મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ITIને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતની ITIમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે 10 એપ્રિલ સુધી રાજ્યની તમામ ITIમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. તાલીમાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા પરિપત્ર કર્યો છે ત્યારે મોડાસા ITIમાં પણ બુધવારથી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું ફરીથી એકવાર વિદ્યાર્થીઓથી ધમધમતું મોડાસા આઈટીઆઈ સંકુલ સુમસામ બન્યું હતું.

કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે મહાનગરોમાં સ્કૂલો, કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈ શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. હવે રાજ્યની તમામ ITIમાં પ્રેક્ટિકલ બંધ કરાયા છે. ઓફલાઇન પ્રેક્ટિકલ બંધ કરવા આખરે સરકારે નિર્ણય લઈ લીધો છે. એન્જીનીયરીંગ ડ્રોઇંગ કલાસ પણ બંધ કરાયા છે, જે 10 એપ્રિલ સુધી બંધ રહેશે. શ્રમ અને રોજગાર વિભાગે એક પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય લીધો છે.મોડાસા આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં ઓફલાઈન અભ્યાસ બંધ કરવામાં આવતા ભારે નિરાશા ફરી વળી હતી માંડ માંડ થાળે પડેલ ઓફલાઈન અભ્યાસ કોરોનાની વિકરાળ સ્વરૂપને લીધે બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડશે.