દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતનું મુખ્ય વિપક્ષ અલગ અલગ મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કરે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો વર્ષોથી અમલમાં છે તેમ છતાં ગુજરાતમાં જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં દારૂ મળી રહે છે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પડકાર આપ્યો છે.

અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં તેમને ગુજરાતમાં દારૂબંધી રાખવામાં નિષ્ફળ રહ્યા છે. 2 ફેબ્રુઆરી 2017માં ગુજરાત સરકાર એવો એક કાયદો લાવી હતી જેમાં દારૂ પીવા વાળા, વેચવા વાળા કે લઈ જનાર વ્યક્તિને જો કોઈ પોલીસ મદદ કરે તો તેને દસ વર્ષની સજા થાય તેમ છતાં ત્યાર બાદ દારૂનું વેચાણ ઘટવાની જગ્યાએ વધ્યું છે. આ અંગે અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખ્યો હતો.

Advertisement


 

 

 

 

 

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું એ ગુજરાતમાં કોઈ પણ જિલ્લો એવો સરકાર બતાવે જ્યાં દેશી દારૂનો અડ્ડો ન હોય તો હું જાહેર જીવનનો હંમેશા માટે ત્યાગ કરી દઈશ. ગજરાતમાં જ્યાં જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને વિદેશી દારૂ વેચાય છે ત્યાંથી હપ્તા ગાંધીનગર સુધી જાય છે તે બંધ થવા જોઈએ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટી સંખ્યામાં દારૂની હેરફેર ગુજરાતમાં થાય છે અને દારૂ પીવા વાળા લોકોની પણ સંખ્યા ખૂબ મોટી છે.