મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબીનાં મકનસર ગામ નજીક નવા બની રહેલ પોલીસ હેડક્વાર્ટરમાં આવાસમાથી એક અજાણ્યા યુવાનને બેરહેમીથી માર મારી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા મોરબી જીલ્લા એસ.પી., ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે એક પોલીસકર્મી અને પાંચ જીઆરડીના જવાનોની સામે હત્યાનો ગુનો નોંધી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.

મોરબીનાં મકનસર ગામ પાસે નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટર માટે જગ્યા ફાળવવામાં આવી છે.  જેમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ આવાસ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે નવા બની રહેલા પોલીસ આવાસના બિલ્ડિંગમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા મોરબી જીલ્લા એસ.પી. ડીવાયએસપી, એલ.સી.બી, એસ.ઓ.જી. અને તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં મરનાર યુવાનાને માર મારતા તેનું મોત થયાનું જણાતા મોરબી તાલુકા પોલીસે  હત્યાનો ગુનો નોંધી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એક પોલીસ કર્મચારી અને પાંચ જીઆરડીના જવાનો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ હેડ ક્વાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા મૂળ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ન્યુ તલવાણા ગામના રહેવાસી કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ (ઉ. ૪૦)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામાં અને અન્ય ત્રણ જીઆરડી જવાનોએ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી જેની વધુ તપાસ પી.એસ.આઈ. એમ.વી.પટેલ ચલાવી રહ્યા છે.