હરેશ ભટ્ટ (મેરાન્યૂઝ.સુરત): કોઇ પણ ધાર્મિક વાર્તા હોય તેમાં છેલ્લે એવું નોંધ્યું હોય કે જે ભક્તિ કરનારાને ભગવાન ફળ્યા એવા સૌને ફળજો. આ વાત અત્યારે યાદ કરવી પડી છે શિવાનંદ ઝાના સંદર્ભમાં. રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્ટેન્શન મળ્યું. સામાન્ય સંજોગોમાં અધિકારીને એક્ટેન્શન ન આપવા પાછળ સરકારનું ગણિત શું રહ્યું તે તો ખબર નથી, પણ સરકારની ગુડ બૂકમાં રહેનારા અને સરકારની તદ્દન નજીક રહી ચૂકેલા ઘણા અધિકારીઓને પણ એક્ટેન્શન મળ્યું નહીં. તેવા સંજોગોમાં સામાન્ય સંજોગો હોત તો સંભવતઃ શિવાનંદ ઝાને પણ એક્ટેન્શન મળવાની શક્યતા નહીંવત્ હતી. ગુજરાતમાં સામાન્ય નહીં પણ અસામાન્ય સંજોગો હોવાના કારણે શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્ટેન્શન મળી ગયું છે. જેથી કહી શકાય કે નસીબના બળિયા શિવાનંદ ઝાને આ સમય ફળ્યો એવો સૌને ફળજો.

હવે આપણે વાત કરીએ સરકારની ગુડ બૂકમાં રહેલા અધિકારીઓની, તો તેમાં સૌથી પહેલું નામ આવે જે.કે. ભટ્ટનું. તે નિવૃત્ત થવાના હતા ત્યારે તમામ અધિકારીઓ એવું માનીને જ બેઠા હતા કે જે. કે. ભટ્ટને એક્ટેન્શન મળશે જ. પણ, એવું બન્યું નહીં. જે.કે. ભટ્ટને એક્ટેન્શન આપ્યું નહીં. ત્યારથી અન્ય અધિકારીઓ પણ સમજી ગયા કે હવે એક્ટેન્શન મળનું મુશ્કેલ છે. ત્યાર પછી ક્રમશઃ વાત કરીએ તો મોહન ઝા, સતીશ શર્મા, સિદ્ધરાજસિંહ ભાટી, એ.કે. જાડેજા વગેરે તમામ સરકારની ગુડ બૂકમાં હોવા છતાં એક પણ અધિકારીને એક્ટેન્શન ન મળ્યું તે ન જ મળ્યું. એ.કે. જાડેજાની હાલત તો એવી થઈ કે કોરોનાના કેર વચ્ચે તેમને નિવૃત્ત કરી દેવાયા. એ. કે. જાડેજા અમદાવાદ રેન્જના આઇજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેમને 31મી માર્ચે નિવૃત્ત કરી દેવાયા છે.