મેરાન્યૂઝ નેટવર્ક.મહિસાગરઃ મહિસાગરમાં થોડા વખત અગાઉ જ વાઘ આવ્યો હોવાના કેમેરા ફૂટેજ સામે આવ્યા હતા. એક શિક્ષકના વીડિયો બાદ વન વિભાગે નાઈટ વિઝન કેમેરા લગાવી આ વીડિયો લીધો હતો. જે તે સમયે વાઘ સ્વસ્થ રીતે કેમેરા પાસેથી પસાર થયો હતો. પરંતુ આજે અચાનક વાઘનો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ છે.

લુણાવાડાના સિગ્નલી પાસે આવેલા જંગલમાંથી આ વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. વાઘના મૃતદેહ મળ્યાની માહિતી જંગલ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. જેને પગલે જંગલ ખાતું જ હચમચી ગયું છે. વાઘનું મોત કેવી રીતે થયું વગેરેની વિગતો લેવાની તજવીજો હાથ ધરાઈ છે.

વાઘનો મૃતદેહ સાવ સળી ગયેલી હાલતમાં મળી આવ્યો છે. જેથી હાલ નક્કી કરવું ઘણું અઘરૂં છે કે આ વાઘનું મોત કુદરતી છે કે તેનો શિકાર થયો છે. જોકે પ્રાથમિક ધોરણે એવો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે કે જો શિકાર કરવામાં આવ્યો હોય તો આ મૃતદેહ આટલા દિવસો સુધી અહીં પડી રહે તેમ નથી. પરંતુ આ તમામ બાબતો હાલ તપાસનો વિષય છે તેથી તંત્ર મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મૃત્યુંનું કારણ નિશ્ચિત કરી વધુ કાર્યવાહી કરશે. જોકે હાલ એટલું કહી શકાય છે ૧૫ દિવસ પહેલા ગુજરાત માત્ર એક એવું રાજ્ય હતું જ્યાં વાઘ, સિંહ અને દીપડો ખુલ્લા ફરી રહ્યા હોય જેમાં હવે એક શાનદાર પ્રાણીની બાદબાકી થઈ છે.