મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ ગુજરાતના બનાસકાંઠામાં ચાલતા મનરેગા યોજનાની પાછળના ગોરખ ધંધાને ખુલ્લો કરવાના ઈનામ સ્વરૂપે ગરીબ વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા ગુજરાતને પગલા લેવા માટે વિનંતિ કરી છે. બાલુન્દ્રા ગામના આ ગરીબોને ઢોર માર મારતા તેમની જે હાલત થઈ હતી તેનો વીડિયો પણ જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ અંગે ધારાસભ્ય જીગનેશ મેવાણી દ્વારા પોતાના ઓફિસ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે આ પીડિતો માટેની પોતાની લાગણી અને તેમને માર મારનારાઓ સામેની પોતાની નારાજગી બંને વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, મનરેગામાં પર્દાફાશ કરવાનું પરિણામઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મનરેગામાં ચાલી રહેલા કરોડોના ગોટાળાને ગત દિવસોમાં અમે પર્દાફાશ કર્યો હતો. આજે તે બાલુન્દ્રા ગામમાં આંગનવાડી અને મનરેગાના કૌભાંડને ઉજાગર કરવા પર ગરીબોના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને ડીજીપી ગુજરાતને ટેગ કરી તેમણે ચોક્કસ પગલા લેવાની માગ કરી છે.