મેરાન્યૂઝ નેટવર્ક. જૂનાગઢ : આગામી 7 માર્ચથી ભવનાથમાં યોજાનાર મહાશિવરાત્રિ મેળો કોરોનાને કારણે રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે તંત્રના આ નિર્ણય સામે સંતો-મહંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષે સોમનાથનો મેળો તેમજ કુંભમેળો થાય તો મહાશિવરાત્રી મેળો કેમ નહીં? શું ત્યાં કોવિડ નથી અને માત્ર જૂનાગઢમાં જ છે ? સહિતના અનેક સવાલો સાથે સંતો આંદોલનનાં મૂડમાં જોવા મળી રહ્યા છે. આપાગીગાના અન્નક્ષેત્ર ગ્રાઉન્ડ ખાતે સાધુ-સંતો, સેવકો, વેપારીઓની બેઠક પણ આજે યોજાનાર છે.

કલેક્ટર તંત્ર દ્વારા પરંપરાગત મહાશિવરાત્રીનાં મેળામાં લોકોના આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. અને ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ માત્ર સાધુ-સંતો પરંપરાગત રીતે ધ્વજારોહણ, પૂજાવિધિ તેમજ રવેડી બાદ શાહીસ્નાન કરે એવો નિર્ણય લેવાયો છે. તંત્રના આ નિર્ણયને એકતરફી ગણાવી સાધુ-સંતોએ સવાલો ઉઠાવ્યા છે. જેમાં જણાવાયું છે કે, ચૂંટણી પરિણામોનાં બીજા દિવસે કલેક્ટર તેમજ સાધુ-સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. પણ તેમાં બધા સાધુ-સંતોને બોલાવાયા નથી. અને એકતરફી કહી શકાય તેવો મહાશિવરાત્રી મેળો લોકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે તદ્દન એક તરફી અને અન્યાયી છે. 


 

 

 

 

 

આ અંગે સનાતન ધર્મ પરિષદ ઉપાધ્યક્ષ આત્માનંદજી બ્રહ્મચારીએ કહ્યું હતું કે, લોકશાહીમાં પ્રજા સરકાર છે, અને પ્રજાને જ મેળામાં પ્રવેશબંધી કરવામાં આવે તે કેમ બની શકે ? મહાશિવરાત્રી મેળો સનાતન પરંપરાની ધરોહર છે. સોમનાથનો મેળો, કુંભમેળો થઈ શકે તો જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો કેમ ન થઈ શકે ?  મહાપાલિકા તથા તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજકીય લોકો, નેતાઓએ નિયમો નેવે મુકી પ્રચાર, રેલી, સભાઓ સંબોધી હતી, તો ત્યારે કેમ કોરોના ન નડયો ? કોરોના માત્ર મહાશિવરાત્રી મેળામાં આવતા લોકોને જ અસર કરશે ?

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં કોઈ ઉદ્યોગો નથી. પરંતુ મહાશિવરાત્રીનાં મેળાનાં લીધે કરોડોનું ટર્ન ઓવર થાય છે. એટલું જ નહીં આ મેળાના એક માસ અગાઉ વેપારીઓ, અન્નક્ષેત્રોના સંચાલકો તૈયારી કરતા હોય છે, ત્યારે અંતિમ સમયે લોકોને નહીં આવવા માટે લેવાયેલો આ નિર્ણય ક્યાંનો ન્યાય છે ? હાલ બંગાળમાં ચૂંટણી માટે હજારો લોકોની રેલી, સભા યોજાય છે ત્યાં કોરોના કેમ નડતો નથી ? આ બધા તાયફા ચાલુ રાખી માત્ર મહાશિવરાત્રી મેળાને જ કોરોનાના બહાને લોકો માટે બંધ રાખવો ઉચિત નથી. ત્યારે આ અંગે સીએમ સુધી રજૂઆત કરવામાં આવશે. અને આ નિર્ણય નહીં બદલાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.