પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.જુનાગઢ) : થોડા દિવસ પહેલાની વાત છે, જુનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર એન આર પટેલના મોબાઈલ ફોનની રીંગ વાગી, નંબર અજાણ્યો હતો પણ પોલીસ અધિકારીઓને આ પ્રકારે અજાણ્યા લોકોના ફોન આવતા હોય છે, પીઆઈ પટેલે ફોન ઉપાડતા સામે છેડેથી ફોન કરનારે કહ્યુ સર તમે મારા ગુરૂ સમાન છો, આપની સાથે એક કલાકની મિટીંગમાં તમે મારી જીંદગી બદલી નાખી તમે સુઈ ગામ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે હું શરાબનો ધંધો કરતો હતો. ફોન કરનાર યુવાનની વાત સાંભળતા ઈન્સપેકટર એન આર પટેલની સામે પીકચરની જેમ આખુ દશ્ર્ય પસાર થવા લાગ્યુ હતું.

2014-2015માં ઈન્સપેકટરનું પોસ્ટીંગ સુઈ ગામના પોલીસ ઈન્સપેકટર તરીકે હતું, તે દિવસે તેઓ રોજ પ્રમાણે પેટ્રોલીંગમાં હતા ત્યારે  તેમણે એક સ્વીફટ કારને અટકાવી કાર ચાલક વીસ વર્ષનો યુવાન હતો , કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, પોલીસે તેની કાર ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, ઈન્સપેકટરને વિચાર આવ્યો કે આ કોલજીન યુવાન સામે પોલીસ કેસ કરી તેને જેલમાં ધકેલી દઈશ તો પોતાનું કામ તો પુરૂ થઈ જશે પણ તેની સાથે યુવાનની જીંદગી પણ પુરી થઈ જશે.


 

 

 

 

 

ઈન્સપેકટર પટેલે પકડેલો યુવાન માનતો હતો કે શિક્ષણ મેળવી નાની મોટી નોકરી તો  મળી જાય પણ સમૃધ્ધી મળે નહીં, રાજસ્થાન બોર્ડર નજીક હોવાને કારણે અનેક યુવાનોએ પૈસા કમાવવા માટે આ શોર્ટકટ અપમાવ્યો હતો, ઈન્સપેકટર પટેલ આ યુવાનને લઈ પોલીસ સ્ટેશન આવ્યા અને ફોન કરી તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા, પિતાની હાજરીમાં ઈન્સપેકટર પટેલે યુવાનને સમજાવ્યો કે દારૂના ધંધામાં તેને પૈસા તો મળશે પણ ઈજ્જત  કયારેય મળશે નહીં. ઈજ્જત મેળવવા માટે ભણવુ પડશે અને પ્રમાણિકતાથી જે કામ મળે તે કરવુ પડશે, કોઈ પણ પોલીસ અધિકારી માટે કેસ કરવો સહેલી બાબત છે, પણ વર્ષોની નોકરી પછી ઈન્સપેકટર પટેલને સમજાયુ હતું કાયદો પકડી શકે પણ બદલી શકે નહીં. તે પકડાયેલા યુવાનને બદલાવવાની એકતક આપવા માગતા હતા.

જો કે પછી ઈન્સપેકટર એન આર પટેલની બદલી થઈ ગઈ અને પછી આ યુવાનને કયારેય મળવાનું થયુ નહીં, લગભગ પાંચ વર્ષ પછી આ  યુવાનનો ફોન આવ્યો હતો,યુવાને કહ્યુ સાહેબ તમે મને એક કલાક સમજાવ્યો અને મારી જીંદગી બદલાઈ ગઈ,કોલેજ પુરી કરી આજે હું દેશની એક નામાંકીત બેન્કમાં બ્રાન્ચ મેનેજર છુ, મારે તમારી  જેમ પોલીસ ઓફિસર થવુ છુ હું તેની પરિક્ષા પણ આપી રહ્યુ છે. તમે મારૂ જીવન બદલ્યુ મારે હજી ઘણુ આગળ જવાનું બાકી છે યુવાનની વાત સાંભળી ઈન્સપેકટર પટેલને લાગ્યુ કે જાણે તેમને રાષ્ટ્રપતિ મેડલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હોય  એક પોલીસ અધિકારી માત્ર કેસ કરવાને બદલે કેસની ગુણવત્તાના આધારે જો સ્થળ ઉપર એક સારો નિર્ણય કરે  તો ગુનાની દુનિયામાં આવેલી વ્યકિતનું જીવન કેવી રીતે બદલાય તેનું આ ઉદાહરણ છે

(જુનાગઢના ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો આભાર આ ઘટના અમારી સુધી પહોંચાડવા બદલ)