મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ બાયડ તાલુકા જીકેટીએસ પ્રમુખ ખાંટ મુકેશ ભાઈ ની સહી સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના લેટર પેડ પર બાયડ વિધાનસભાની ટૂંક સમયમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલાના બદલે અદેસિંહ ચૌહાણને બાયડ વિધાન સભાની ટિકિટ આપવાની માંગ કરતો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીને ઉલ્લેખીને લખેલો પત્ર સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા બાયડ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ હડકંપ મચ્યો હતો. બીજી બાજુ ધવલસિંહ ઝાલાના વિરોધી જૂથ પણ ગેલમાં આવી જતા અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોરના પ્રમુખ સંજય સિંહ ઠાકોરે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ખોટા લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.

અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોરના સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દ્વારા જાહેર કર્યું છે કે, કોંગ્રેસની કુટીલ રાજનીતિ રહી છે કઈ રીતે ભાગલા પાડી ઠાકોર સેનાને તોડી એકતા મંચને તોડી કઈ રીતે ચૂંટણી જીતવી એના માટે એક યુવાનને હાથો બનાવી તાલુકા પ્રમુખનું ખોટું લેટર પેડ છાપ્યું હોવાનું અને ખોટી રીતે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને ખોટી રીતે લેટર પેડ લખ્યો હોવાનું જણાવી તેને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું મેન્ડેડ હોય કે કોઈ પ્રમાણ હોય તો રજુ કરવાનું જણાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે. અરવલ્લી જીલ્લામાં ક્ષત્રિય ઠાકોર સેનામાં સમાજના માટે બનેલ સંગઠનમાં રાજકીય પ્રવેશ થતા ક્ષત્રિય ઠાકોર સેનામાં ભંગાણ સર્જાયું છે. ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયેલા યુવાનોમાં પણ અનેક મતમતાંતર હોવાનું એક યુવકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.