મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અગાઉ મહાનગરપાલિકાઓના પરિણામોમાં ભાજપની જંગી મતોથી જીત થઇ હતી, તો હવે જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપે પોતાની જીતના નગારા વગાડ્યા છે અને કોંગ્રેસને આ વખતે એવો માર પડ્યો છે કે, જેના કારણે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ હતાશ થઇ ગયા છે અને તેમણે હાઇકમાન્ડને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હાઈ કમાન્ડે પણ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના વિધાનસભાના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જોકે આ બંનેના હ્ટ્યાં પછી હાલ કોંગ્રેસ જ્યાં સુધી કોઈ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી હાર્દિક પટેલના માથે સંગઠનની તમામ જવાબદારીઓ છે.

પાટીદાર આંદોલન પછી કોંગ્રેસ માટે ગુજરાતમાં પગ જમાવવાની નવી આશાઓ ના અંકુર ફૂટ્યા હતા જોકે ખુદ આંદોલનના નેતા હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં જોડાયા છતાં આજે વખત જતા આ મતોનો કોંગ્રેસને કોઇ ફાયદો મળ્યો નહીં. જેને કારણે કોંગ્રેસ માટે ગઢ ગણાતી બેઠકો પણ તેમણે ગુમાવવાનો વારો આવ્યો.

હાલ સ્થિતિ એવી સર્જાઇ છે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ ને માથે કાર્યભાર મુકયો છે, પરંતુ કોંગ્રેસના દિગ્ગજો ના રાજીનામાં પડતાની સાથે કેટલાક નેતાઓ ના સમર્થકો અને આઈ.ટી ટીમ કામે વળગી છે અને પોતે જે નેતાના સમર્થક છે તેમને આ પદો પર જવાબદારી સોંપાય તે માટે એક્ટિવ થયા છે.