મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરની પાલિકાની ચૂંટણી માટે મતદાન થયા બાદ હવે આજે મતગણતરી થઈ રહી છે. 576 બેઠકો પર 2276 ઉમેદવારો છે જેમના પોલીટિકલ કરિયરનો આજે ફેંસલો થયો છે.

આજે મતગણતરી દરમિયાન સુરતમાં કેટલીક નવીન બાબત સામે આવી છે. જ્યાં ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલતો તેવી ગણના થતી હતી ત્યાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારો દેખાવ કરી ગઈ છે. સુરતમાં તો આમ આદમી પાર્ટી હાલ કોંગ્રેસ કરતાં આગળ છે. જોકે ગુજરાતની તમામ છ મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપના કમળ ખીલતા ભાજપના નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં સાવ સુપડાં સાફ થતાં રાજીનામાં ધરવાની સ્થિતિઓ આવી ગઈ છે. 5 શહેર પ્રમુખોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે તો બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ 26મીએ સુરતમાં રોડ શો કરવાના છે.

સુરતમાં તો ખાતુ જ નહીં ખુલતાં કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયમાં જ તોડફોડ કરી નાખી હતી. તેમણે શહેર પ્રમુખ બાબુ રાયકા અને કદીર પીરજાદાનું પૂતળા દહન કર્યું હતું. જામનગરમાં જાહેર થયેલા પરિણામો પ્રમાણે 50 સીટો પર ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 11 સીટ મેળવી છે. બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો પણ અહીં જીત્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામું આપી દીધું છે. પોતે હારની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે. અમદાવાદમાં 192 બેઠકોમાંથી 72 બેઠક ભાજપ જીતી ગઈ અને કોંગ્રેસ 12 જીતી હતી. કોંગ્રેસે વડોદરામાં 7 જ બેઠકો જીતી હતી જ્યારે કુલ 76 પૈકીની 48 બેઠકો ભાજપે અંકે કરી હતી.


 

 

 

 

 

રાજકોટમાં ભાજપે રિપિટ કરેલા બધા જ ઉમેદવારો જીતી ગયા છે. રાજકોટમાં કોંગ્રેસે વોર્ડ 15ની પેનલનો વિજય થયો ત્યારે ખાતુ ખોલ્યું હતું. વશરામ સાગઠિયા સહિતની પેનલ અહીં જીતી હતી. અહીં કુલ 72 સીટોમાંથી 56 પર ભાજપ જીત્યું હતું. સુરતમાં એસવીએનઆઈટી મત ગણતરી કેન્દ્ર પર કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ચાલુ મતગણતરીએ જ વોકઆઉટ કરી લીધું હતું. અહીં ઈવીએમ મશીનના સિલ ખુલ્લા હોવાના આક્ષેપો થયા હતા.

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજકોટમાં ભાજપે 24 બેઠકો પર જીત મેળવી છે પણ કોંગ્રેસનું ખાતું જ ખુલ્યું નથી. જામનગરમાં 24 બેઠકોના પરિણામ જાહેર થયા છે, ભાજપે 16 બેઠકો જીતી છે અને કોંગ્રેસે અહીં 5 બેઠક જીતી છે અન્ય 3 બેઠક લઈ ગયું છે. વડોદરામાં 17 બેઠકો પર ભાજપ જીતનો પરચમ લહેરાવી ચુક્યું છે જ્યારે કોંગ્રેસ 7 બેઠકો કબજે કરી ગયું છે. ભાવનગરમાં ભાજપ 15 બેઠકો કબજે કરી આગળ છે તો કોંગ્રેસ 1 સીટ પર જીત મેળવી રહ્યું છે. અમદાવાદમાં 192 બેઠકોમાંથી ભાજપ 20 બેઠકો પર જીત મેળવી આગળ છે પરંતુ કોંગ્રેસનું ખાતું ખુલ્યુ નથી. સુરતમાં આમ આદમી પાર્ટીએ 4 બેઠકો પર જીત મેળવી છે અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી ત્યાં ભાજપ સુરતની કુલ 120 બેઠકોમાંથી 4 પર જીતી ગયું છે. આમ જોવા જઈએ તો સંપૂર્ણ મત ગણતરીમાં 10 સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જામનગરમાં 13 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ, બીએસપીએ 4 બેઠકો પર જીત મેળવી હતી.