ આવી ગયો હતો કે ગેરેજ મુસ્લિમ મિકેનિકનું છે. મને મુસ્લિમ સામે ક્યારેય વાંધો નહોતો અને નથી, છતાં માહોલ જે રીતનો હતો તેના કારણે મનમાં કચવાટ હતો. મિકેનિક અમારી કાર રીપેર કરવા લાગ્યો ત્યાં અચાનક એક જીપ ગલીમાં આવી. તે જીપમાં કંઈક ખરાબી હતી. જીપમાંથી અમુક શખ્સો નીચે ઊતર્યા. તેમને જોતાં જ મારા જીવમાં જીવ આવ્યો, કારણ કે તેમને હું ઓળખી ગયો હતી. તે બધા પોલીસવાળા હતા. તેમણે બંદોબસ્તના કામે રિક્વિઝીટ કરેલી જીપ બગડી જતા રીપેર કરાવવા માટે આવ્યા હતા. પોલીસની જીપ પણ ત્યાં રીપેર થવા લાગી.

      અમારી કાર રીપેર થઈ ગઈ અને અમે અમદાવાદ હાઇવે ઉપર આવ્યા. હવે પછીના બધા ગામ હિંદુના હોવાથી ચિંતા થોડી ઓછી હતી, પરંતુ મહી નદી વટાવી આગળ આવતા જ મારી નજર રસ્તા ઉપર ઊભા રહેલા ટોળા પર પડી. તેમના હાથમાં તલવારો-કુહાડીઓ અને લાકડીઓ હતી. તે બધા રસ્તાની વચ્ચે ઊભા હતા. મેં ડ્રાઈવરને કાર ધીમી કરવા કહ્યું, એટલે તેણે એક્સીલેટર ઉપરથી પગ ઉપાડ્યો અને કાર ટોળા સામે આવતા તેણે હળવેકથી બ્રેક મારી. કાર ઉભી રહેતાં એક દાઢીવાળો યુવાન જેના હાથમાં બરછી જેવું હથિયાર છે તે બારી પાસે આવ્યો. તેણે પૂછ્યું,’ ક્યાંથી આવો છો?’ તે પ્રશ્ન મને પૂછી રહ્યો હતો પણ તેની નજર કારમાં કોણ છે અને શું સામાન છે તેનો અંદાજો લગાવી રહી હતી. સામાન્ય રીતે તોફાનોમાં ટોળું રોકે એટલે તેને પ્રેસવાળા છીએ તેવું કહો એટલે તે તમને જવા દેતું હતું તેવો મારો અનુભવ રહેલો છે. એટલે મેં કહ્યું, ‘ પ્રેસવાળા છીએ.’ ત્યાં સુધી તેણે કારમાંથી નજર ઉઠાવી મારી આંખમાં જોતાં પૂછ્યું,’ કઈ જાતના છો?’ મને ધ્રાસકો પડ્યો, કારણ કે પહેલી વખત મને કોઈએ મારો ધર્મ પૂછ્યો હતો. તમ પત્રકાર તરીકેનો તમારો પરિચય આપો એટલું પૂરતું હતું પણ હવે તે  વાત જૂની થઇ ગઈ હતી. પત્રકારને પત્રકારત્વની સાથે તેનો પોતાનો ધર્મ હોય છે તેવું માની મને ધર્મ પૂછવામાં આવી રહ્યો હતો, પરંતુ મારી સમસ્યા એ હતી કે હિંદુ વિસ્તાર હોવા છતાં ટોળું ક્યાં ધર્મનું છે તે હું નક્કી કરી શકતો નહોતો. માની લો કે મુસ્લિમોનું ટોળું હોય તો... હું વિચારતો હતો ત્યાં જ પેલા યુવાને બારીમાંથી ફોટોગ્રાફર તરફ ઈશારો કરી પૂછ્યું,’ આ કોણ છે ?’ મેં કહ્યું, ‘ બધા હિંદુ છે.’ હું દાઢી રાખતો હોવાથી તેને મારી વાત નો સંતોષ થયો નહીં. તેણે મને કહ્યું,’ કાર્ડ બતાવો.’ મેં મારૂ લાઇસન્સ બતાવ્યું. તેણે આંખો જીણી કરી મારું નામ વાંચ્યું અને કહ્યું,’ જવા દો.’

      મને લાગ્યું કે આ વખતે તો હિંદુઓનું ટોળું હતું માટે બચી ગયા પણ હવે આગળ મુસ્લિમોનું ટોળું આવશે તો શું ? તેવા વિચારમાં જ હતો ત્યાં ફરી બે કિલોમીટર પછી અમને ટોળાએ રોક્યા. તે જ પ્રશ્ન અને તે જ વાત ... તેમના હાથમાં પણ હથિયારો અને આંખમાં ગુસ્સો હતો. તેઓએ પણ હિંદુ હોવાને કારણે અમને જવા દીધા. પછી તો દર બે-ત્રણ કિલોમીટરે ટોળા મળતા અને પૂછપરછ કરી જવા દેતા. રસ્તામાં જેટલી પણ મુસ્લિમોની હોટેલો હતી બધી લુંટાઈ ગયેલી હતી. સંખ્યાબંધ ટ્રકો સળગતી હતી, કારણકે તે મુસ્લિમોની હતી. તેના ડ્રાઈવર અને ક્લીનરોનું શું થયું હશે તેની મને ખબર નથી. બપોર થતા સુધી અમે ખેડા પહોંચી શક્યા. ત્યાં ટોલટેકસના નાકા ઉપર સિક્યોરીટી ગાર્ડ ઉભો હતો. આગળની સ્થિતિ જાણવા માટે કાર ઉભી રાખી અને ગાર્ડને પૂછ્યું. તેણે કહ્યું, ‘ બારેજા પાસે પ્રગતિ હોટેલ સળગાવી છે. ના જાવ તો સારું છે.’  મને ડર પણ લાગ્યો. સવારથી નિકળ્યા હતા હવે અમદાવાદ આવવાની તૈયારી હતી ત્યારે અમને ગાર્ડે સલાહ આપી કે આગળ જતા નહીં. ડ્રાઈવરે મારી સામે જોયું તે પણ મૂંઝવણમાં હતો કે શું કરવું ? મેં તેને કહ્યું, ‘ જે થશે જોવાઈ જશે. હમણાં સુધી ભગવાને જ સાચવ્યા અને આગળ પણ સાચવશે.’ તેણે ફરી કાર આગળ વધારી. બારેજા આવતા સુધી એકાદ સ્કૂટરવાળા સિવાય કોઈ મળ્યું નહોતું. બારેજા દેખાયું તે પહેલાં દૂરથી ધુમાડા દેખાતા હતા. જેવા નજીક ગયા તો ખબર પડી કે ટોળું પ્રગતિ હોટેલમાંથી સામાન બહાર કાઢી આગ ચાંપી રહ્યું હતું. અમે ટોળામાંથી નીકળ્યા પણ કાર ઉપર અમદાવાદનું પાસીંગ હોવાથી કોઈએ રોક્યા નહીં. થોડા આગળ આવ્યા ત્યારે ટ્રકો સળગતી હતી પણ તેની બાજુમાં કેટલાક લોકોની સાથે ભગવાધારીઓ પણ હતા. જો કે તેમને દોષ દેવા જેવો ન હતો, કારણ કે બંને પક્ષે માણસ મારી પરવાર્યો હતો. અમે નારોલ થઈ વિશાલા સર્કલથી અમદાવાદમાં દાખલ થવાના હતા પણ બરાબર વિશાલા સર્કલ ઉપર જ કારને પંક્ચર પડ્યું. કાર ધીમી પડી પણ મેં ડ્રાઈવરને કહ્યું, ‘ ભલે ટ્યુબ ફાટે પણ કાર ઊભી રાખતો નહીં.’ કારણ કે ડાબી તરફ જુહાપુરાના મુસ્લિમોનું ટોળું પણ હતું. ડ્રાઈવરે કારની ઝડપ વધારી. જમણી તરફ ગુપ્તાનગર આવતા કાર ઉભી રાખી, કારણ કે તે હિંદુ વિસ્તાર હતો. અમદાવાદ આવતા મને શાંતિ થઈ હતી. ત્યાંથી અમે વી. એસ. હોસ્પિટલ આવ્યા ત્યારે સાંજના ચાર વાગ્યા હતા અને અમદાવાદમાં હવાઈમાર્ગે આવી પહોચેલા લશ્કરે મ્યુનીસીપલ કોર્પોરેશનની ટ્રકોમાં ફલેગમાર્ચ શરૂ કરી દીધી હતી. આખો દિવસ દરમિયાન મેં જે યાતના સહન કરી તેને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.

      પશ્ચિમ અમદાવાદમાં મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. તે મુસ્લિમોની સામે પડ્યા હતા તેવું નહોતું પણ જે ઘરમાં બેસી ટેલીવિઝન ઉપર સમાચારો જોતા હતા તેવા હિંદુઓ મુસ્લિમોને બરાબર જવાબ આપ્યો છે તેવું માનતા હતા. આ માનસિકતા મેં પહેલીવાર જોઈ હતી. મુસ્લિમના ગલ્લાને કાંકરી પણ મારી નહોતી તેવા હિંદુઓ માનતા હતા કે મુસ્લિમો તે લાગના જ હતા. હિંદુ સ્ત્રીઓ પણ પોતાના પતિ અને પુત્રોને ઘરની બહાર નીકળી મુસ્લિમોને જવાબ આપવા ઉશ્કેરતી હતી. બાપુનગર વિસ્તારમાં તો ઘરમાં બેસી રહેનાર પુરુષોને સ્ત્રીઓ બંગડીઓ મોકલાવતી હતી. મને હજી પણ ખબર નથી કે શહેર કઈ તરફ જઈ રહ્યું હતું .…

(ક્રમશઃ)

શ્રેણી પ્રશાંત દયાળ લિખિત અને સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશીત કરાયેલા ‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ પુસ્તક પર આધારિત છે.