મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ૨૦૧૭ વિધાનસભામાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ છતાં અલ્પેશ ઠાકોરના સાથી હોવાથી કોંગ્રેસ પક્ષે ધવલસિંહ ઝાલાને ટિકિટ ફાળવી હતી જેમાં ધવલસિંહ ઝાલાનો ભવ્ય વિજય થયો હતો રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેનાર ધવલસિંહ ઝાલાએ કેસરિયો ધારણ કરતા બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી ઓક્ટોમ્બર મહિનામાં સંભવિત ચૂંટણી યોજાશે જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલા નિશ્ચિત ઉમેદવાર હોય તેમ પ્રચાર-પ્રસાર નો પણ પ્રારંભ કરી દીધો છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ધવલસિંહ ઝાલાનો બાયડના ઉમેદવાર તરીકે વિરોધ નોંધાવી સ્થાનિક ઉમેદવાર અદેસિંહ ચૌહાણને ટેકિટ આપવાની માંગ સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને પત્ર લખતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

બાયડ તાલુકા જીકેટીએસ પ્રમુખ ખાંટ મુકેશ ભાઈ ની સહી સાથે સોશ્યલ મીડિયામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીને ઉલ્લેખીને વાઈરલ થયેલા પત્રમાં જણાવ્યું છે કે ૨૦૧૭ માં કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને મદદ કરી હતી પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિ અને અમદાવાદ રહેતા હોવાથી પ્રજાને મળી શકતા ન હોવાથી તે સમય થી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ઠાકોર સેનાએ છેડો ફાડ્યો હતો અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઠાકોર સેના તેમની સાથે નથી તેમ છતાં ભાજપ પક્ષને ઠાકોર સેના તેમની સાથે છે તેવું કહી ભાજપને ગેરમાર્ગે દોરે છે  તેમનાથી દરેક સમાજ નારાજ છે લોકસભા-૨૦૧૯ માં ભાજપને મદદ કરી હતી બાયડ વિધાનસભામાં ભાજપે વિજય મેળવવો હોય તો સતત લોકોના સંપર્કમાં રહેતા  અદેસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવેની પણ માંગ કરી છે .