પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં સામાન્ય છાપ એવી છે કે, રાજનેતાઓ અભ્યાસમાં બહુ માહેર હોતા નથી. તા 13 ઓક્ટોબરને RTI (જાણવાનો અધિકાર) દિવસ તરીકે મનાવવામાં આવે છે. છ વર્ષ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા હિમાંશું પટેલે આરટીઆઈ વિષય પર પીએચડી કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં આરટીઆઈ ઉપર પીએચડી કરનારા તેઓ પ્રથમ છે.

અમદાવાદની સીયુ શાહ કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી વખતે હિમાંશુ પટેલે કોલેજ વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઈ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. બી.કોમનો અભ્યાસ પુરો કરી ડિપ્લોમા ઈન જર્નલિઝમ કર્યું, એલએલબી અને એલએલએમ કર્યું. તેની સાથે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પણ બન્યા. 

આપણે ત્યાં યુનિવર્સિટીમાં નેતાગીરી કરતાં અનેક નેતાઓ સ્નાતક પણ થતા નથી અને 50 વર્ષની ઉંમરે પણ વિદ્યાર્થી નેતા તરીકે ફરતા હોય છે. કદાચ તેમના સંતાનોનું પણ શિક્ષણ પુરુ થઈ ગયું હોય પણ તેમનો વિદ્યાર્થી નેતા થવાનો નશો ઉતરતો નથી.

હિમાંશુ પટેલે કોલેજના જીએસથી શરૂ કરેલી સફર સેનેટ અને સિન્ડીકેટ સુધી પહોંચી તેની સાથે શિક્ષણમાં પણ ઉત્તમ દેખાવ કર્યો પણ જ્યારે પીએચડી કરવાનો પ્રશ્ન આવ્યો ત્યારે મેરિટમાં હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોના મનમાં સવાલ હતો કે યુનિવર્સિટીમાં દાદાગીરી કરનારા નેતાઓ પીએચડી કઈ રીતે કરી શકે. હિમાંશુ પટેલને સત્તાધીશોને સમજાવવામાં ખાસ્સી મહેનત કરવી પડી કે લડવું એ વિદ્યાર્થીનો સ્વભાવ છે પણ અભ્યાસ કરવો તે વિદ્યાર્થીનો અધિકાર છે. વિદ્યાર્થી નેતા હોવાને કારણે તેમનો અભ્યાસ કરવાનો અધિકાર તેમનાથી કોઈ છીનવી શકે નહીં.

આખરે યુનિવર્સિટીએ તેમને પીએચડીમાં પ્રવેશ આપ્યો અને પોણા ચાર વર્ષની સખ્ત મહેનત પછી તેમણે પીએચડીનું સંશોધન પૂર્ણ કર્યું જેને ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપી. આમ ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસમાં જે વિદ્યાર્થી જીએસ પણ હોય, સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પણ હોય અને પીએચડી પણ કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. હિમાંશુ પટેલ હાલમાં કોંગ્રેસના પ્રવક્તાની ભૂમિકામાં ટેલીવિઝનના પડદે જોવા મળે છે અને હવે તે ડો. હિમાંશું પટેલ છે.