પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં ગુજરાત સહિત દેશ એવા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે,જેમાં દેશનો ગરીબ અને શ્રીમંત સહિત તમામ લોકો એક પ્રકારના ડર-લાચારી અને અસમર્થતાની લાગણી અનુભવી રહ્યા છે,દેશને માથે આવેલુ આ સંકટ પહેલુ નથી,હા ભુતકાળના સંકટ કરતા કોરોનાનું સંકટ વધુ વિકરાળ છે તેને નકારી શકાય નહીં, પણ આ સંકટ એવુ છે કે જેમાં સૌથી વધુ લાચારી શ્રીમંતો, વગદારો અને શિક્ષીતો અનુભુવી રહ્યા છે, આ દેશના ગરીબો તો પોતાના જીવનમાં આવતી વેદનાઓ માટે નસીબને જવાબદાર ઠેરવી પોતાની જાતને બાજુ ઉપર ઉભી રાખે છે, આ દેશનો ગરીબે સ્વીકારી લીધુ છે કે તેના નસીબમાં લાચારી, અપમાન અને અભાવ છે ,તે તેના માટે પોતાના સહિત કોઈને જવાબદાર માનતો નથી, પરંતુ આ વખતે કોરાના દરમિયાન જેમની પાસે પૈસા હતા, નેતા-અધિકારીની ઓળખાણ હતી તેમની સ્થિતિ પણ દેશના ગરીબો જેવી લાચાર થઈ ગઈ.

દેશનો એક એક માણસ જીવવા માટેની લડાઈ લડી રહ્યો હતો,દેશનો પ્રત્યેક પરિવાાર પોતાના કોઈને કોઈ પરિવારજનને બચાવી લેવાની ભીખ માંગી રહ્યો હતો,ત્યારે સામે પક્ષે તંત્ર પોતે લાચાર અને પાગળુ નજરે પડી રહ્યુ હતું, ચારે તરફ આંધાધુધી છે, કયાંય વિશ્વાસનું કિરણ નજરે પડતુ નથી, વાત માત્ર ગુજરાતની નથી,દેશના તમામ રાજયો એક સરખી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે,ગુજરાતના લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ગુસ્સો અને નારાજગી હોય તે સમજી શકાય તેમ છે ગુજરાતની એક પણ સોસાયટી અથવા મહોલ્લો એવો નથી જયાં કોરાનામાં માણસનો જીવ ગયો ના હોય, મૃત્યુની ટાળી શકાય તેમ નથી તે સાચુ હોવા છતાં સારવારના અભાવે માણસ કીડી મકોડાની જેમ મરે અને સ્વજન અને તંત્ર કઈ કરી શકે નહીં તેના કરતા મોટી કોઈ લાચારી હોઈ શકે નહીં. આપણને આપણી આસપાસનું જગત જ વિશ્વ લાગે છે.


 

 

 

 

 

પણ તેવુ હતું નથી,ગુજરાતમાં આપણે રહીએ છીએ, માટે આપણને વિજય રૂપાણી અથવા સી આર પાટીલ દોષીત લાગી શકે છે, પરંતુ જયાં ભાજપનું શાસન નથી તેવા મહારાષ્ટ્ અને દિલ્હીની સ્થિતિ તો ગુજરાત કરતા પણ ખરાબ છે, એટલે આખી સ્થિતિને રાજકિય સ્થિતિના પરિપેક્ષમાં જોવા કરતા જરા જુદી રીતે જોવાની જરૂર છે, કોરાનાની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે પછી અરવિંદ કેજરીવાલ, ઉધ્ધવ ઠાકરે હોય કે અશોક ગહેલોત હોય કોઈ પણ મુખ્યમંત્રી એવુ ઈચ્છે નહીં તેમના રાજયના એક પણ નાગરિકની આવી સ્થિતિ થાય નહીં, જો કે રાજકિય નેતાઓ ચુક કરી નથી,તેવુ પણ નથી, રાજકિય સ્વાર્થ ખાતર અનેક ભુુલો પણ થઈ છે તેમાં કોઈ પણ પક્ષ બાકાત નથી, આમ છતાં સમગ્ર દેશ એવા અંધકારમાં પસાર થઈ રહ્યો છે જેમાં દરેક માણસ પોતાને ભયભીત અનુભવી રહ્યો છે. દેશના નેતાઓનો અહંકાર એટલો મોટો થઈ ગયો છે કે આવી સ્થિતિમાં પણ તેઓ સાથે બેસી પ્રશ્નનો હલ શોધવાનું મોટાપણુ દાખવી શકતા નથી.

1983માં ગુજરાતના મુખ્યમંત્રી પદે માધવસિંહ સોંલકી હતા, ગુજરાતના દરિયા કિનારે અત્યંત તોફાની વાવાઝોડુ આવ્યુ અને ગુજરાતને ઘમરોળી નાખ્યુ હતું, ગુજરાત તબાહ થઈ ગયુ હતુ. ગુજરાતે ફરી બેઠુ કરવાની જવાબદારી મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોંલકીની હતી,છતાં તેમણે પોતાના કટ્ટર વિરોધી અને વિરોધપક્ષના નેતા બાબુભાઈ જશભાઈ પટેલને બોલાવી કહ્યુ, મારી સામેની લડાઈ તમે ચાલુ રાખજો પણ હમણાં ગુજરાતને અને મારી સરકારને તમારી જરૂર છે, માધવસિંહ સોંલકીએ રાહત સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી બાબુભાઈ જશભાઈ પટેલને આપી અને તેમણે તમામ રાજકિય મતભેદ બાજુ ઉપર રાખી અધ્યપક્ષ પદ સંભાળી ગુજરાતને થાળે પાડવાનું કામ કર્યુ હતું, 1990માં ગુજરાતના મુખ્યમંત્રી પદે ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારે તેમણે પોતાના કાર્યાલયમાં મામલતદાર દિક્ષીતને સામેલ કર્યા હતા,દિક્ષીતનું કામ માત્ર કયુ કામ કરવાનું નથી તેની સલાહ આપવાનું હતું.


 

 

 

 

 

દેશ અગાઉના કોપ કરતા વધુ ખરાબ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષમાં રહેલા હોશીયાર નેતાઓને બોલાવી કહેવાની જરૂર હતી કે આવો દેશ અને મને તમારી જરૂર છે આપણી લડાઈ તો પછી લડીશુ પણ હમણાં આપણે માણસ બચાવવાની લડાઈ લડવાની છે મારી સાથે જોડાઈ જાવ, પણ અફસોસ તેવુ થયુ નહીં સત્તામાં રહેલા નેતાઓ આવુ મોટાપણુ દાખવી શકયા નહીં અને વિરોધ પક્ષમાં રહેલા નેતાઓ પરાણે લડાઈનો હિસ્સો બની શકયા નહીં., ખરેખર તો આપણે સમગ્ર દેશ આ સ્થિતિ માટે તૈયાર જ ન્હોતો, પણ જે દેશ ભુતકાળને ભુલી જાય છે તેનું ભવીષ્ય સારૂ હોતુ નથી, આપણે ત્યાં સરકાર ફેકટરીઓ અને ધંધાઓ શરૂ કરવા માટે નિયમો લાદે છે તેમ હવે એવો સમય આવ્યો છે કે સરકારે મંદિરો-ચર્ચ અને મસ્જીદ શરૂ કરવા માટે નિયમો લાદવા પડશે કે જો તમારે મંદિર-ચર્ચ અને મસ્જીદ બાંધવી છે તો પહેલા એકસો બેડની હોસ્પિટલ શરૂ કરવી પડશે જો હોસ્પિટલ નહીં હોય તો મંદિર અને મસ્જીદ નહીં ખુલે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.