મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  સુરતમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે રવિવારે સમીક્ષા બેઠક મળી હતી જેમાં તમામ ધારાસભ્યોએ અલગ અલગ ફરિયાદો કરી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાએ ગૃહમંત્રીને કહ્યું કે, મે દારૂની ફરિયાદ કરી તો મારા ઘરે બુટલેગરો આવી ગયા હતા. આ મુદ્દે ગૃહમંત્રીએ ડીસીપીનો ઉધડો લેતા કહ્યું કે, તમારાથી ફરિયાદનો નિકાલ થશે કે ગાંધીનગરથી મારી ટીમ મોકલું? અરવિંદ રાણાએ વધુમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અશાંત ધારો લંબાવવા પણ વાત કરતાં કહ્યું કે, આ વિસ્તારમાં અશાંતધારાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. આ વિસ્તારમાં અશાંતધારો વધુ પાંચ વર્ષ સુધી રહેવો જોઈએ.

ધારાસભ્ય વિનુ મોરડીયા કહ્યું કે, પોલીસના નીચલા સ્ટાફની દાદાગીરી બહુ જ વધારે છે. તેમાં ખાસ કરીને ડી સ્ટાફ લોકો સાથે વધુ દાદાગીરી કરે છે. જેથી વર્તન સુધારવાની જરૂર છે. સી.આર.પાટીલે ગેરકાયદે બાંધકામ મુદ્દે પાસા હેઠળની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નવી ટીપી સ્કીમ મુકાય તો તેમાં પહેલેથી પોલીસ સ્ટેશન માટેની જગ્યા ફાળવણી કરવાની માંગ કરી હતી. જેથી પાછળ પોલીસ સ્ટેશન માટેની જગ્યા ફાળવવાનો પશ્ન ન રહે. ધારાસભ્ય પૂર્ણશ મોદીએ અશાંતધારાના કાયદામાં કલમ-7 માં જોગવાઇ છે કે, આઈપીસીની 3 કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની તો તેનો અમલ કરાવવા બાબતે રજૂઆત કરી હતી.

Advertisement


 

 

 

 

 

ધારાસભ્ય વિવેક પટેલે ઉધના પોલીસ સ્ટેશન નવું બનાવવાની રજૂઆત તેમજ ભેસ્તાન ચાર રસ્તા પાસે સિંચાઇ વિભાગની જગ્યા છે ત્યાં નવું પોલીસ સ્ટેશન બનાવવા માંગ કરી હતી. ધારાસભ્ય કાંતિ બલરે સુરત સ્ટેશનના વિસ્તારની ઝુપડપટ્ટીમાં ચાલતા ગાંજો, દારૂ,અને મટકા-જુગારના ધંધા બંધ કરાવવા અને હુમલા કરતા માથાભારે શખ્સો સામે પગલાની માંગ કરી હતી. ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ તડીપાર થયેલા આરોપીઓ પાછા આવી ગુનાખોરી કરતા હોવાનું જણાવી આવા ગુનેગારોનો સર્વે કરી તમેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય હર્ષ સંઘવીએ માસ્કના દંડની બાબતે રજૂઆત કરી હતી. વાહનચાલકે ચાલીને 600 મીટર દૂર ચોપાટી પાસે દંડ ભરવા જવું પડે છે અને રસીદ દેખાડી ગાડી છોડવામાં આવે છે. ધારાસભ્ય મુકેશ પટેલે રાંદેરમાં એક ટ્રેકટર ચાલક પાસે પોલીસે 9 હજારનો તોડ કર્યાની ફરિયાદ ગૃહમંત્રીને કરી હતી. રૂ. 200-500 લઇને ગામડામાંથી આવતા લોકોને પોલીસ હેરાન કરે છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાંથી નવુ લસકાણા પોલીસ સ્ટેશન બનાવવાની માંગ કરી હતી. ઉપરાંત પોલીસનું મહેકમ વધારવાની રજૂઆત કરી હતી.

Advertisement