મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાસ થયો છે ત્યારે ભાજપની લહેરમાં કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોની પણ કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે. વિજયનગર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ચિતરીયા બેઠક પરથી જંપલાવનાર યશ કોટવાલની હાર થઇ હતી. કોંગ્રેસના ગઢમાં ભાજપે ભંગાણ સર્જ્યું છે. બીજીબાજુ વર્ષોથી કોંગ્રેસનો દબદબો ધરાવતી ભિલોડા તાલુકાની ઉપસલ બેઠક પર ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનીલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની કારમી હાર થતા કોંગ્રેસની આબરૂનું ધોવાણ થયું હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના દબદબો ધરાવતા વિસ્તારોમાં અને સ્થાનીક કોંગ્રેસના ધારાસભ્યોના પુત્રો પણ ભાજપની સુનામી માં કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે. બને બેઠક પર ધારાસભ્યોના પુત્રો અને ધારાસભ્યોનો જીતવાનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 


 

 

 

 

 

પેટલાદ ખાતે વોર્ડ નં. 3માં અને 5માં ઉમેદવારી કરનારા ધારાસભ્ય નિરંજન પટેલનો પરાજય થતાં હતાશા ફેલાઈ છે. આ તરફ આણંદ ખાતે પણ તારાપુર બેઠકના ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રિજા નિકુંજ પરમારને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકીય ક્ષેત્રના દિગ્ગજ માથાઓના સગા-સંબંધીઓની હારના સમાચારે ઘણી ચર્ચાઓ જગાવી છે. લોકો વચ્ચે આ હાર પાછળ ટીખળ પણ ઉડાવાઈ રહી છે, જેટલા ટિકિટ માટે કુદકા માર્યા, ધમ પછાડા કર્યા તેટલા જ જોરથી નીચે પટકાયા હોવાની ચર્ચાઓ ચાલી છે.

બીજી બાજુ દ્વારકા ખાતે ખંભાળિયામાં જાણિતું નામ ધરાવતા ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પોરબંદરમાં ખુદ અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાને તાલુકા પંચાયતની બેઠકમાં પરાજય મળ્યો છે. કૉંગ્રેસ ઉપરાંત બીટીપીનાં ધારાસભ્ય છોટુ વસાવાનો દીકરો પણ હાર્યો છે. બીજી બાજું ગુજરાતના રાજકારણમાં નવા ગણિતો ગણવા પડે તેવી સ્થિતિ આમ આદમી પાર્ટીઓ ઊભી કરી છે. 18 તાલુકા અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે આમ આદમી પાર્ટીની મોટી એન્ટ્રી થઈ છે. જિલ્લા તાલુકામાં ભાજપે ફરી પોતાના ઢોલ વાગતા કર્યા છે. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના રાજીનામાઓ પડ્યા છે.