મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ દર ચૂંટણીએ કોંગ્રેસના નેતાઓનો ભાજપ પ્રવેશોત્સવ મનાવે છે અને કોંગ્રેસ દર વખત પોતાના જ નેતાઓ પર પક્કડ બનાવવામાં નિષ્ફળ નિવડે છે. હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. આવા ઘણા કારણોસર ખાલી પડનારી બેઠકો પર દર વખત ફરી ચૂંટણી ખર્ચ, સમય ખર્ચ વગેરે થતો આવ્યો છે. હાલના સમયમાં એક કોંગ્રેસના નેતાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે જેમાં હાલમાં ભાજપમાં પ્રવેશેલા અને ભાજપના જ પેટા ચૂંટણીના ઉમેદવાર પર 16 કરોડમાં વેચાયાનો આક્ષેપ કરાયો છે.

સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ઉમેદવાર જે વી કાકડિયાએ ભાજપ પ્રવેશ માટે પૈસા લીધા હોવાનો આરોપ મુક્યો છે. તેમના આ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. પ્રતાપ દુધાતે આક્ષેપો કર્યા હતા કે, જે વી કાકડિયાએ 16 કરોડ લીધા છે. તેમણે 16 કરોડ લીધા હોવાનો આક્ષેપ થતાં હવે જે વી કાકડિયા પણ સામે બાંયો ચઢાવી સામ સામા થયા છે.

પ્રતાપ દુધાતે ધારી, ખાંભા અને ચલાલા જેવી જાહેર જગ્યાએ સામે બેસીને વાત કરવાની ચેલેન્જ પણ આપી છે. એટલું જ નહીં, આ આરોપ પછી પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, મને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે પણ મને મળી નથી. ધારાસભ્યોએ પૈસા લીધા હોવા અંગે સી.બી.આઈ.તપાસની માંગણી કરી છે. ધારી બેઠકના ભાજપ ઉમેદવાર જે વી કાકડિયા દ્વારા સામે કાયદાકીય પગલાં લેતા વકીલ મારફતે નોટિસ મોકલાવ્યાનું વર્ણવ્યું છે જોકે પ્રતાપ દુધાતે હજુ કોઈ નોટિસ ન મળ્યાનું કહ્યું હતું. પ્રતાપ દુધાતે જયસુખ વેચાયો તેવા શબ્દો વાપર્યા હતા. કાકડિયાએ સામે માનહાનીની નોટિસ મોકલી છે અને પ્રતાપ દુધાત જાહેરમાં માફી માગે તેવી માગ કરી છે.