મેરાન્યૂઝ નેટવર્ક, ભૂજ:  ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના મર્ડર કેસનાં આરોપી ડુમરાવાળા જયંતિ ઠક્કરને રેંજ આઇજીની ટીમ દ્વારા જેલમાં જલસા કરતા ઝડપી લેવામાં આવ્યો છે. કચ્છમાં અત્યાર સુધી તમામ રીતે વગદાર માનવામાં આવતા જયંતિ ડુમરા દારૂની મહેફિલ માણવાની સાથે સાથે પોલીસે એક મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો હતો. જયંતિની સાથે ભચાઉ સબ જેલની બેરેકમાંથી પોલીસે અન્ય ચાર આરોપીઓને પણ ઝડપી લીધા હતા.

જયંતિ ભાનુશાલી હત્યા કેસ ઉપરાંત બેન્ક ઉચાપતનાં કરોડો રૂપિયાના કૌભાંડમાં આવી ગયેલા જયંતિ જેઠાલાલ ઠક્કર જેલમાં મહેફિલ માણી રહયા હોવાની ફરીયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જેને પગલે વાર્ષિક ઇન્સપેકશનમાં ભચાઉ  આવેલા રેંજ આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સુચના આપી હતી.

પોલીસે ભચાઉ સબ જેલમાં ઓચિંતી તપાસ કરી તો જે બેરેકમાં જયંતિ ડુમરા હતો ત્યાં અન્ય ચાર દારૂની મહેફિલ માણી રહયા હતા. પોલીસે જયંતીની તલાશી લીધી તો તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે જયંતિ ડુમરા સહીત અન્ય ચાર શખ્સ સામે પ્રોહિબિશનની જોગવાઇ ઉપરાંત જેલમાં આવુ કૃત્ય કરવા બદલ પ્રિઝન એક્ટ તળે પણ અલગ અલગ ગુના દાખલ કર્યા હતા.

જેલમાં ઝડપાયેલા જયંતિ સહિતનાં પાંચ આરોપી પૈકી જયંતીના ગામ ડુમરાનો રઝાક ઇબ્રાહિમ તો જયંતિની સેવા ચાકરી કરવા માટે ભચાઉ સબ જેલમાં ખાસ ગેરકાયદે પ્રવેશ કરીને આવ્યો હોવાનુ બોર્ડર રેંજના ઇન્સ્પેકટર જનરલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતુ.